15 બસો નેપાળ પ્રવાસે ગઇ હતી પરંતુ દૂર્ઘટના પહેલા ઉત્તરપ્રદેશમાં હેમખેમ પાછી આવી ગઇ હોવાના સમાચાર મળતા કલેક્ટર તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો, હેલ્પલાઇન પર સંપર્ક કરવા અપીલ
નેપાળમાં ભુસ્ખલન બાદ ભયાનક પુરમાં અનેક હજાર લોકો ગુમ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. ત્યારે દેશભરમાંથી કૈલાશ માનસોવર યાત્રાને લઇને અનેક ભારતીયો પણ નેપાળમાં ફસાયા હોવાની વિગતો સામે આવી છે. દરેક રાજ્ય અને જિલ્લાતંત્રએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, કોઇ પણ પ્રવાસીઓ ફસાયેલા હોય તે અંગેની માહિતી તેમને જાણ કરવી રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા પણ હેલ્પલાઇન જાહેર કરવામાં આવી હતી અને તે ઉપર રાજકોટથી 15 જેટલા વાહનો નેપાળ પ્રવાસે ગયા હોવાની માહિતી સામે આવી હતી.
જેમાં રાજકોટથી નીકળેલા આશરે 15 જેટલા વાહનો સાથે હાલ કોઈ સંપર્ક થઈ શક્યો નથી.બસ,કાર અને ટેક્સી જેવા 15 વાહનોમાં રાજકોટથી કેટલા પ્રવાસીઓ નેપાળ ગયા છે તેની ચોક્કસ સંખ્યા હજુ સુધી સ્પષ્ટ થઈ નથી પરંતુ આ તમામ વાહનો રાજકોટ RTO માંથી જરૂૂરી મંજૂરી મેળવીને જ રવાના થયા હતા.હાલમાં કેટલાક લોકો નેપાળ પહોંચ્યા હોવાનું તો કેટલાક ઉત્તરાખંડ તરફ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે જેને પગલે રાજકોટ કલેક્ટર તંત્ર અને RTO વિભાગ દ્વારા સંબંધિત પ્રવાસીઓનો તાત્કાલિક સંપર્ક સાધવા માટેના ગંભીર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લે મળતી માહિતી પ્રમાણે તમામ વાહનો ઉત્તરપ્રદેશમાં સુરક્ષિત હોવાનું જાણવા મળતા તંત્રએ રાહતો શ્ર્વાસ લીધો હતો.
