સુરતમાં સગીરાનું અપહરણ, 35 દિવસ સુધી પોલીસે કંઈ નહીં કરતા પોલીસ સ્ટેશનને ઘેરાવ

પાટીદાર સમાજની 17 વર્ષીય સગીરાનું અપહરણ થયાને 35 દિવસ વિતી ગયા છતાં પોલીસ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં સુરતમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.…

પાટીદાર સમાજની 17 વર્ષીય સગીરાનું અપહરણ થયાને 35 દિવસ વિતી ગયા છતાં પોલીસ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં સુરતમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે પાટીદાર યુવાનો અને સમાજના આગેવાનોએ રાત્રે સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી પોલીસ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. પાટીદાર સેવા સંઘ દ્વારા તિરુપતિ સોસાયટીની વાડી ખાતે યોજાયેલી મિટિંગ બાદ મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન તરફ કૂચ કરી હતી. અપહરણ પામેલી સગીરાના ભાઈએ મીટિંગ દરમિયાન સમાજ સમક્ષ ભાવુક અપીલ કરી છે. મદદ માંગતા વાતાવરણ ગમગીન બન્યું હતું.

પાટીદાર સેવા સંઘના પ્રતિનીધિ અને પાટીદાર સમાજ અગ્રણી વિજય માંગુકિયાએ કહ્યું હતું કે, ’17 વર્ષિય તરુણી ગામથી ભાઈ સાથે રહેવા માટે સુરત આવી હતી. તેનું અપહરણ થયું છે. 35 દિવસથી ગુમ થઈ હોવા છતાં પોલીસ દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી તેના ભાઈએ સમાજ પાસે મદદ માંગી હતી. તેનું લોકેશન પણ પોલીસને આપવામાં આવ્યું હતું તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી આજે મળેલી બેઠકમાં માંગ કરવામાં આવી છે કે, પોલિસ દ્વારા દિકરીને શોધી આપવામાં આવે, આરોપી સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને કાર્યવાહી કરનાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે. સમાજ દ્વારા દીકરીને વહેલી તકે શોધી લાવવા માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરાઈ છે.

આરોપીને ઝડપથી પકડી તેના સામે વિશેષ અને કડક ગુનો દાખલ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.પોલીસની બેદરકારીના કારણે અપહરણ કેસમાં કોઈ નક્કર પરિણામ ન મળ્યાનો આરોપ સમાજે લગાવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચતા પીઆઇ બી બી કરપડા દોડી આવ્યા અને તેમને ઘેરી લેવામાં આવ્યા હતા. પીઆઇએ તપાસ ચાલુ હોવાનો જ જવાબ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *