ઈરાન-ઈઝરાયલ યુધ્ધના કારણે આજીવિકા ગુમાવનાર શ્રમિકોનું વતન તરફ પલાયન

ઈરાન-ઇઝરાયેલ સંઘર્ષની આંચ છેક સૌરાષ્ટ્રના ઉદ્યોગ સુધી પહોંચી છે.આર્થિક અનિશ્ચિતતા અને મિડલ ઇસ્ટ ના દેશો મા નિકાસ (એક્સ્પોર્ટ) બંધ થવાના કારણે અનેક કારખાનાઓના ધુમાડા શમી…

ઈરાન-ઇઝરાયેલ સંઘર્ષની આંચ છેક સૌરાષ્ટ્રના ઉદ્યોગ સુધી પહોંચી છે.આર્થિક અનિશ્ચિતતા અને મિડલ ઇસ્ટ ના દેશો મા નિકાસ (એક્સ્પોર્ટ) બંધ થવાના કારણે અનેક કારખાનાઓના ધુમાડા શમી ગયા છે, અને તેની સાથે જ હજારો શ્રમિકોના ઘરના ચૂલા પણ ઠરી ગયા છે. આ તસવીર એ જ ‘કર્મભૂમિ’ છોડીને ‘જન્મભૂમિ’ તરફ પ્રયાણ કરી રહેલા લાચાર હૈયાઓની મૂંગી સાક્ષી છે.જોખમી સફર અને અધૂરા અરમાનો દર્શાવતું ચોટીલા નેશનલ હાઈવે પર કેમેરામાં કેદ થયેલું આ દ્રશ્ય કોઈપણ સંવેદનશીલ વ્યક્તિને હચમચાવી દેવા માટે પૂરતું છે.

વાહનોની છત પર ક્ષમતા કરતા અનેકગણો ભાર છે. ઘરવખરીના સામાન સાથે પતરાના ડબ્બા, પોટલાં અને ખીચોખીચ ભરેલી મોટરસાયકલો લટકી રહી છે. આ માત્ર નિર્જીવ વસ્તુઓ નથી, આ એમના પરસેવાની કમાણી અને સપનાઓના અવશેષો છે.

દાહોદ, પંચમહાલ અને મધ્યપ્રદેશથી રોજીરોટીની શોધમાં આવેલા આ પરપ્રાંતિય મજૂરો માટે સૌરાષ્ટ્ર ના અનેક ઔધોગિક એકમો આશાનું કિરણ હતું. પરંતુ યુદ્ધની વિષમ અસરોએ એમને ફરીથી બેરોજગારીના અંધકારમાં ધકેલી દીધા છે. પૈસા ખૂટ્યા છે, રાશન પૂરું થયું છે, અને હવે પાછા વળવા સિવાય કોઈ ચારો નથી. ખાનગી વાહનોની અંદર જીવના જોખમે બેસેલા પુરુષો, મહિલાઓ અને બાળકોના ચહેરા પર ભવિષ્યની ચિંતા સાફ જોઈ શકાય છે. આ મુસાફરી માત્ર જોખમી જ નથી, પણ પીડાદાયક પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *