દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. અનેક જીલ્લાઓમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. ઉમરગામ તાલુકામાં 35.67 ઇંચ, કપરાડામાં 29, નાનાપોઢામાં 25.31, ધરમપુરમાં 20 ઇંચ વરસાદ ખાબક્યો છે.
ઉમરગામમાં રાતના 1થી સવારના 6 વાગ્યા સુધીમાં જ 17.44 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં પણ સૌથી વધુ ઉમરગામમાં સાડા સાત ઇંચ છે. આમ ગઈકાલથી આજ સુધીમાં ઉમરગામમાં 36 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. શહેરમાં નદીઓને જેમ પાણી વહી રહ્યું છે અને કારો પણ ડૂબી ગઈ છે. ફસાયેલા લોકોનું બોટથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.
વાપીના પોશ ગણાતા વિસ્તારો જેવા કે અવધ ટુંકવાડા, પટેલવાડી અને ગુંજન વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે.
હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે સવારના 6 વાગ્યાથી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન જ વલસાડના ઉમરગામમાં ફરી 7.20 ઈંચ વરસાદ તો સુરતના ઉમરપાડામાં 5.12 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં તમામ રોડ રસ્તા બેટમાં ફેરવાઈ ગયા હતા. જ્યારે નવસારીના ખેરગામમાં અઢી ઈંચ અને ભરુતમાં 2.28 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. માત્ર બે કલાકના ગાળામાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે 108 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો.
ભારે વરસાદ અને રેડ એલર્ટની સ્થિતિને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવી ગયા છે. મુખ્યમંત્રી થોડી જ વારમાં ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે પહોંચશે અને પોતાની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ તથા તંત્રની તૈયારીઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરશે.
ભારે વરસાદથી પ્રભાવિત સુરત, વલસાડ અને નવસારી સહિતના વિસ્તારોની સ્થિતિ અંગે મુખ્યમંત્રી અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવશે. આ દરમિયાન ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો સાથે પણ મુખ્યમંત્રી સીધી વાતચીત કરી શકે છે અને જમીની સ્થિતિની જાણકારી મેળવશે.
