ધોરાજી નજીક હિટ એન્ડ રનમાં તબીબી છાત્રાનું મોત

ધોરાજીના સુપેડી ગામ નજીક એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે, જેમાં એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુપેડી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી 21…

ધોરાજીના સુપેડી ગામ નજીક એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે, જેમાં એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુપેડી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી 21 વર્ષની આશાસ્પદ યુવતી બસમાંથી ઉતરીને કોલેજ તરફ જઈ રહી હતી ત્યારે એક બોલેરો વાહન તેને હડફેટે લઈને ફરાર થઈ જતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, તાલાળા ગામની રહેવાસી અને સુપેડી ગામમાં આવેલી ઈવા આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતી અક્ષિતાબેન જીવરાજભાઈ વાળા (ઉં.વ. 21, અનુસૂચિત જાતિ સમાજની દીકરી) આ હિટ એન્ડ રનની ઘટનામાં મોતનો ભોગ બની હતી.અક્ષિતાબેન તાલાળા ગામથી સુપેડી ગામમાં ઈવા આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતી હતી. કોલેજનું વેકેશન પૂર્ણ થતું હોવાથી તે બસમાં નીકળી હતી. સુપેડી ગામમાં બસમાંથી ઉતરીને કોલેજ તરફ જવા માટે રોડ ક્રોસ કરી રહી હતી, તે જ સમયે પાછળથી પૂરઝડપે આવેલા અજાણ્યા બોલેરો વાહન ચાલકે તેને જોરદાર ટક્કર મારી અને ફરાર થઈ ગયો હતો.

આ ઘટનામાં અક્ષિતાબેન જીવરાજભાઈ વાળાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટના બનતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ત્યાંથી પસાર થતા એક અન્ય ફોરવ્હીલ ફેમિલીએ માનવતાની રૂૂએ તાત્કાલિક ઈજાગ્રસ્ત યુવતીને ઉપલેટાની કોટેજ હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. તાલાળાથી આયુર્વેદ ડોક્ટર બનવાનું સ્વપ્ન લઈને સુપેડી ઈવા આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતી આ યુવતી અને તેના પરિવારજનોનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. સુપેડી ગામમાં આવેલી ઈવા આયુર્વેદ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ બનાવની જાણ ઉપલેટા પોલીસ તંત્રને થતાં, પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે અને નેશનલ હાઈવે ઓથોરિટીના સીસીટીવી કેમેરા ફૂટેજની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *