અમદાવાદ DGGIને મળેલી સફળતા, તપાસમાં ચોંકાવનારા ખુલાસા થશે, દુબઈ ભાગી ગયેલા કપિલ ચુગને દિલ્હી એરપોર્ટથી ઝડપી લેવાયો
દેશના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા ગણાતા અંદાજે ₹1,825 કરોડના જીએસટી રિફંડ કૌભાંડનો પર્દાફાશ કરીને ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI) એ મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી યાદી મુજબ, આ મહાકૌભાંડના માસ્ટરમાઇન્ડ કપિલ ચુગને અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 19 એપ્રિલના રોજ દબોચી લેવામાં આવ્યો હતો. આરોપી કપિલ ચુગ દુબઈથી ભારત પરત ફરી રહ્યો હતો ત્યારે જ એજન્સીએ તેને ઝડપી લીધો હતો.
તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, કપિલ ચુગ લાંબા સમયથી તપાસ ટાળી રહ્યો હતો અને તેને કુલ 22 વખત સમન્સ પાઠવવામાં આવ્યા હોવા છતાં તે હાજર થયો નહોતો. ભારતમાં મલ્ટિ-જ્યુરિસ્ડિક્શનલ ફ્રોડ આચરીને તે દેશ છોડીને ભાગી ગયો હતો. કપિલ ચુગ અને તેના સાથી વિપિન શર્માએ મળીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવા અને ત્યારબાદ ઝીરો-રેટેડ સપ્લાયના નામે રિફંડ ક્લેમ કરીને સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવવાનું વ્યવસ્થિત નેટવર્ક ઊભું કર્યું હતું.
આ કૌભાંડમાં અન્ય વ્યક્તિઓના કેવાયસી (KYC) દસ્તાવેજો ઉધાર લઈને અનેક શેલ કંપનીઓ બનાવવામાં આવી હતી. આ કંપનીઓ પાસે નહોતું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેનપાવર કે નહોતી કોઈ વાસ્તવિક બિઝનેસ એક્ટિવિટી. માત્ર કાગળ પર ડમી ડિરેક્ટરોને નિશ્ચિત રકમ ચૂકવીને તેમના નામે પેઢીઓ ચલાવવામાં આવતી હતી. ખાસ કરીને તમાકુ જેવી ઊંચી કિંમતની વસ્તુઓના બોગસ ઇન્વોઇસ બનાવીને માલની વાસ્તવિક હેરફેર વગર માત્ર આઈટીસી (ITC) જનરેટ કરવામાં આવતી હતી.
કૌભાંડીઓએ એકત્રિત કરેલી આઈટીસી (ITC) ને નિકાસકાર તરીકે દર્શાવેલી કંપનીઓ તરફ વાળી હતી. ખાસ કરીને કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (Kandla SEZ) ની કંપનીઓ દ્વારા નિકાસ બતાવવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ નિકાસ મોટાભાગે નકલી અથવા અત્યંત ફુલાવેલી કિંમતે બતાવવામાં આવી હતી. ઓછી કિંમતના તમાકુ અને સ્મોકિંગ મિક્સચરને પ્રીમિયમ પ્રોડક્ટ્સ જેવી કે કિમામ કે જરદા તરીકે જાહેર કરીને રિફંડ મેળવવામાં આવતું હતું. લોજિસ્ટિક્સમાં પણ શંકાસ્પદ ઈ-વે બિલ્સ અને બનાવટી ટ્રાન્સપોર્ટેશન દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
CBI અને SEBIની તપાસનો પણ ગાળિયો
કપિલ ચુગ માત્ર જીએસટી ફ્રોડ જ નહીં પરંતુ અન્ય આર્થિક ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. તેની સામે બેંકના ટર્નઓવરને ફુલાવીને ₹11 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે, જેમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત, સેબી (SEBI) એ પણ તેના સાથી વિપિન શર્મા વિરુદ્ધ બોગસ બિલિંગ દ્વારા કંપનીનું વેલ્યુએશન ફુલાવવાના કેસમાં કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય સૂત્રધારની ધરપકડ બાદ હવે આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય મોટા માથાઓ સુધી પહોંચવા માટે મલ્ટિ-એજન્સી પ્રોબ શરૂૂ કરવામાં આવી છે.
