’બચાવો નહીંતર નીચે કૂદી જઈશું’ના આક્રંદ વચ્ચે ફાયર બ્રિગેડે દિલધડક રેસ્ક્યુ કરી તમામનો આબાદ બચાવ કર્યો
રાજકોટના પોશ ગણાતા સાધુ વાસવાણી રોડ પર આજે બપોરના સમયે ગાર્ડન સિટી કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં એકાએક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ કોમ્પ્લેક્સમાં આવેલી એક ક્ધટ્રક્શનની ઓફિસમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આસપાસના વિસ્તારમાં પ્રસરી ગયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું અને ગુંગળામણ વધતા ઓફિસમાં કામ કરતા 10 જેટલા લોકો અંદર જ ફસાઈ ગયા હતા. આગના ધુમાડા ત્રીજા માળ સુધી પહોંચી જતાં અંદર ફસાયેલા લોકોમાં જીવ ગુમાવવાનો ફાળ પડ્યો હતો.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ત્રણ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે, આગ એટલી ભીષણ હતી કે ફસાયેલા લોકો ભયભીત થઈ ગયા હતા અને બારીઓ પાસે આવીને બુમરાણ મચાવવા લાગ્યા હતા. લોકોના આક્રોશ વચ્ચે ફસાયેલા નાગરિકો ’બચાવો નહીંતર અમે નીચે પડીને જીવ દઈ દઈએ’ તેવા કરુણ આક્રંદ કરી રહ્યા હતા. આ હૃદયદ્રાવક દ્રશ્યો જોઈને નીચે ઉભેલા લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. બચાવ કામગીરીમાં વિલંબ થતો હોવાનો આક્ષેપ કરી કેટલાક ઉત્તેજિત લોકો ફાયર વિભાગના અધિકારીઓ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા અને તેમને મારવા દોડ્યા હોવાની ચર્ચા પણ વહેતી થઈ હતી. સ્થિતિ વણસતા તાત્કાલિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે ઉતારી દેવામાં આવ્યો હતો.
ફાયર ફાઈટર્સ દ્વારા ભારે જહેમત અને જીવના જોખમે ’લેડર’ મારફતે તમામ 10 લોકોને એકપછી એક સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. મહામહેનતે રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ આ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાય છે, જેમાં ક્ધટ્રક્શન ઓફિસના ફર્નિચર અને રેકોર્ડ્સ બળીને ખાખ થઈ જતા મોટી આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. સદનસીબે, ફાયર વિભાગની સતર્કતાને કારણે જાનહાનિ ટળી હતી.
