દરવર્ષે ડિસેમ્બર મહિનામાં સુરતમાં અનોખો લગ્નપ્રસંગ યોજાઇ છે. આ લગ્ન પ્રસંગ એટલે પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી લગ્ન. એના યજમાન હોય સુરતનું સેવાભાવી એવું પી.પી.સવાણી પરિવાર. આજ સુધી 5274 દીકરીઓને સાસરે વળાવી ચૂકેલા પી.પી.સવાણીના આંગણેથી આગામી 14 અને 15 ડિસેમ્બર એમ બે દિવસમાં 111 દીકરીઓને પિયરયું છોડીને સાસરે વળાવાશે. વિવાહ પાંચ ફેરાના, સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, ચૂંદડી મહિયરની, દીકરી જગત જનની, માવતર અને હવે પિયરયું જેવા નામે યોજાતો લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે. પી.પી. સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારોદીકરીઓના પાલક પિતા બની ચૂકયા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ 5274 દીકરીઓનું કરિયાવર સાથે ક્ધયાદાન કરવામાં આવ્યું છે.
પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહની શરૂૂઆત કરનાર પી.પી.સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 111 દીકરીઓના લગ્ન આગામી તા.14 અને 15 ડિસેમ્બર શનિ – રવિવારના રોજ પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે સાંજે પાંચ વાગ્યે યોજાશે. પિયરયું નામે યોજાઇ રહેલા લગ્ન સમારોહની વિગતો આપતા પી. પી. સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે સમૂહ લગ્નના માધ્યમથી સામાજિક ક્રાંતિના હેતુસર વર-ક્ધયા સહિત તમામ લોકોને લગ્ન સ્થળે 50 હજાર જેટલા તુલસીના રોપા ભેટમાં અપાશે. સાથે આ રોપાને અંગદાન જાગૃતિ ના ટેગ સાથે આપવામાં આવશે. આ સમૂહ લગ્ન પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી મોરારિબાપુ સહિત 40 જેટલા સંતો પધારશે અને નવદંપતીને આશીર્વાદ આપશે, તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રિય મંત્રી પ્રદેશ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત અનેક રાજકીય આગેવાનોની પણ ઉપસ્થિતિ રહેશે. રાજ્ય સરકારના મંત્રીઓ,સનદી અધિકારીઓ, સાધુ-સંતો, જાણીતા વક્તા, ગાયિકાઓ સહિત અનેક મહાનુભાવ હાજર રહેશે. પિયરયું લગ્ન સમારોહમા ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓ છે. બે મૂક-બધિર અને બે દિવ્યાંગ ક્ધયા છે, બે મુસ્લિમ છે અને વિવિધ 39 જ્ઞાતિની ક્ધયાઓ નવજીવનના ફેરા ફરશે. લગ્ન અગાઉ જ તમામ 111 દીકરીઓને પિતાની હૂંફ પૂરી પાડનાર લાગણી રૂૂપી ભેટ સમા કરિયાવરનું વિતરણ કરી દેવાયું છે. જે 111 ક્ધયા છે એ પૈકી 90% ક્ધયા એવી છે કે એમના પિતા તો નથી જ સાથે જ એમના ભાઈ પણ નથી. દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિક છે એ પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાથમિકતા આપવામાં આવે છે.
રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમી, ડભોલી કતારગામનો થશે શુભારંભ
પિયરિયું લગ્નસમારોહની સાથે એ જ દિવસે 5274 દિકરીઓની શુભેચ્છાઓ અને એમની માતાના આશીર્વાદ સાથે કતારગામ વિસ્તારની પ્રથમ પી.પી.સવાણી ગ્રુપની શાળાનો શુભારંભ પણ લગ્નના દિવસ 14 ડીસેમ્બરની બપોરે થવાનો છે.
ગોલ્ડન બૂક ઓફ રેકર્ડમાં સ્થાન મળવાની શક્યતા
પિયરિયું લગ્નસમારોહને પ્રતિષ્ઠિત ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળવાની સંપૂર્ણ સંભાવના છે. એક જ પિતા એટલે કે મહેશભાઈ સવાણી 5274 દિકરીઓનું ક્ધયાદાન કરનાર એકમાત્ર પિતા તરીકે નોંધાશે. એક જ સમયે એક જ કાર્યક્રમમાં 50,000 તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરીત કરવાનો એક નવો રેકોર્ડ બનશે. તો લગ્નસમારોહમાં 370 ફૂટ લાંબુ તોરણ પણ સૌથી લાંબુ બનવાનું છે. આ ત્રણેય રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડની ટીમ 14 તારીખે હાજર રહેશે અને સર્ટિફિકેટ એનાયત કરશે.
