શહેરના ગાંધીગ્રામ વિસ્તારની યુવતી સગીરવયની હતી તે સમયે વિધર્મી શખસે ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. સહેલીના જન્મદિવસની ઉજવણીમાં પરિચયમાં આવેલા આ શખસે પોતાની ઓળખ છુપાવી લગ્નનું વચન આપી સગીરાનું શોષણ કર્યું હતું. બાદમાં સગીરાને ગર્ભ રહી જતાં ગર્ભપાત કરાવી નાખ્યો હતો. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ જરૂૂરી કાર્યવાહી કરી છે.
વધુ વિગતો મુજબ,ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં નોકરી કરતી 20 વર્ષીય યુવતીએ આરોપી તરીકે શાહરુખ બશીરભાઈ જામ (હાલ રહે. પરાપીપળીયા, એકતા સોસાયટી, જામનગર રોડ, રાજકોટ અને મૂળ રહે. ગુલાબનગર, જામનગર)નું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પિતાનું આશરે 19 વર્ષ પૂર્વે જ નિધન થઇ ગયું હોય ત્યારથી તેણી નાની સાથે ગાંધીગ્રામ વિસ્તારમાં રહે છે. ત્રણ વર્ષ પૂર્વે જયારે સગીરાની ઉમર 17 વર્ષની હતી ત્યારે તા.31-07-2023 ના રોજ તેણીની બહેનપણીનો જન્મદિવસ હોય તેના સેલિબ્રેશનમાં ગઈ હતી.
જયા આરોપી પણ આવ્યો હોય બંને વચ્ચે ઓળખાણ થઇ હતી. જેના ત્રણેક દિવસ બાદ આરોપીએ સગીરાને મેસેજ કરી પોતાની ઓળખ વૃષભ દવે તરીકે આપી વાતચીત શરૂૂ કરી હતી. સગીરાએ પણ વાતચીત આગળ ધપાવી હતી.બાદમાં આ શખસે સગીરાને લગ્નનું વચન આપી પ્રેમજાળમાં ફસાવી હતી. દરમિયાન એક દિવસ સગીરાના નાની કામ અર્થે હળવદ ગયા ત્યારે તેણી ઘરમાં એકલી હતી. ત્યારે શાહરૂૂખ સગીરાના ઘરે ધસી આવ્યો હતો અને ચુંબન કરી શારીરિક અડપલાં કર્યા હતા. બાદમાં આ શખસ સગીરાને બસ સ્ટેન્ડ પાછળ આવેલી વાત્સલ્ય હોટેલ ખાતે લઇ ગયો હતો અને દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ બંને અલગ અલગ જગ્યાએ મળતા હોય આરોપીએ અનેકવાર સગીરાનો દેહ અભડાવ્યો હતો.
દરમિયાન એક દિવસ સગીરાએ આરોપીનું આધારકાર્ડ જોતા તેનું નામ વૃષભ દવે નહીં પણ શાહરુખ બશીરભાઈ જામ હોવાનું ખુલવા પામ્યું હતું. બાદમાં સગીરાને ગર્ભ રહી ગયો હોય તેણીએ લગ્ન કરવાનું કહેતા આરોપીએ પોતે પરિણીત હોવાનું કહ્યું હતું અને છૂટાછેડા લીધા બાદ તેણી સાથે લગ્ન કરશે તેવું જણાવી મેડિકલમાંથી દવા લાવી સગીરાને પીવડાવી ગર્ભપાત કરાવી નાખ્યો હતો. જે બાદ આરોપી લગ્ન અંગે કોઈ જવાબ આપતો ન હોય સગીરાએ આરોપી સાથે તમામ સંબંધ તોડી નાખવાનું નક્કી કરી બનાવ અંગે નાનીને જાણ કરી હતી.
નાનીએ દોહિત્રીને હિંમત આપતાં તેણીએ શાહરૂૂખ બશીરભાઈ જામ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. જેથી ગાંધીગ્રામ પોલીસે વિધર્મી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી સકંજામાં લીધો હતો. સમગ્ર ઘટનાની તપાસ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એચ.પી.ગઢવી અને રાઇટર મિહિરસિંહ અને હંસરાજભાઈ ચલાવી રહ્યા છે.
