શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની ઓફિસમાં કામ કરતા સિનિયર એકાઉન્ટન્ટને મેનેજરે ટેબલમાં માથુ ભટકાવી માર મારી ખુનની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. અન્ય સ્ટાફને કામમાં મદદ કરવાનું કહેતા મેનેજરે ઉશ્કેરાઇ જઇ ‘તું મને શેના હુકમ કરે છે, હું તારો નોકર નથી’ કહી માર માર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ સાધુ વાસવાણી રોડ પર ડોકટર સોસાયટીમાં રહેતા અને સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં આફ્રીકા કોલોની ઓમ ઇન્ફ્રા. નામની ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ નામની ઓફીસમાં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા વિશાલ કિશોરભાઇ ધામેલીયા (ઉ.39) નામના યુવાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે તેની ઓફીસના મેનેજર દિલીપભાઇ ગુણવંતભાઇ બામટાનું નામ આપ્યું છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે સાંજે તેઓ ઘરે જવાની તૈયારી કરતા હતા ત્યારે મેનેજર દિલીપભાિએ આવી ‘તારૂ બિલ પેમેન્ટનું જેટલું કામ બાકી હોય તે આજે પુરૂ કરી પછી ઘરે જવાનું છે’ તેમ કહેતા ફરીયાદીએ ઓફીસના બીજા સ્ટાફને કહેજો કે મદદ કરે’ તેવું કહેતા મેનેજરે ઉશ્કેરાઇ જઇ ‘તુ’ મને શેના હુકમ કરે છે, હું તારો નોકર નથી, તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી માર મારવા લાગેલ અને માથુ પકડી ટેબલ સાથે ભટકાવ્યું હતું. દરમિયાન ઓફીસના અન્ય કર્મચારીઓ વચ્ચે પડતા તેને છોડાવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.