ખોડલધામમાં બધા ચોર છે, તારા પોલીસ વિભાગમાં કટકી બાજો અને લુટારા છે કહી ગાળો આપી : ફરિયાદમાં આક્ષેપ
રાજકોટના પાટીદાર અગ્રણી અને સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ જયંતિભાઇ સરધારા પર ખોડલધામમાં સક્રીય ગણાતા પીઆઇ સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાના આરોપ બાદ ગુજરાતની મોટી બે પાટીદાર સંસ્થાઓ વચ્ચે વિવાદ શરૂ થયો હોવાની ચર્ચાઓ થવા લાગી હતી. પરંતુ હાલ તેવુ દ્રશ્ય ગાયબ થઇ ગયુ હોવાનુ જણાઇ રહયુ છે.
તેમજ આ ઘટનાની બીજી બાજુ સરધારા અને પોલીસ વિભાગ તરફથી મોટો ફટકો પડયો હતો અને પીઆઇ પાદરીયા સામે નોંધાયેલ ગુનામાંથી હત્યાના પ્રયાસની કલમ દુર કરવામાં આવતા પીઆઇ પાદરીયા તાલુકા પોલીસમાં હાજર થયા બાદ ગણતરીની મિનીટોમાં જામીન મુકત થયા હતા. આ ઘટનામાં હવે પીઆઇ સંજય પાદરીયાએ જયંતિ સરધારા વિરૂધ્ધ મારામારી, ગાળો આપવી, ધમકી અને ધાર્મિક લાગણી દુભાવવા અંગેની કલમ હેઠળ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
આ ઘટનામાં પીઆઇ પાદરીયાએ જણાવ્યુ હતુ કે ગઇ 25-11 ના રોજ તેઓ સબંધી રમેશભાઇ ખુંટના પુત્રના લગ્ન પ્રસંગે કણકોટ રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટમાં લગ્નમાં ગયા હતા ત્યારે રાત્રીના સમયે જયંતિ સરધારા ત્યા મળ્યા હતા અને તેઓ સામાન્ય વાતચીતમાં ઉશ્કેરાઇ ગયા હતા તેમજ ખોડલધામ સંસ્થા વિશે ખરાબ બોલવાનુ ચાલુ કરી ખોડલધામમાં બધા ચોર છે તેમ કહેતા તેમણે કોઇની ધાર્મિક લાગણી ન દુભાઇ તેવુ સમજાવતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને પોલીસવાળા બધા ચોર છે, પૈસા ખાય છે અને પૈસાવાળા થઇ ગયા છે તેવુ પોલીસ વિભાગ વિશે બોલવા લાગ્યા હતા.
ત્યારબાદ તેઓએ કાઠલો પકડી સંજય પાદરીયાને ધકકો મારી દીધો હતો અને પાટુ પણ માર્યુ હતુ. જેથી પીઆઇ સંજયભાઇ ત્યાથી જતા રહયા હતા.
ત્યારબાદ પીઆઇ પાદરીયા ચાલીને પાર્ટી પ્લોટમાં પાર્કીંગમાં જતા હતા ત્યારે જયંતિ સરધારા પોતાની ગાડી લઇને ત્યાથી પસાર થતા હોય તેઓએ પીઆઇ પાદરીયાને જોઇ ગાળો દેવા લાગ્યા હતા અને ખોડલધામમાં બધા ચોર છે. તારા પોલીસ ડિપાર્ટમેન્ટવાળા કટકીબાજો અને લુંટારા છે તેમ કહી ગાળો આપી હતી અને ઝપાઝપી કરવા લાગ્યા હતા. તેવામાં આરોપી જયંતિભાઇએ પહેરેલી રૂદ્રાક્ષની માળા લાગી ગઇ હતી અને ઝપાઝપીમાં પાર્ટી પ્લોટની દિવાલ સાથે અથવા પાર્કિંગમાં રહેલી ગાડીઓ સાથે અથડાતા તેઓને ઇજા થઇ હતી. ત્યારબાદ ગાડીમાં બેસતી વખતે પાદરીયાને જયંતિ સરધારાએ કહયુ કે સંજલા તારૂ આવી બન્યુ છે. ખોડલધામને કહેજે તને બચાવી લે અને હવે તારૂ મોત નિપજાવીને શાંતિથી બેસીશ. તેમ કહી ત્યાથી તેઓ જતા રહયા હતા.
આ અંગે તાલુકા પોલીસ મથકમાં પીઆઇ સંજય પાદરીયાએ કલમ – 299, 115 (2), 351 (3), 352 મુજબની લેખીત અરજી આપતા તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી. એમ. હરીપરાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.