મિત્રએ સગીર સાથે મળી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશ પાસે પોતાના આઇ.ડી. પ્રૂફ મૂકી દીધા
મોટા મહિકા ગામના ખંઢેરમાંથી મળેલી લાશ પાછળ મોટુ કારસ્તાન ખૂલ્યું
રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં મોટા મહીકા ગામે ખંઢેર બનેલા રહેણાક મકાનમાંથી અર્ધ સળગેલી હાલતમાં પુરુષની લાશ મળી આવતા તાલુકા પોલીસ તથા એલસીબી મોટા મહીકા દોડી આવી હતી. બનાવ શંકાસ્પદ હોવાથી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ પોલીસે ટીમો બનાવી તપાસ કરતા લાશ રાજકોટના જામનગર રોડ પર આવેલા નાગેશ્ર્વર પાસે શાંતિનગરમા રહેતા યુવાનની હોવાનુ તપાસમા ખુલ્યુ હતુ.
ત્યારબાદ તેની પાસેથી મળી આવેલા ડોકયુમેન્ટ આરોપીના હોવાનુ ખુલતા પોલીસે મૃતકની પત્નીની ફરીયાદ પરથી મુળ ગોંડલના અને હાલ રાજકોટ રહેતા શખ્સ તેમજ શાપરના બાળ આરોપી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધવામા આવ્યો હતો આ ઘટનામા પોલીસે એક બાળ આરોપીને સકંજામા લઇ પુછપરછ કરતા પ્રાથમીક તપાસમા જાણવા મળ્યુ છે કે આરોપી એ પોતાનો વિમો પકવવા માટે પાડોશમા જ રહેતા બાવાજી યુવાનને ગળેટુપો આપી મારી નાખી પેટ્રોલ છાંટી લાશ સળગાવી દીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં મોટા મહીકા ગામે સાંજે ખંઢેર જેવા મકાનમાં અર્ધ સળગેલી લાશ પડી હોવાની જાણ પોલીસને થઈ હતી. ગોંડલથી સેવાભાવી યુવાનો જય માધડ સહિત એમ્બ્યુલન્સ લઈ મોટા મહીકા દોડી ગયા હતા. ગ્રામજનોનાં કહેવા મુજબ, મૃતક વ્યક્તિનું નામ હસમુખભાઈ મુળશંકર (ઉ.46) હતુ. આ ઘટનામા રાજકોટ રૂરલ એલસીબી તેમજ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તેમજ આ ઘટનાની જાણ કરનાર રાજકોટના હિતેશગીરીની પુછપરછ કરતા તેમણે જણાવ્યુ હતુ કે તેઓ બે દિવસ પહેલા મોટા મહીકા ગામે સબંધીને ત્યા પ્રસંગ હોય જેથી પરિવાર સાથે આવ્યા હતા ત્યારે હિતેશગીરી આ ખંઢેર મકાન પાસે અંદર ગયા ત્યારે ત્યાથી અર્ધબળેલી હાલતમા લાશ મળી આવતા તેમજ ત્યા બાજુમા હસમુખભાઇના ડોકયુમેન્ટ પણ મળી આવ્યા હતા જેથી તેઓએ પોતાના ભાઇની કોઇએ હત્યા કર્યાનુ પોલીસને જણાવ્યુ હતુ.
આ ઘટના બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી ત્યારે જાણવા મળ્યુ હતુ કે હસમુખ પોતે આ હત્યા કરી પોતાના ડોકયુમેન્ટ લાશ પાસે રાખી ભાગી ગયો હતો અને તેમની મદદગારી એક શાપરમા રહેતા બાળ આરોપીએ કરી હતી તેમજ મૃતક જામનગર રોડ પર નાગેશ્ર્વર પાસે આવેલા શાંતિનગરમા રહેતા સંદીપગીરી અમૃતગીરી ગૌસ્વામી હોવાનુ તપાસમા ખુલ્યુ હતુ. આ ઘટનામા ગોંડલ તાલુકા પોલીસે મૃતક સંદીપગીરીના પત્ની ગાયત્રીબેન (ઉ.વ. 39) ની ફરીયાદ પરથી હસમુખ મુળશંકર વ્યાસ તેમજ શાપરના બાળ આરોપી વિરૂધ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી બંનેને શકંજામા લેવા તજવીજ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનામા પોલીસ પાસેથી માહિતી મળી હતી કે રાજકોટમા રહેતો હસમુખ વ્યાસને પોતાનો વિમો પકવવો હોય માટે તેમણે તેમના મિત્ર સંદીપગીરીને મોટા મહીકા ગામે લઇ જઇ ત્યા શાપરના સગીર બાળ આરોપીની મદદથી સંદીપગીરીને ગળાટુપો આપી અને બાદમા કયાકથી પેટ્રોલ લઇ આ લાશને સળગાવી દીધી હતી. જો કે હવે હસમુખ પકડાયા બાદ સમગ્ર હકીકત બહાર આવશે. આ મામલે ગોંડલ તાલુકા પોલીસે બાળ આરોપીને ઝડપી તેની પુછપરછ શરૂ કરી છે.
અયોધ્યા ફરવા જવાના બહાને હસમુખ સંદીપગીરીને મોટા મહિકા લઇ આવ્યો હતો !
ફિલ્મોમા આવતી સ્ટોરીને પણ ટકકર મારે તેવી ઘટના રાજકોટ જીલ્લાના ગોંડલમા ઘટી છે. ત્યારે ગોંડલના મોટા મહીકા ગામે બે દિવસ પહેલા મળી આવેલી લાશ મામલે પોલીસે મોટા ઘટસ્ફોટ કર્યો છે. જેમા પોલીસ સુત્રોમાથી જાણવા મળ્યુ હતુ કે લાશની પાસેથી જે આધાર કાર્ડ અને આઇડી મળી આવ્યા તે વ્યકિત હસમુખ વ્યાસ આરોપી છે. તેમણે પોતાનો વીમો પકવવા મિત્ર સંદીપગીરીને અયોધ્યા લઇ જવાના બહાને બોલાવી મોટા મહીકા લઇ જઇ ત્યા ગળેટુપો આપી અને ઢીમ ઢાળી દીધા બાદ પેટ્રોલ છાટી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
‘હું હસમુખ સાથે બહાર જાઉ છું’ સંદીપગીરીએ છેલ્લો કોલ તેની પત્નીને કર્યો હતો
મોટા મહીકાના ખંઢેર મકાનમાથી લાશ મળી આવી આ ઘટનામા પોલીસ તપાસ માટે ચકરાવે ચડી હતી ત્યારે તેમને થયુ કે કોઇ વ્યકિત આપઘાત કરે તો તેમના ડોકયુમેન્ટ બાજુમા મુકીને ન રાખે અને આ ઘટનામા મૃતક સંદીપગીરીના ભાઇ હિતેષગીરી અને પરીવારજનોની પુછપરછ કરતા પોલીસને જાણવા મળ્યુ હતુ કે સંદીપગીરીએ છેલ્લો કોલ તેમની પત્ની ગાયત્રીને કર્યો હતો અને તેમને કહયુ હતુ કે હું હસમુખ સાથે બહાર જાઉ છું જો કે આ ઘટનામા એક બાળ આરોપી પકડાય જતા સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાય ગયો હતો.