અમદાવાદના એક યુવાને શેરબજારમાંથી 20 ટકા નફા સાથે 40 કરોડ મેળવવાની લાલચમાં રૂા.1.44 કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ કિસ્સાની મળતી વિગતો મુજબ અમદાવાદનો યુવક સોશિયલ મીડિયાના માધ્યમથી શેર માર્કેટના ગ્રુપમાં જોડાયો હતો. આ ગ્રુપમાં ઇન્વેસ્ટમેન્ટ પર 5 થી 20 ટકા સુધી અલગ અલગ નફો મળશે તે પ્રકારના મેસેજ આવતા હતા. ગ્રુપના મેમ્બર પણ પૈસા ભરેલા સ્ક્રીનશોટ અને નફો મળ્યાના ફોટા ગ્રુપમાં મોકલતા હતા. જેથી યુવકે વિશ્વાસ કરીને 1.44 કરોડ રૂૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. તેની સામે યુવકને 40 કરોડ નફો બતાવતા હતા. યુવક ઉપાડવા જતા ઉપડ્યા ન હતા અને યુવકે 1.44 કરોડ રૂૂપિયા ગુમાવ્યા હતા. આ અંગે યુવા પાલડી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હતી.
પાલડીમાં વસવાટ કરતા નીલ શાહે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 3 એપ્રિલે ઇન્સ્ટાગ્રામમાં શેર માર્કેટની રીલ આવતા તેમાં ક્લિક કર્યું હતું. તેથી તે વ્હોટ્સએપ ગ્રુપમાં જોડાયો હતો આ ગ્રુપમાં અન્ય મેમ્બર પણ હતા. ગ્રુપમાં મેસેજ આવતા હતા કે, સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરીને 5 થી 20 ટકા સુધીનો નફો મળશે. ગ્રુપના અન્ય સભ્યો દ્વારા પૈસા ભર્યાના સ્ક્રીનશોટ મોકલતા અને થોડા દિવસ બાદ નફો થયાના પણ ફોટા ગ્રુપમાં આવતા હતા. જેથી તેમને વિશ્વાસ આવતા તેમણે પણ રોકાણ કરવાનો વિચાર કર્યો હતો.
ભોગ બનનારને ગ્રુપના એડમીન મેઘના ભાટિયાને પર્સનલ મેસેજ કર્યો હતો. ત્યારે એડમીને એક લિંક મોકલી હતી અને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું કહ્યું હતું. તેથી તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને લોગીન કર્યું હતું. તેમાં મોબાઈલ નંબર, પાનકાર્ડ સહિતની વિગત ભરી હતી. તેમણે તેમના બેન્ક એકાઉન્ટ દ્વારા એપ્લિકેશનમાં પાંચ લાખ રૂૂપિયા ભર્યા હતા. બીજા દિવસે તેમને ભરેલા પૈસા પર નફો બતાવતા હતા જેથી તેને વિશ્વાસ કરીને એપ્લિકેશનમાં ટુકડે ટુકડે બાર જેટલા ટ્રાન્જેક્શન દ્વારા 1.44 કરોડ રૂૂપિયા ભર્યા હતા.
આ પૈસા ભર્યા બાદ એપ્લિકેશનમાં તેનો 40 કરોડ રૂૂપિયાનો નફો બતાવતા હતા. જેથી તેણે નફો ઉપાડવા માટેનો પ્રયત્ન કર્યો, પરંતુ રિક્વેસ્ટ સક્સેસ થઈ ન હતી. પૈસા ન ઉપાડતા તેમને શંકા ગઈ હતી અને જ્યારે વધુ તપાસ કરી ત્યારે જાણ થઈ કે તેની સાથે છેતરપિંડી થઈ છે. આ મામલે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.
