રાજકોટ (ગુજરાત મિરર): રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા મચ્છરજન્ય રોગો પર અંકુશ મેળવવા માટે સતત અને સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તા. 8 જૂનથી 14 જૂન 2026 દરમિયાન શહેરમાં મેલેરિયાના માત્ર 1 કેસ નોંધાયા છે, જ્યારે ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાના કોઈ કેસ નોંધાયા નથી. આ ઉનાળામાં પણ મચ્છરજન્ય રોગચાળો અટકયો નથી. આ અઠવાડિયા દરમિયાન 23,078 ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે તથા ફિલ્ડ વર્કર્સ દ્વારા 137 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વાહન માઉન્ટેડ ફોગીંગ મશીન દ્વારા પણ ફોગીંગ કરવામાં આવ્યું છે. સંવેદનશીલ સોસાયટીઓ, જાહેર રસ્તાઓ અને વધુ લોકો એકઠા થતા વિસ્તારોને આ કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે.
મચ્છર ઉત્પત્તિ સ્થાનો પર નિયંત્રણ માટે 587 પ્રીમાઈસીસ (બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, ઇન્ડસ્ટ્રીઝ, કોમ્પ્લેક્સ વગેરે)ની તપાસ કરવામાં આવી છે. જેમાં 107 રહેણાંક અને 371 કોમર્શિયલ આસામીઓને નોટિસ આપવામાં આવી છે. આ કામગીરી હેઠળ બાયલોઝ અંતર્ગત વહિવટી ચાર્જ વસૂલાતની પણ કાર્યવાહી કરવામાં આવી છે. અન્ય રોગોમાં શરદી-ઉધરસના 442, સામાન્ય તાવના 539 અને ઝાડા-ઉલ્ટીના 213 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગ અટકાયતી માટે 2056 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાના વિસ્તારને સ્વચ્છ રાખે અને મચ્છર ઉત્પત્તિ સ્થાનો વિશે તાત્કાલિક જાણ કરે.
