રાજકોટના પૂર્વ મેયર જનકભાઇ કોટકનું અવસાન, સ્મશાનયાત્રામાં વિશાળ હાજરી

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વર્ષો જુના સ્વંયસેવક અને ભારતીય જનસંઘના અને ભાજપના અગ્રણી રાજકોટના પૂર્વ મેયર અને રાજકોટ મહાનગરપાલિકામાં સાત સાત ટર્મ કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા અને…

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વર્ષો જુના સ્વંયસેવક અને ભારતીય જનસંઘના અને ભાજપના અગ્રણી રાજકોટના પૂર્વ મેયર અને રાજકોટ મહાનગરપાલિકામાં સાત સાત ટર્મ કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા અને સેવાકીય કાર્યના માધ્યમથી જ જાહેરજીવનમાં પોતાની ઓળખ ઉભી કરનારા જનકભાઇ મોરારજીભાઈ કોટકનું આજરોજ રાજકોટ ખાતે બિમારી દરમિયાન 80 વર્ષની વયે દુ:ખદ અવસાન થયેલ છે.

સ્વ.કોટક છેલ્લા ચાર દિવસથી બીમાર હતા. અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. આજે 4 વાગ્યે નીકળેલી તેમની સ્મશાન યાત્રામાં વિશાળ સંખ્યામાં તમામ ક્ષેત્રના લોકો જોડાયા હતા. સ્વ. કોટકનો જન્મ તા. 6/6/1947ના થયેલ હતો. શિશુકાળથી તેમના પિતાજી સ્વ. મોરારજીભાઈ કોટકના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સ્વંયસેવક તરીકે કામમાં જોડાયેલા હતા.

રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના 1973 માં કરવામાં આવેલ અને 1975માં યોજાયેલી રાજકોટ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભારતીય જનસંઘના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 17 એટલે જંકશન પ્લોટ, કોઠી કમ્પાઉન્ડ, કૈલાસવાડી સહિતના વિસ્તારોમાંથી જંગી બહુમતી ી વિજેતા થયા ત્યારથી માંડીને 1981, 1987, 1995, 2000, 2005, 2010 કુલ મળીને સાત સાત ટર્મ સુધી એકજ વોર્ડમાંથી સતત ચૂંટણીમાં વિજેતા બની સમગ્ર વિસ્તારને ભાજપના મજબૂત ગઢ તરીકે અંકિત કરેલ હતો.

સ્વ. કોટકની પ્રતિષ્ઠા ભારતીય જનતા પાર્ટીના એક વફાદાર; પ્રમાણિક અગ્રણી તરીકેની ઓળખ સમગ્ર રાજકોટ શહેરમાં હતી. ભાજપના પ્રદેશના મોવડીમંડળ દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં મેયર; ડેપ્યુટી મેયર; સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપના નેતા એમ ચારેય મહત્વના સ્થાન ઉપર કોટકની પસંદગી કરવામાં આવી હતી.

સ્વ. કોટક રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને સારવાર માટે હંમેશા ખડેપગે ઉપસ્થિત રહેતા હતા. દર્દીઓને સારવાર દરમિયાન દવાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોય તો દાતાઓના સહયોગ વડે દવાઓની સગવડતા કરી આપતા હતા. એટલુજ નહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીઓને લોહીની જરૂૂરીયાત હોય તો લોહીની વ્યવસ્થા કરવામાં અગ્રેસર રહેતા હતા. હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ મૃત્યુ પામ્યા બાદ તેઓની અંતિમક્રિયા કરનાર કોઈ ન હોય તો આવી બિનવારસી મૃતદેહ ના અગ્નિસંસ્કાર કરાવતા હતા.

જંકશન પ્લોટના વેપારીઓએ અડધો દિવસ શોક હડતાલ રાખી

રાજકોટનાં પૂર્વ મેયર જનકભાઈ કોટકના અવસાનથી તેમના વિસ્તાર જંકશન પ્લોટ વિસ્તારના વેપારીઓએ બપોરે બે થી પાંચ વાગ્યા સુધી શોક હડતાલ પાડી વેપાર-ધંધા બંધ રાખ્યા હતાં અને સ્લ.જનકભાઈ કોટકને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. સ્વ.જનકરાજા સતત સાત વખત આ વિસ્તારમાંથી કોર્પોરેટર તરીકે ચુંટાયા હતાં અને તમામ લોકો સાથે તેમનો આત્મીય નાતો રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *