બારડોલી હત્યાકાંડમાં મોટો ઘટસ્ફોટ

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના શ્રમજીવી પરિવારની કાર રોકી પાંચ સભ્યોને પાણીની નહેરમાં ફેંકી આચરાયેલ હત્યાકાંડ પાછળ બોગસ વિમા કૌભાંડ…

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના શ્રમજીવી પરિવારની કાર રોકી પાંચ સભ્યોને પાણીની નહેરમાં ફેંકી આચરાયેલ હત્યાકાંડ પાછળ બોગસ વિમા કૌભાંડ કારણભૂત હોવાનો સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે.

ગત તા.24 નવેમ્બરની રાત્રે થ્રિલર ફિલ્મી ઢબે બનેલી આ ઘટનામાં નહેરમાંથી અત્યાર સુધીમાં જલગાંવના પરિવારના 4 સભ્યોના મૃતદેહો મળ્યા છે. જ્યારે 15 વર્ષનો કિશોર હજૂ લાપતા છે. આ ઘટનામાં એક બાળક બચી જતા હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો.

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એરંડોલના શ્રમજીવી પરિવારને 24 નવેમ્બરે નહેરમાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતારવાના ચકચારી મર્ડર કેસમાં વધુ એકનો મૃતદેહ મળ્યો છે. ફાયરના જવાનોએ પ્રથમેશ પાટીલનો મૃતદેહ નહેરમાંથી બહાર કાઢ્યો હતો. જેને પરિવારે ઓળખી બતાવ્યો હતો. એ સાથે જ અત્યાર સુધીમાં ચારના મૃતદેહ મળ્યા અને હજુ પણ એટલે કે હરીશ સંજય પાટીલ ( નીતિનનો 15 વર્ષનો દોહિત્ર ) લાપતા છે.

આ ગંભીર ઘટનાને પગલે મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજને બારડોલીના પોલીસ અધિકારી સાથે ફોન પર વાતચીત કરી સમગ્ર તપાસની વિગતો મેળવી હતી. પોલીસ અધિકારીએ મંત્રીને સમગ્ર ઘટનાક્રમ સમજાવતા સ્પષ્ટ કર્યું હતું કે, આ ક્રૂર હત્યાકાંડ પાછળનું મુખ્ય કારણ ’બોગસ વીમો’ (ઇન્સ્યોરન્સ) અને તેના નાણાં પચાવવાનું કાવતરું છે. વાતચીતના વીડિયો પણ સામે આવ્યા છે મંત્રી ગિરીશ મહાજન સાથેની વાતચીતમાં પોલીસ અધિકારીએ કેસના મૂળ સુધીની વિગતો આપતા જણાવ્યું હતું કે, મૃતક કવિતા પાટીલના પહેલા પતિ સંજય પાટીલનું અગાઉ અકસ્માતમાં મોત થયું હોવાનું દર્શાવી આરોપીઓએ વીમાની રકમ મેળવી હતી. ત્યારબાદ આ જ ટોળકીએ કવિતા અને તેના બીજા પતિ નીતિન પાટીલના નામે પણ બોગસ વીમો ઉતરાવ્યો હતો, જે અંગે મહારાષ્ટ્રના મેઘવાણબારી પોલીસ સ્ટેશનમાં 20 તારીખે ગુનો પણ દાખલ થયો હતો.

નીતિન અને કવિતા આ કૌભાંડમાં નિર્દોષ હોવાથી તેઓ એસ.પી. અને ડી.વાય.એસ.પી. સમક્ષ હાજર થઈને સત્ય જણાવવાના હતા કે આ વીમો તેમણે નથી લીધો. પોતાનો ભાંડો ફૂટી જવાના ડરથી આરોપીઓએ આખા પરિવારનો કાંટો કાઢી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.વીડિયોમાં વાતચીત મુજબ આરોપીઓએ એરંડોલના ગરીબ શ્રમજીવી પરિવારને સુરતમાં સ્થાયી કરવા, રહેવા માટે ઘર તથા રોજગારી માટે રિક્ષા અપાવવાની લાલચ આપી હતી. નીતિન, તેની પત્ની કવિતા અને તેમના ચાર બાળકો એમ કુલ 6 સભ્યોને ઇકો અને ક્રેટા કારમાં બેસાડીને સુરત લાવવામાં આવી રહ્યા હતા. રસ્તામાં નહેર પાસે ગાડી ઊભી રાખી આરોપીઓએ તમામ સભ્યોના હાથ-પગ બાંધી દીધા હતા અને કોઈ કશું સમજે તે પહેલાં જ તેમને જીવતા નહેરના ઊંડા પાણીમાં ફેંકી દીધા હતા.

નહેરમાં ફેંકાયેલા 6 લોકોમાંથી એક બાળક હિંમત દાખવીને તરીને જીવતું બહાર નીકળી જતાં આ સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો. હાલ આ કેસમાં 4 મૃતદેહ મળી આવ્યા છે અને 2 ગુમ કિશોરની શોધખોળ ચાલી રહી છે. સુરત ગ્રામ્ય પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પારોલામાંથી મુખ્ય શંકાસ્પદ સદાનંદ ઉર્ફે ખાંડીયા રામદાસ બદાણેની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *