રાજકોટ અને ગાંધીનગરમાં સુપર માર્કેટ બનાવવાનો પ્લાન કરતા ગોંડલ રોડ પરની પંચશીલ સોસાયટી નજીક રહેતા અને ગોંડલ માર્કેટ યાર્ડના વેપારીને 2 કલાક માટે આઈપીઓમાં રોકાણના નામે રૂૂ.1 કરોડ માંગી ભાગીદારના મિત્રએ છેતરપિંડી આચરતા આ મામલે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ પંચશીલ સોસાયટી નજીક સ્ટેટસ-ટુ એપાર્ટમેન્ટમાં રહેતા અને ગોંડલ માર્કેટ યાર્ડમાં વછરાજ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતાં હાર્દિકભાઈ કિશોરભાઈ શિયાણીએ નોંધાવેલી ફરિયાદમાં તેમના ભાગીદારના મિત્ર મેડાર્ટ કંપનીના માલિક રાજકુમાર પટેલનું નામ આપ્યું છે, ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના મિત્ર પાર્થ કમલેશભાઈ દોશી અમદાવાદ રહે છે.
જેની સાથે રાજકોટ અને ગાંધીનગરમાં સુપર માર્કેટ બનાવવાના છે. ગઈ તા. 4 ઓગસ્ટના રોજ પાર્થભાઈએ કોલ કરી રાજ પટેલ વિશે જણાવી કહ્યું કે તે શેર બજારમાં ઈન્વેસ્ટ કરે છે, મોટા આઈપીઓમાં રોકાણ કરાવી સારું વળતર આપે છે, તમને ફોન આવે તો વાત કરી લેજો. તે જ દિવસે રાજ પટેલે તેને વોટ્સએપ કોલ કરી કહ્યું કે પોતે સ્વિચ ઈલેક્ટ્રીક બાઈક કંપનીનો ઓનર હોવાનું જણાવ્યું હતું, વાતચીત બાદ સારી કંપનીનો આઈપીઓ આવશે તો કહીશ તેમ કહ્યું હતું. થોડા દિવસ બાદ પાર્થભાઈએ કોલ કરી રાજ પટેલ બેન્ક ડિટેઈલ માગે તો આપી દેવાનું કહ્યું હતું. સાથો-સાથ એક-બીજાના બેનીફિશયરી એકાઉન્ટ જોઇન્ટ કરાવી લેવાનું પણ કહ્યું હતું. આ પછી રાજ પટેલે કોલ કરતાં પોતાની પેઢીના બેન્ક ખાતાની ડિટેઈલ આપી હતી. તે સાથે જ તેનું બેન્ક એકાઉન્ટ એડ કરાવ્યું હતું.
ગઈ તા. 11 ઓગસ્ટના રોજ રાજ પટેલે કોલ કરી કહ્યું કે હું હાલ ફોરેન છું, મારા દુબઈથી રૂૂપિયા આવે તેમ છે, જે તમારા ખાતામાં નખાવું છું, તમે રકમ ઉપાડી મારા માણસને અમદાવાદમાં આપી દેજો. થોડીવાર બાદ તેના ખાતામાં પોતાની કંપનીના ખાતામાંથી રૂૂ. 32.50 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જે રકમનું તેણે રાજ પટેલના નામે આંગડિયું કરી આપ્યું હતું.
ગઈ તા. 17 સપ્ટેમ્બરના રોજ રાજ પટેલને કોલ કરી રૂૂ. 32.50 લાખની એન્ટ્રી સુલટાવવાનું કહેતાં હા પાડી હતી. ત્યારબાદ તેના કહ્યા મુજબ તેની કંપનીના ખાતામાં રૂૂ. 50 લાખ ટ્રાન્સફર કર્યા હતા. રાજ પટેલના માણસ પલ્કેશે તે રૂૂ. 50 લાખ અમદાવાદમાં તેના પરિચીત આનંદ શાહને આપી દીધા હતા. આ રીતે બંને વચ્ચે વિશ્વાસ બંધાયો હતો.
ગઈ તા. 18 સપ્ટેમ્બરના રોજ રાજ પટેલે આઈપીઓમાં રોકાણ કરવા માટે બે કલાક માટે રૂૂ. એક કરોડ આપવાનું કહેતાં પોતાની પેઢીના ખાતામાંથી તેની કંપનીના એકાઉન્ટમાં આરટીજીએસથી રૂૂ. એક કરોડ ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ બે કલાક પછી રકમ પરત આપી ન હતી. અવાર-નવાર જુદા-જુદા બહાના બતાવતો હતો. આખરે તેના રૂૂ. એક કરોડ આઈપીઓમાં રોકાણ નહીં કર્યાનું જણાવી દીધું હતું. તેના માણસ પલ્કેશે ઈન્કમટેક્ષની રેઈડ પડ્યાનું જણાવી મામલો શાંત થયા બાદ રકમ આપી દેવાની વાત કરી હતી. પરંતુ રાજ પટેલે તેના કોલ ઉપાડવાનું બંધ કરતાં આખરે ફરિયાદ નોંધાવી હતી.
