પાલિકા-પંચાયતોમાં આજથી મહાસંગ્રામ, ઉમેદવારી નોંધાવવાનું શરૂ

સ્થાનિક સ્વરાજ્યની દસ હજારથી વધુ બેઠકો માટે 11મી સુધી ફોર્મ ભરી શકાશે, 15મીએ ચૂંટણી ચિત્ર થશે સ્પષ્ટ ચૂંટણી પંચનું વિધિવત જાહેરનામું, પ્રચાર-પ્રસાર માટે ગાઇડ લાઇન…

સ્થાનિક સ્વરાજ્યની દસ હજારથી વધુ બેઠકો માટે 11મી સુધી ફોર્મ ભરી શકાશે, 15મીએ ચૂંટણી ચિત્ર થશે સ્પષ્ટ

ચૂંટણી પંચનું વિધિવત જાહેરનામું, પ્રચાર-પ્રસાર માટે ગાઇડ લાઇન જાહેર, ઉમેદવારો નક્કી કરવા રાજકીય પક્ષો ઉંધા માથે

ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની 10005 (દસ હજાર પાંચ) બેઠકોની આગામી તા.26 એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણી માટે આજે વિધિવત જાહેરનામા બહાર પડયા છે અને આજથી ઉમેદવારીપત્રકો ભરવાનો પ્રારંભ થયો છે અને આગામી તા.11 સુધી ફોર્મ ભરી શકાશે. તા.13મીએ ભરાયેલા ઉમેદવારીપત્રકોની ચકાસણી થશે જયારે તા.15મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. તા.26 એપ્રિલે મતદાન અને તા.28 મીએ મતગણતરી થનાર છે.

બીજી તરફ ચુંટણીનું બ્યુગલ ફુંકાઇ જતા ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહીતના રાજકીય પક્ષોએ ઉમેદવારો નક્કી કરવા કવાયત શરૂ કરી દીધી છે. આપે ત્રણ યાદી જાહેર કરી દીધી છે તો કોંગ્રેસે પણ 7 મહાનગરપાલિકાના 243 ઉમેદવારો જાહેર કરી દીધા છે.

ચુંટણી પંચના જાહેરનામા મુજબ ચૂંટણી દરમ્યાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ઉમેદવારના ટેકેદારો તરફથી ઇલેકટ્રોનિકસ મીડિયા માધ્યમથી પ્રચાર સ્થાનિક કંટ્રોલ રૂૂમથી તથા ટીવી ચેનલના રાજ્ય, આંતર રાજ્ય કે આંતરરાષ્ટ્રીય તેમજ રેડીયો નેટવર્કથી કરવામાં આવે છે. હાલમાં આ નેટવર્કના નિયંત્રણ માટે કાયદો અમલમાં છે. જે મુજબ જાહેરાત નિયત કરેલી આચારસંહિતાને અનુરૂૂપ હોય તે સિવાય કોઇપણ વ્યક્તિ કોઇ જાહેરાત પ્રસારિત કે પુન:પ્રસારિત કરી શકે નહીં. જાહેરાતો કોઇ ધાર્મિક કે રાજકીય હેતુ પ્રત્યે દિશા નિર્દેશ કરતી હોવી જોઇએ નહીં તેવી જોગવાઇ છે. ભારતના ચૂંટણીપંચે ચૂંટણીઓ નિષ્પક્ષ, તટસ્થ, શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા કોઇ પક્ષ કે સંસ્થા કે ઉમેદવારની તરફેણ કે વિરૂૂધ્ધમાં કે ચૂંટણીપંચે જાહેર કરેલ આદર્શ આચાર સંહિતાની જોગવાઇઓ વિરૂૂધ્ધ કોઇપણ ચૂંટણી વિષયક જાહેરાત ઇલેકટ્રોનિકના માધ્યમથી કરવામાં ન આવે તે માટે સુપ્રિમ કોર્ટે આદેશાત્મક જોગવાઇ કરેલ છે. તેમજ ભારતના ચૂંટણીપંચ દ્વારા વખતો વખત સૂચનાઓ થયેલ છે.

આ સૂચનાઓની ચુસ્તપણે અમલવારી સુનિશ્ચિત કરવા અને ચૂંટણીના સરળ સંચાલન માટે જાહેરનામું પ્રસિધ્ધ કરી આ સમગ્ર વિસ્તારમાં ટેલીવિઝન ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપવા વિચારતા દરેક નોંધાયેલ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારે આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ સબંધિત ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે.

બીજી કોઇ વ્યક્તિ અથવા બિન નોંધાયેલ રાજકીય પક્ષો, સંસ્થા વગેરેએ આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા સાત દિવસ અગાઉ સબંધિત ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે. ઇલેકટ્રોનિક ફોર્મમાં સુચિત જાહેરાતની બે નકલ તેમજ તેની યોગ્ય રીતે પ્રમાણિત કરેલ બે નકલ અરજી સાથે જોડવાની રહેશે. આવી જાહેરાત જીંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટસ વગેરેનું સર્ટીફીકેશન મેળવવા માટેની અરજી સબંધિત ચૂંટણી અધિકારીને કરવાની રહેશે. આ અરજીમાં જાહેરાત નિર્માણનું ખર્ચ, ઇન્સર્શન્સ સંખ્યાના વિભાજન અને આવા દરેક ઇન્સર્શન્સ માટે વસૂલ કરવામાં આવનાર સુચિત દર સાથે ટેલીવિઝન ચેનલ અથવા કેબલ નેટવર્ક પર આવી જાહેરાત સુચિત પ્રસારણનું અંદાજિત ખર્ચ, મુકેલ જાહેરાત ઉમેદવાર કે ઉમેદવારો પક્ષોની ચૂંટણીની ભાવિ શકયતાના લાભ માટે છે કે કેમ? તે બાબત પણ જણાવવાની રહેશે.

જાહેરાત રાજકીય પક્ષ અથવા ઉમેદવાર સિવાયની કોઇ વ્યક્તિએ આપી હોય તો તે વ્યક્તિ સોગંદ ઉપર જાહેર કરશે કે તે કોઇ રાજકીય પક્ષ કે ઉમેદવારના લાભ માટે નથી અને ઉકત જાહેરાત કોઇ રાજકીય પક્ષ અથવા ઉમેદવારે પુરસ્કૃત કરી નથી કે સોંપણી કરી નથી તેની ચૂકવણી કરી નથી. બધી ચૂકવણી એકાઉન્ટ પેઇ ચેકથી કરવામાં આવશે એવી કબૂલાત વિગેરેનો સમાવેશ કરવાનો થશે. ટેલીકાસ્ટ માટે જાહેરાત, જીંગલ્સ, ઇર્ન્સશન્સ, બાઇટસનું પ્રમાણપત્ર મેળવ્યા વિના જાહેરાત, જીંગલ્સ, ઇર્ન્સશન્સ, બાઇટસનું પ્રસારણ થઇ શકશે નહી. ચૂંટણી કામગીરી માટે નિયુકત ચૂંટણી અધિકારીશ્રીઓ તથા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલ તમામ અધિકારીઓને જાહેરાતોના પ્રસારણ પર દેખરેખ રાખવા માટે અધિકૃત કરવામાં આવે છે.

હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સ્થળો નજીક ચૂંટણી કાર્યાલય ખોલવા પર પ્રતિબંધ
ચૂંટણી અંતર્ગત સંદર્ભે ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચના મુજબ ચૂંટણી અનુસંધાને મતદાર વિભાગમાં કોઇપણ ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઇ રાજકીય પક્ષ કે કોઇપણ વ્યક્તિ કે સંસ્થાને ચૂંટણી હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી 200 મીટરના વિસ્તારમાં તેમજ કોઇપણ માન્ય શૈક્ષણિક સંસ્થા કે હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ચૂંટણી કાર્યાલય ખોલવામાં આવે તો વિદ્યાર્થીઓને, દર્દીઓને, દર્શનાર્થીઓને અને શ્રધ્ધાળુઓને તેમજ મતદાનના દિવસે મતદારોને વિક્ષેપ પડવાની અને ટ્રાફિકની ગેરવ્યવસ્થા થવાની તથા જાહેર સુલેહ શાંતી અને કાયદો વ્યવસ્થા ઉપર વિપરીત અસર પડવાની શકયતા રહે છે. રાજય ચૂંટણી આયોગ દ્રારા બહાર પાડેલ ચૂંટણી આચારસંહિતાની જોગવાઇઓની અમલવારી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિધ્ધ કરી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *