‘છાતી ઠોકીને કહુ છું’, મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા!

નડિયાદની પાવન ધરા પર આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન ખેડા જિલ્લાના કદાવર રાજકીય નેતા વિપુલ પટેલે આપેલા વિવાદાસ્પદ નિવેદને રાજકીય ગરમાવો તેજ કરી દીધો છે.…

નડિયાદની પાવન ધરા પર આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન ખેડા જિલ્લાના કદાવર રાજકીય નેતા વિપુલ પટેલે આપેલા વિવાદાસ્પદ નિવેદને રાજકીય ગરમાવો તેજ કરી દીધો છે. તેમણે જાહેરમાં હિંમતપૂર્વક એવો એકરાર કર્યો કે તેઓ છાતી ઠોકીને કહે છે કે તેમણે રાજકારણમાં રહીને અઢળક રૂૂપિયા બનાવ્યા છે. આ નિવેદન વાયુવેગે પ્રસરતા જ સમગ્ર જિલ્લાના રાજકીય વર્તુળોમાં તરેહ-તરેહની ચર્ચાઓ અને અચરજની લાગણી જોવા મળી રહી છે.

આ સનસનાટીભરી ઘટના નડિયાદ એરિયા કોલેજીસ રિટાયર્ડ સ્ટાફ એસોસિએશનના રજત જયંતી મહોત્સવના ઝગમગાટ વચ્ચે ઘટી હતી. આ ગરિમાપૂર્ણ અવસરે વિપુલ પટેલ મુખ્ય અતિથિ તરીકે મંચસ્થ હતા. સંબોધન દરમિયાન પોતાની રાજકીય સફરના સંસ્મરણો વાગોળતા તેમણે જે કમાણીની ટિપ્પણી કરી, તેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા અને જાહેર માધ્યમોમાં ડિબેટનો મુખ્ય વિષય બની ગયો છે.

વિપુલ પટેલની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો તેઓ લાંબા સમયથી ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પાયાના સ્તંભ રહ્યા છે. તેમણે સંગઠનમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી જેવા અત્યંત જવાબદારીપૂર્વકના હોદ્દાઓ શોભાવ્યા છે. માત્ર રાજકારણ જ નહીં, પરંતુ સહકારી ક્ષેત્રમાં પણ તેમનું પ્રભુત્વ છે; તેઓ અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે અને વર્તમાનમાં પણ અમૂલ ડેરીમાં ડિરેક્ટર તરીકે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

જાહેર મંચ પરથી કરવામાં આવેલા આ ચોંકાવનારા એકરાર બાદ જનતામાં મિશ્ર પ્રતિભાવોની ભરતી આવી છે. રાજકીય વિશ્ર્લેષકો આ નિવેદનને અત્યંત ગંભીર અને અસાધારણ ગણાવી રહ્યા છે. સામાન્ય રીતે રાજકીય માંધાતાઓ પોતાની સંપત્તિ કે આવકના સ્ત્રોત બાબતે રહસ્યમય મૌન સેવતા હોય છે, ત્યારે વિપુલ પટેલની આ કબૂલાતને કેટલાક લોકો તેમની બેબાક અને નિખાલસ શૈલીનું પરિણામ માની રહ્યા છે. બીજી તરફ, આ નિવેદનને પગલે રાજકારણમાં નૈતિક મૂલ્યો અને પારદર્શક વહીવટ સામે ગંભીર સવાલોના તીર સંધાયા છે. જાહેર જીવનના પદની ગરિમા અને લોકશાહીના આદર્શોને નેવે મૂકીને આ રીતે નાણાં બનાવવાની વાત કરવી તે ટીકાપાત્ર હોવાનું બુદ્ધિજીવીઓ જણાવી રહ્યા છે. ખાસ કરીને શાસક પક્ષના પૂર્વ હોદ્દેદારના મુખેથી નીકળેલા આ શબ્દોએ વિવાદને વધુ વકરવાની તક આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *