આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આજે સાંજે પૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન આકાશમાં એક ખાસ અવકાશી નજારો જોવા મળશે જ્યારે ચંદ્ર લાલ દેખાશે. આ ઘટના, જેને સામાન્ય રીતે “બ્લડ મૂન” તરીકે ઓળખવામાં આવે છે, તે હંમેશા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે, ત્યારે તેનો પડછાયો ચંદ્ર પર પડે છે. આ કારણે ચંદ્ર તાંબા જેવો અથવા લાલ દેખાય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ પ્રકારનું પૂર્ણ ચંદ્રગ્રહણ મન અને લાગણીઓ પર નોંધપાત્ર અસર કરે છે. આ સમય દરમિયાન લોકો વધુ પડતું વિચારે છે અને માનસિક તણાવ પણ વધી શકે છે. તેમજ ગ્રહણ દરમિયાન સાવધાની રાખવી અત્યંત મહત્ત્વની છે.
વર્ષનું આ પહેલું ચંદ્રગ્રહણ આજે એટલે કે 3 માર્ચના રોજ બપોરે 3:20 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:46 વાગ્યે પૂર્ણ થશે. ગ્રહણનો કુલ સમયગાળો અંદાજે 3 કલાક અને 27 મિનિટનો રહેશે. ભારતમાં ચંદ્રનો ઉદય સાંજે 5:59 વાગ્યે થશે, તેથી દેશમાં માત્ર ગ્રહણનો અંતિમ ભાગ(મોક્ષ કાળ) જ જોઈ શકાશે. ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા એટલે કે આજે સવારે 6:20 વાગ્યાથી સૂતક કાળ શરૂ થઈ ચૂક્યો છે, જે ગ્રહણના મોક્ષ સાથે જ સમાપ્ત થશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે, તેથી ચંદ્રગ્રહણની સીધી અસર વ્યક્તિની માનસિક સ્થિતિ અને લાગણીઓ પર પડે છે. આ વખતે ગ્રહણ સિંહ રાશિમાં લાગી રહ્યું હોવાથી અમુક રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો પર આ ગ્રહણની સૌથી વધુ અસર જોવા મળશે, કારણ કે ગ્રહણ આ જ રાશિમાં થઈ રહ્યું છે. આ દરમિયાન બિનજરૂરી માનસિક તણાવ, મૂંઝવણ અને અશાંતિનો અનુભવ થઈ શકે છે. સલાહ છે કે આ સમયે કોઈ પણ મોટો આર્થિક કે પારિવારિક નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી અને વાણી પર સંયમ રાખવો.
કર્ક રાશિ
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર હોવાથી આ રાશિના લોકોએ પણ સાવધ રહેવું પડશે. ગ્રહણના પ્રભાવથી જૂની બીમારીઓ ફરી ઉથલો મારી શકે છે, તેથી સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નકારાત્મક વિચારોથી દૂર રહેવા માટે મેડિટેશન અને મંત્રોનો જાપ કરવો હિતાવહ રહેશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોના સંબંધો પર અસર પડી શકે છે. જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર સાથે વૈચારિક મતભેદો થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ઉગ્રતા ટાળવી અને કોઈ પણ વિવાદને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ.
