3120 દારૂના ચપલા સાથે વાડી માલિકની ધરપકડ, મોટા મવામાં રહેતો મિત્ર આપી ગયાની કબૂલાત
શહેરની ભાગોળે બેડી અને કુચિયાદળ ગામે એલસીબીની ટીમે બે દરોડા પાડી રૂા.13.82 લાખનો દારુનો જથ્થો ઝડપી લીધો હતો. જેમાં બેડી ગામે વાડીમાંથી ઘાસમાં છુપાવેલો રૂા.9.36 લાખનો દારૂ ઝડપી પાડયો હતો. પોલીસે 3120 દારૂના ચપલા કબજે કરી વાડી માલીકની ધરપકડ કરી હતી. જ્યારે બીજા દરોડામાં કુચિયાદળ ગામે કુખ્યાત બૂટલેગર ફિરોજ મેણુના ગોડાઉનમાં દરોડો પાડી પોલીસે 4.46 લાખનો દારુ ઝડપી લીધો હતી.
જાણવા મળતી વિગત મુજબ એલસીબી ઝોન-1ના પીએસઆઇ એમ.કે. મોવલીયા, એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, હરેશભાઇ પરમાર, કોન્સ. રવિરાજ પટગીર સહીતનો સ્ટાફ ગત રાત્રે પેટ્રોલીંગમાં હતો દરમિયાન વહેલી સવારે વાછકપર બેડી ગામે રહેતા દિવ્યેશ નારણભાઇ ચંદરોલા નામના શખ્સે બેડી ગામની સીમમાં મેળાધાર તરીકે ઓળખાતી પોતાની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની ચોક્કસ બાતમી મળતા એલસીબીના સ્ટાફે તાત્કાલીક દોડી જઇ વાડીમાં દરોડો પાડયો હતો.
પોલીસે તલાશી લેતા વાડીની ઓરડીમાં અને વાડીમાં ઘાસ નીચે છુપાયેલા અલગ અલગ બ્રાન્ડના દારૂના ચપલા નંગ 3120 કિં.રૂા.936000 મળી આવ્યા હતા. જેથી પોલીસે દારૂ, મોબાઇલ મળી કુલ રૂા.9.39 લાખનો મુદામલ કબજે કરી વાડી માલીક દિવ્યેશ નારણભાઇ ચંદરોલાની ધરપકડ કરી હતી.
આરોપીની પુછપરછ કરતા તેણે આ દારૂનો જથ્થો રાજકોટમાં મોટામવામાં રહેતો તેનો મિત્ર શક્તિસિંહ પરમાર વાડીએ મુકી ગયાની કબુલાત આપી હતી. પોલીસ તપાસમાં બન્ને મિત્રો વચ્ચે પૈસાની લેતી દેતી હોય શકિતસિંહ દિવ્યેશ પાસે પૈસા માંગતો હોવાથી તેણે પોતાનો દારૂનો જથ્થો દિવ્યેશની વાડીમાં ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે બન્ને આરોપી સામે ગુનો નોંધી શક્તિસિંહ પરમારની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડામાં એલસીબી ઝોન-1ની ટીમ બાતમીના આધારે કુચિયાદળ ગામે રાજકોટના કુખ્યાત બૂટલેગર ફિરોજ હાસમભાઈ મેણુના ગોડાઉનમાં દરોડો પાડી તલાસી લેતા ગોડાઉન અને ત્યાં પડેલી કારમાંથી વિદેશી દારુના અલગ અલગ બ્રાન્ડના ચપલા નંગ 1488 કિ.રૂા.446400 મળી આવતા પોલીસે દારુ કાર અને બાઈક મળી કુલ રૂા.1486400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ત્યારે આરોપી બૂટલેગર ફરાર થઈ ગયો હોય પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
