ઓપરેશન જંગલેશ્ર્વર પાર્ટ-2ની તૈયારી, મહેસૂલ પંચ દ્વારા ગમે ત્યારે અપાશે ચૂકાદો

કલેકટર હસ્તકની 1 લાખ ચો.મીટર જમીન ખાલી કરાવાશે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા વિશાળ દબાણના મામલે હવે અંતિમ ઘડીઓ ગણાઈ રહી હોય…

કલેકટર હસ્તકની 1 લાખ ચો.મીટર જમીન ખાલી કરાવાશે

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા વિશાળ દબાણના મામલે હવે અંતિમ ઘડીઓ ગણાઈ રહી હોય તેમ જણાય છે. કલેક્ટર તંત્ર દ્વારા અપાયેલી નોટિસ બાદ હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા, જેના પગલે હવે ગુજરાત મહેસૂલ પંચ ગમે ત્યારે પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવી શકે છે.
શહરેના જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે 1 લાખ ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર 1,358 જેટલા ગેરકાયદેસર મકાનો ઊભા કરી દેવામાં આવ્યા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. આ મામલે કલેક્ટર તંત્ર દ્વારા તમામ મકાનધારકોને દબાણ દૂર કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી.તંત્રની આ કાર્યવાહી સામે સ્થાનિકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે આ મામલે મધ્યસ્થી કરી ગુજરાત મહેસૂલ પંચને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરી 90 દિવસમાં સુનાવણી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહેસૂલ પંચ દ્વારા તમામ પક્ષકારોની દલીલો વિગતવાર સાંભળવામાં આવી છે.સ્થાનિક રહેવાસીઓ અને સરકારી તંત્ર દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને જવાબોની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે.કાયદાકીય પ્રક્રિયાના તમામ તબક્કાઓ પૂરા થઈ ચૂક્યા હોવાથી હવે માત્ર ચુકાદો જાહેર કરવાનો જ બાકી છે.”1 લાખ ચોરસ મીટર જમીન પરના દબાણનો આ મામલો રાજ્યના મોટા જમીન વિવાદોમાંનો એક માનવામાં આવે છે. પંચના નિર્ણય પર હજારો પરિવારોના ભાવિનો દારુમદાર છે.”

હવે જોવાનું એ રહેશે કે મહેસૂલ પંચ આટલી મોટી સંખ્યામાં રહેલા મકાનો અંગે માનવીય અભિગમ અપનાવે છે કે પછી સરકારી જમીન ખુલ્લી કરવાનો કડક આદેશ આપે છે. આ ચુકાદાને પગલે જંગલેશ્વર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત અને તંત્રની સજ્જતા પણ ચર્ચાનો વિષય બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *