અમરેલીના ગોવિંદપુરમાં નદીના પટમાં કપડાં ધોતી મહિલાને ફાડી ખાતી સિંહણ, બાળકી ઉપર પણ હુમલો

અમરેલી જિલ્લાના ધારી અને લીલીયા પંથકમાં વન્ય પ્રાણીઓએ આતંક મચાવતા બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. ધારીના ગોવિંદપુર ગામે સિંહણે એક મહિલા પર હુમલો કરી…

અમરેલી જિલ્લાના ધારી અને લીલીયા પંથકમાં વન્ય પ્રાણીઓએ આતંક મચાવતા બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. ધારીના ગોવિંદપુર ગામે સિંહણે એક મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી છે, જ્યારે લીલીયાના પીઠવાજાળ ગામે દીપડાએ 5 વર્ષની બાળકીને નિશાન બનાવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી છે. મહિલાનો શિકાર કરનાર સિંહણને વનવિભાગે મહામહેનતે પાંજરે પૂરી હતી.

ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળની દલખાણીયા રેન્જમાં આવેલા ગોવિંદપુર ગામમાં હૃદયદ્રાવક ઘટના બની હતી. ગામ નજીક આવેલી નદીના પટમાં 45 વર્ષીય મંજુબેન સોલંકી કપડાં ધોઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક સિંહણ ત્યાં ધસી આવી હતી. સિંહણે મહિલા પર હુમલો કરી તેને શિકાર બનાવવા માટે દૂર ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટના સમયે નજીકમાં કામ કરી રહેલા મનુભાઈ વાઘેલા નામના શખ્સે જોયું કે સિંહણ મહિલાને પછાડીને પકડી રહી છે. તેમણે તુરંત પાવડાના હાથા જમીન પર પછાડી અને બૂમાબૂમ કરી સિંહણને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય ગ્રામજનો પણ દોડી આવતા સિંહણ મહિલાને છોડીને ભાગી ગઈ હતી. જોકે, ગંભીર ઈજાઓ થવાને કારણે મંજુબેનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ હરકતમાં આવી હતી. RFO, ફોરેસ્ટ ગાર્ડ અને ટ્રેકર્સની ટીમોએ વિસ્તારમાં કોર્ડન કરી અલગ-અલગ જગ્યાએ પાંજરા ગોઠવ્યા હતા. વન વિભાગે માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં હુમલાખોર સિંહણને પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી. હાલ સિંહણને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તેના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાશે.

બીજી ઘટનામાં લીલીયા તાલુકાના પીઠવાજાળ ગામની સીમમાં દીપડાએ આતંક મચાવ્યો છે. અહીં ખેત મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે નજીકમાં રમી રહેલી 5 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. બાળકોએ બૂમાબૂમ કરતા વાલીઓ અને શ્રમિકો દોડી આવ્યા હતા, જેથી દીપડો નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પીઠવાજાળના સરપંચના જણાવ્યા મુજબ, વિસ્તારમાં જંગલી પ્રાણીઓનો ભય સતત વધી રહ્યો છે. વન વિભાગે દીપડાને પકડવા માટે વિસ્તારમાં પાંજરા ગોઠવવાની પ્રક્રિયા શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *