અમરેલી બાદ બીજી ઘટનાથી જંગલ વિસ્તારમાં ફફડાટ, સીમમાં કફર્યુ જેવો માહોલ
અમરેલી અને આસપાસના સિંહોના વિચરણના વિસ્તારોમાં માનવીઓ પર સિંહોના હિંસક હુમલાઓ વધી રહ્યા છે. એક દિવસ પહેલા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે સિંહના હુમલામાં યુવકનું મોત થયું. હવે આવી જ ઘટના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બની છે, જ્યાં મહુવાના ગઢડા ગામે સિંહે યુવાનને ફાડી ખાધો છે. યુવાનના મૃતદેહના માત્ર અવશેષો અને કપડાં મળી આવ્યા છે.
ઝાડીઓમાંથી મૃતકના કપડાં, મૃતદેહના અવશેષો મળી આવ્યા ઘટનાની જાણ થતાં ગામના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા અને યુવકની શોધખોળ શરૂૂ કરી હતી. સાથે જ વન વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન બાવળની ગીચ ઝાડીઓમાંથી મૃતકના કપડાં તેમજ મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. આ દૃશ્ય જોઈ ગ્રામજનોમાં શોક અને ભયની લાગણી વ્યાપી ગઈ હતી.
વનવિભાગને તાત્કાલિક જાણ કરાઈ હતી : સરપંચ ગઢડા ગામના સરપંચ સવજીભાઈએ ઘટના અંગે કહ્યું, મને ગામમાંથી ફોન આવ્યો કે આપણાં ગામનો યુવાન નાગજીભાઈને સિંહે ફાડી ખાધો છે. અમે તાત્કાલિક વનવિભાગને જાણ કરી અને વનવિભાગની ટીમ ગામમાં આવી પહોચી હતી.
મૃતકના મોટાભાઈ મૃતક યુવકના મોટાભાઈ શાંતિભાઈએ જણાવ્યું, મારો ભાઈ નાગજી કામેથી પરત ફરી રહ્યો હતો ત્યારે જાનવર એને ઝાડીમાં ખેંચી ગયા હતા. અમે બહારગામ હતા અને ગામમાંથી મને ફોન આવ્યો કે તમે અહીં આવો, ગામમાં આવો બનાવ બન્યો છે. મારા બે બાળકો અને માતા-પિતા અહીં છે. અમારું આ ઘર મારા ભાઈ પર જ ચાલતું હતું.
અસરકારક પગલાં લેવા વનવિભાગ સમક્ષ સ્થાનિકોની માંગ ઉલ્લેખનીય છે કે મહુવા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સિંહ સહિતના જંગલી પ્રાણીઓના હુમલાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા વારંવાર વન વિભાગને માનવ વસાહત નજીક ફરી રહેલા સિંહોને દૂર ખસેડવા અને સુરક્ષા માટે પેટ્રોલિંગ વધારવા સહિતના અસરકારક પગલાં લેવા માંગ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર માનવ-વન્યપ્રાણી સંઘર્ષનો ગંભીર પ્રશ્ન ઉજાગર કર્યો છે.
બાઈક બંધ પડી જતાં દોરીને જતો હતો અને સિંહ કાળ બનીને ત્રાટકયો
મહુવાના ગઢડા ગામનો યુવાન નાગજી પ્રેમજીભાઈ ગુજરીયા મજૂરી કામ પૂર્ણ કરીને ગઈ રાત્રિના સમયે બાઈક લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન પીંગલેશ્વર મહાદેવ નજીક બાઇક બંધ પડતાં તે બાઈક દોરીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે અચાનક બાવળની ઝાડીમાંથી આવીને સિંહે તેના પર હુમલો કર્યો અને તેમને જંગલ તરફ ખેંચી ગયો હતો. ઘટનાસ્થળેથી યુવકનું બાઈક મળી આવ્યું છે, જે બાઈક સાથે શ્રમિક યુવકનું ટિફિન પણ બાંધેલું છે.
