જામજોધપુર શહેરમાં સગીરા પર દુષ્કર્મ અને ગર્ભવતી બનાવ્યાની ગંભીર ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. પાડોશમાં રહેતા બે સંતાનોના પિતા એવા 42 વર્ષીય શખ્સે સાડા સોળ વર્ષની સગીરાને ફોસલાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. ઘટનામાં સગીરા ગર્ભવતી બની જતા આરોપીએ ગર્ભપાત કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સગીરાની તબિયત બગડતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, આશરે સાત મહિના અગાઉ જામજોધપુરના એક વિસ્તારમાં રહેતી સાડા સોળ વર્ષની સગીરા તેના પાડોશમાં રહેતા જમન કોળી નામના 42 વર્ષીય વ્યક્તિના સંપર્કમાં આવી હતી. આરોપીએ સગીરાને ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બંને અલગ-અલગ વિસ્તારમાં રહેવા લાગ્યા હોવા છતાં આરોપી સતત સગીરાના સંપર્કમાં રહ્યો હતો અને તેને બોલાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો.
આ દરમિયાન સગીરા ગર્ભવતી બની ગઈ હતી. ગર્ભ અંગે જાણ થતાં આરોપીએ સગીરાને દવાઓ આપીને ગર્ભપાત કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અચાનક સગીરાને પેટમાં તીવ્ર દુ:ખાવો ઉપડતાં પરિવારજનોએ તેને હોસ્પિટલમાં ખસેડી હતી. સારવાર દરમિયાન સમગ્ર ઘટના બહાર આવી હતી. સગીરાનો અંદાજે ચાર માસનો ગર્ભપાત થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.મામલાની જાણ પોલીસને થતાં જામજોધપુર પોલીસે સગીરાની ફરિયાદના આધારે આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કર્યો છે.તપાસના ભાગરૂૂપે પોલીસે સગીરા, આરોપી તેમજ ગર્ભપાત થયેલા ભ્રૂણના ડીએનએ સેમ્પલ મેળવી ફોરેન્સિક પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. ડીએનએ રિપોર્ટના આધારે વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
