ફરિયાદી સહિતના સાહેદો હોસ્ટાઇલ થવા છતાં સરકારી વકીલની દલીલોના આધારે કોર્ટનો ચૂકાદો
શહેરની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર 25 વારીયા કવાર્ટરમાં માતાની હત્યા નીપજાવવાના ચાર વર્ષ પહેલાના ગુનામાં કપાતર પુત્રને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. કામ ધંધો કરવા બાબતે બોલાચાલી થતા પુત્રએ માતાને ધોકો ફટકારી ઢીમ ઢાળી દીધુ હતુ. આ કેસમાં ફરિયાદી સહિતના સાહેદો હોસ્ટાઇલ થવા છતા સરકારી વકીલની દલીલોને ધ્યાને લઇ કોર્ટે આકરી સજાનો હુકમ કર્યો હતો.
કેસની વિગત મુજબ, તા.07/06/2020ના રોજ ફરિયાદી અરવિંદ ઉપેન્દ્રભાઈ રાઠોડ (રહે.ઘંટેશ્વર 25 વારીયા) પોતાના માતાના ઘરે જતા હતા. રસ્તામાં તેનો ભાઈ આરોપી પ્રકાશ ઉર્ફે ઋતિક ઉપેન્દ્રભાઈ રાઠોડ રીક્ષા લઈ જતો જોવા મળ્યો. રીક્ષા ઉભી રાખી પ્રકાશે કહ્યું કે, આપણી માતા શેઠાણીબેન સાથે રાત્રીના 10.30 વાગ્યે કામધંધો કરવા બાબતે બોલાચાલી અને ઝઘડો થતા માતાના રોજના કંકાશથી કંટાળી મેં ઝુપડામાં પડેલો લાકડાના ધોકા વડે માતાને માથામાં માર મારતા તે લોહીલોહાણ હાલતમાં પડેલ છે.
તારે દવાખાને લઈ જવી હોય તો લઈ જા. તેમ કહેતા ફરિયાદી એ ઘરે જઇ શેઠાણીબેનને સિવિલ હોસ્પિટલ ખસેડતા તેમનુ મોત થયુ હતુ. ગાંધીગ્રામ પોલીસે આઈ.પી.સી. કલમ-302 મુજબ ગુનો નોંધી આરોપી પ્રકાશ ઉર્ફે ઋતિકની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ કર્યુ હતુ.
આ કેસ ચાલી જતા કુલ 24 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ રાખેલા અને 12-સાક્ષીઓને તપાસેલા હતા. તેમણે રજુઆત કરેલી કે, કેસમાં કોઈપણ નજરે જોનાર સાક્ષી નથી. આ કેસ સંપુર્ણ સાંયોગીક પુરાવાઓ ઉપર આધારીત છે ફરીયાદી તથા અન્ય સાહેદો હોસ્ટાઈલ થયેલ છે. સાહેદ સાવન કે જેઓ શેઠાણીબેનના નણંદના દિકરા થતા હોય અને તેઓ શેઠાણીબેનને ઓળખતા ન હોય અને આરોપીને પણ ઓળખતા ન હોય સંપુર્ણરીતે હોસ્ટાઈલ ડીકલેર થયેલા અને આરોપીને બચાવવા ખોટી જુબાની આપેલી પરંતુ તેનાથી પ્રોસીકયુશનના કેસને કોઈ નુકશાન થયેલ નથી.
પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં જણાવેલુ કે મૃતકને સાત પ્રકારની ઈજાઓ થઇ હતી અને આ પ્રકારની ઈજાઓ સખ્ત અને બોથડ પદાર્થ વડે થઇ હતી. જેથી પ્રોસીક્યુશન તરફે લાકડાનો ધોકો બતાવવામાં આવેલી જે જોઈને ડોકટરે જણાવેલુ કે આ ધોકાથી આવી ઈજાઓ થઈ શકે છે.
આરોપીએ પોતાની સગી માતાની બેરહમીથી લાકડાના ઘોકા વડે હત્યા કરી છે. જેને કોઈપણ રીતે સરળતાથી, સહજતાથી કે હળવાશથી લઈ શકાય નહી. દલીલો ધ્યાને લઈ એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે પ્રકાશ ઉર્ફે ઋતિકને આઈ. પી.સી. કલમ-302 મુજબ આજીવન કેદની સજા તથા દંડ ફટકાર્યો છે. આ કેસમાં સરકારી વકીલ પરાગ શાહ રોકાયા હતા.
