જમીનનો 6.30 લાખનો બોગસ દસ્તાવેજ બનાવી ભૂમાફિયાઓએ આચર્યું કૌભાંડ, નોટિસ આવતા જ ભાંડો ફૂટ્યો
9 વીઘા જમીન હડપવા અન્ય મહિલાને ઉભી કરી, આજીડેમ પોલીસ મથકે મહિલા સહિત ચાર શખ્સો સામે ગુનો દાખલ
રાજકોટની ભાગોળે આવેલા લાખાપર ગામના એક નિરાધાર અને વૃદ્ધ દંપતીની કિંમતી મિલકત પર ભુમાફિયાઓની નજર પડતાં કરોડોની જમીન પચાવી પાડવાનું એક ચોંકાવનારું કારસ્તાન સામે આવ્યું છે. સરધાર ગામની સીમમાં આવેલી આશરે નવ વિઘા જેટલી મોંઘીદાટ જમીન, જેની બજાર કિંમત અંદાજે 5 કરોડ રૂૂપિયા હોવાનું કહેવાય છે, તેને ભુમાફિયાઓએ બોગસ અને નકલી દસ્તાવેજોના આધારે પોતાના નામે કરાવી લીધી હતી. આ સમગ્ર મામલો સામે આવતાં જ રાજકોટની આજીડેમ પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.
વધુ વિગતો મુજબ,લાખાપર ગામમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ માવજીભાઈ મનજીભાઈ કાનાણીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે મુખ્ય સૂત્રધાર મહાવીરસિંહ રાવતબાપુ વાળા, રાજ વીભા સોલંકી, ભાવેશ જશવંતરાય નિમાવત અને એક અજ્ઞાત સ્ત્રી સહિતના શખ્સો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે.ફરિયાદી માવજીભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ અને તેમના પત્ની વજીબેન આ જમીન પર ખેતીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આશરે દોઢ મહિના પહેલાં એક અજાણ્યો વ્યક્તિ ખેતરે આવ્યો હતો અને પોતાનું નામ રાજુભાઈ હોવાનું જણાવી જમીન લે-વેચનું કામ કરતો હોવાનો દાવો કર્યો હતો. આ શખ્સે જમીન વેચવાની તૈયારી બાબતે પૂછપરછ કરી અને એકરના 1.55 કરોડ રૂૂપિયા આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ આ જમીન ખરીદનાર પાર્ટીને બતાવવાના બહાને રાજુભાઈ નામના આ શખ્સે માવજીભાઈ પાસેથી જમીનનો સર્વે નંબર મેળવ્યો હતો. એટલું જ નહીં, બે-ત્રણ દિવસ પછી ખરીદદારને વિશ્વાસ આપવા માટે વજીબેનનું પાનકાર્ડ અને માવજીભાઈનું ઓળખપત્ર મંગાવી તેના પોતાના મોબાઈલમાં ફોટા પાડી લીધા હતા. આ દસ્તાવેજો મેળવ્યા બાદ તે શખ્સે ફોન બંધ કરી દીધો હતો અને કોઈ સંપર્ક કર્યો ન હતો.
આ ઘટનાના થોડા દિવસો બાદ માવજીભાઈના ઘરે અચાનક એક સરકારી નોટિસ આવી હતી. આ નોટિસ તેમના કાકાના દીકરાએ વાંચી સંભળાવતા દંપતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે તેમાં લખ્યું હતું કે આ જમીન મહાવીરસિંહ રાવતબાપુ વાળાએ ખરીદી લીધી છે અને તેનો દસ્તાવેજ પણ થઈ ગયો છે. માવજીભાઈ અને તેમના પત્ની વજીબેન ક્યારેય કોઈ ઓફિસમાં સહી કે અંગૂઠો કરવા ગયા ન હોવાથી તેઓ તુરંત વકીલ પાસે પહોંચ્યા હતા અને મામલતદાર કચેરીમાં વાંધા અરજી દાખલ કરી હતી. પાછળથી જ્યારે આ દસ્તાવેજની અસલ નકલ મેળવવામાં આવી ત્યારે ખબર પડી કે ગત તારીખ 1/6/2026 ના રોજ આ જમીન માત્ર 6.30 લાખ રૂૂપિયામાં વેચી દીધી હોવાનો બોગસ દસ્તાવેજ તૈયાર કરાયો હતો.
આ નકલી દસ્તાવેજોની ચકાસણી કરતાં માવજીભાઈને જાણવા મળ્યું કે તેમાં ઓળખ આપનાર તરીકે રાજ વીભા સોલંકી અને ભાવેશ જશવંતરાય નિમાવતના નામ હતા. સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે દસ્તાવેજમાં પાનકાર્ડ ભલે વજીબેનનું વાપરવામાં આવ્યું હતું, પરંતુ તેની સાથે જોડેલો ફોટો અને ઓનલાઈન સહી-અંગૂઠા કરનાર મહિલા વજીબેન નહોતા. ભુમાફિયાઓએ વજીબેનની જગ્યાએ અન્ય કોઈ અજાણી સ્ત્રીને ઊભી રાખીને ફોટો પડાવ્યો હતો અને નકલી સહીઓ કરીને કરોડોની જમીન હડપી લીધી હતી. આ ગંભીર છેતરપિંડી બદલ આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.જે.વરૂૂ અને તેમની ટીમે તમામ આરોપીઓની અટકાયત કરવા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ચક્રો ગતિમાન કર્યા છે.
