ચીને લેવલ-4 ચેતવણી જારી કર્યા પછી બચાવકાર્ય સ્થગિત: 478ના મૃતદેહો મળ્યા 290 ભારતીયો અને 90 અમેરિકનો સહિત 1500થી વધુ લાપતા
નેપાળના રસૌવા જિલ્લામાં તિબ્બત સરહદ નજીક બનેલ તળાવ ફાટ્યું છે. આ ઘટના બાદ પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. ખતરાને ધ્યાનમાં રાખીને રેસ્ક્યુ ઓપરેશન 90 મિનિટ માટે અટકાવી દેવામાં આવ્યું છે. નેપાળી અધિકારીઓએ લોકો અને સુરક્ષાકર્મીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ જતા રહેવા માટે કહ્યું છે.
બીજી તરફ ચીને પણ તિબ્બતમાં રાહત અને બચાવ કામગીરી રોકી દીધી છે અને લેવલ-4 એલર્ટ જાહેર કર્યું છે.
ફરીથી પૂર આવવાના ખતરાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બુધવારના રોજ આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલન બાદ બંને દેશોમાં હજુ પણ સેંકડો લોકો લાપતા છે. પૂર અને ભૂસ્ખલનથી બંને દેશોમાં અત્યાર સુધીમાં 478 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 1500 થી વધુ લોકો લાપતા છે. જેમાં આશરે 290 ભારતીયો પણ સામેલ છે. નેપાલ પ્રવાસન બોર્ડે જણાવ્યું હતું કે 127 નેપાળીઓ સહીત 667 પ્રવાસીઓ ગુમ છે. આ દુર્ઘટનામાં બચાવાયેલા 1545 લોકોની સારવાર ચાલી રહી છે. બીજી બાજુ ચીને તેના સરહદી વિસ્તારમાં 555 પ્રવાસીઓ સહીત 1000થી વધુ લોકોને બચાવી લીધા છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે તેમના દેશના 90 લોકો લાપતા થયાનું જણાવી તમામ મદદની ઓફર કરી છે.
તળાવમાંથી પાણી બહાર નીકળવાના સમાચાર બાદ ખતરાને ધ્યાનમાં રાખીને નેપાળી સેનાએ રાહત અને બચાવ કામગીરી અસ્થાયી રૂૂપે રોકી દીધી છે. આ દરમિયાન પ્રભાવિત વિસ્તારમાં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક જિલ્લા અધિકારીએ પણ જણાવ્યું કે તેમને તળાવના કિનારેથી પાણી નીકળવાની માહિતી મળી છે. અધિકારીના જણાવ્યા મુજબ, નદીનું જળસ્તર વધતું દેખાઈ રહ્યું છે. એવામાં નદીની આસપાસ હાજર રેસ્ક્યુ ટીમો અને લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
ચીનના અધિકારીઓના જણાવ્યા મુજબ નવા બનેલા તળાવમાં 2.5 મિલીયન કયુબિક મીટરથી વધુનો વધારો થયો છે. જેના કારણે તે તુટવાની, વધુ પર આવવાની આશંકા છે. આગામી ત્રણ દિવસમાં વધુ ત્રણ મિલીયન કયુબીક મીટર પાણી પ્રવેશી શકે છે.
ચીન તરફથી કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે તળાવમાં હવે આશરે 25 લાખ ક્યુબિક મીટરથી વધુ પાણી જમા થઈ ચૂક્યું છે. એક દિવસ પહેલા ચીની એન્જિનિયરિંગ ટીમે આમાં આશરે 15 થી 20 લાખ ક્યુબિક મીટર પાણી હોવાનો અંદાજ લગાવ્યો હતો. એટલે કે થોડા જ સમયમાં જળસ્તર અને પાણીની માત્રામાં ભારે વધારો થયો છે.
ચીને અગાઉ અંદાજ લગાવ્યો હતો કે આગામી 3 દિવસમાં આશરે 30 લાખ ક્યુબિક મીટર વધારાનું પાણી આ તળાવમાં પહોંચી શકે છે. આ આશરે 1200 ઓલિમ્પિક કદના સ્વિમિંગ પૂલ બરાબર પાણી છે. અધિકારીઓએ આ જ કારણે તળાવ તૂટવાની અથવા તેના કિનારેથી મોટા પાયે પાણી નીકળવાની ગંભીર ચેતવણી આપી હતી.
બચાવ ટીમોની જરૂર નથી: વિદેશી મદદની ઓફર ઠુકરાવતું નેપાળ
વિનાશક અચાનક પૂરમાં ઓછામાં ઓછા 469 લોકોના મોત અને સેંકડો ગુમ થયા બાદ નેપાળે શોધ અને બચાવ ટીમો તૈનાત કરવાની અનેક દેશોની ઓફરનો ઇનકાર કર્યો છે, તેના દાવા મુજબ તેની પોતાની સુરક્ષા એજન્સીઓ કામગીરી સંભાળવા સક્ષમ છે.ધ કાઠમંડુ પોસ્ટ અનુસાર, નેપાળના વિદેશ મંત્રાલયને દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો તરફથી તેમના પોતાના બચાવ કર્મચારીઓ મોકલવા માટે અનેક સત્તાવાર અને બિનસત્તાવાર વિનંતીઓ મળી છે. જોકે, અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારે નિર્ણય લીધો છે કે નેપાળી સુરક્ષા એજન્સીઓ કામગીરીનું નેતૃત્વ કરે. અમને ચીન અને અન્ય દેશો તરફથી પણ આવી જ વિનંતીઓ મળી હતી, પરંતુ અમારે વિનંતીને નકારી કાઢવી પડી,’ એમ વિદેશ મંત્રાલયના એક અધિકારીએ ધ કાઠમંડુ પોસ્ટને જણાવ્યું.આ નિર્ણય આંશિક રીતે 2015 ના ભૂકંપ પછી નેપાળના અનુભવ પર આધારિત હતો, જ્યારે અસંખ્ય વિદેશી બચાવ ટીમોના આગમનથી સંકલન અને વ્યવસ્થાપનમાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી. વિદેશી બચાવ ટીમોને બદલે, નેપાળ એક જ પદ્ધતિ દ્વારા નાણાકીય સહાય મેળવવા માંગે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પુનર્વસન અને પુનર્નિર્માણ તબક્કા દરમિયાન વધુ આંતરરાષ્ટ્રીય સહાય માંગવામાં આવશે. દરમિયાન યુએઇએ નેપાળને 1 કરોડ ડોલરની સહાય જાહેર કરી છે.
નેપાળમાં તણાયેલા 7ના મૃતદેહ યુપીની નદીઓમાં મળ્યા
ભારતીય અધિકારીઓએ નેપાળમાંથી વહેતી નદીઓમાંથી સાત મૃતદેહો બહાર કાઢ્યા છે, જે વિનાશક પૂરનો ભોગ બનેલા માનવામાં આવે છે, અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાનું પ્રમાણ દર્શાવે છે. ઉત્તર પ્રદેશ રાજ્યના મહારાજગંજ અને કુશીનગર જિલ્લામાં નદીઓમાં આ મૃતદેહો તરતા મળી આવ્યા હતા, જે નેપાળના પૂરગ્રસ્ત દક્ષિણ ચિતવન ક્ષેત્રની સરહદે છે. “ગુરુવારે જિલ્લામાં ચાર અજાણ્યા મૃતદેહો મળી આવ્યા હતા,” મહારાજગંજ જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરવ સિંહ સોગરવાલે જણાવ્યું હતું. “અમને લાગે છે કે તેઓ નેપાળમાં અચાનક પૂર પછી ભારતમાં વહી ગયા છે.” સરહદથી લગભગ 70 કિલોમીટર (43 માઇલ) નીચે તરફ કુશીનગર જિલ્લામાં વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યા છે, એક પોલીસ અધિકારીએ પુષ્ટિ આપી છે. અધિકારીઓ તેમની ઓળખ માટે કામ કરી રહ્યા છે.
દરમિયાન, નેપાળની ભોટેકોશી નદીમાં અચાનક પુરની અસર ઉતર યુપીમાં અનુભવાઇ રહી છે. ગંડક (નારાયણી) નદીનું જળસ્તર વધી રહ્યું છે. સતાવાળાઓએ મહારાજગંજ અને કુશીગંજ જિલ્લામાં હાઇએલર્ટ જાહેર કર્યું છે.
