રાજકોટ નજીક ગોલીડા(હડમતીયા) ગામે રહેતાં અને કુવાડવા જીઆઈડીસીમાં આટકોટીયા એગ્રો ટેકનોલોજી નામે કંપની ચલાવી એગ્રિકલ્ચર પેસ્ટીસાઈડ દવાઓ બનાવવાનો અને વેચવાનો ધંધો કરતાં ભાવેશભાઈ ધીરજલાલ આટકોટીયા ઉ.વ.42)ને ખાનગી કંપનીના કર્મચારીની ઓળખ આપી બનાવટી વેબસાઈટની મારફતે તેનું વોલેટ જનરેટ કરાવી ક્રિપ્ટો કરન્સી ટ્રેડિંગના નામે અજાણ્યા શખ્સોએ રૂૂા.40.78 લાખની છેતરપિંડી કર્યાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ભાવેશભાઈએ પોલીસને જણાવ્યું કે, ગઈ તા.1-10-25નાં તે તેની કંપનીએ હતાં ત્યારે તેનાં ફેસબુક એકાઉન્ટ પર શ્રીષ્ટી નામની મહિલાની ફેન્ડ રિક્વેસ્ટ આવી હતી જે તેણે સ્વીકારી હતી ત્યારબાદ બંને વચ્ચે વાતચીતનો સીલસીલો શરૂૂ થયો હતો. બાદમાં યુવતીએ તેને પોતાનો વોટ્સએપ નંબર આપતાં બંને વચ્ચે નિયમીત વાતચીત શરૂૂથઈ હતી. ત્યારબાદ ગઈ તા. 15-10-25નાં તે મહિલાએ તેને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાં જણાવ્યું હતું. પરંતુ શરૂૂઆતમાં તેને ના પાડી હતી.
થોડા દીવસો બાદ યુવતીએ તેને ફરી ડેક્સ ટ્રેડ નામની વેબસાઇટમાં રોકાણ કરવા જણાવ્યું હતું. જેથી તેણે આ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ સમયે યુવતીએ તેને બલબીર સિંગ નામના શખ્સનો વોટ્સએપ નંબર આપી આ વ્યક્તિ ટ્રેડિંગ કરાવનાર છે અને તે કંપનીનો કર્મચારી છે તેમ કહ્યું હતું.
બલબીર સિંગે તેને વે ઓફ સક્સેસ નામનાં વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો હતો. જેમાં ટ્રેડિંગ માટે ટિપ્સ આપવામાં આવતી હતી. તેણે આ વેબસાઈટ પર ટ્રેડિંગ માટે ક્રિપ્ટો કરન્સી ખરીદવા અલગ અલગ બેંક ખાતાઓમાં રૂૂા. 40.78 લાખ જમા કરાવ્યા હતા.ત્યારબાદ તે વોટ્સએપ ગ્રુપમાં આવેલી ટ્રેડિંગ ટિપ્સ મુજબ ટ્રેડિંગ કરતો હતો. આ વેબસાઈટ પર તેના વોલેટમાં 137,174ની યુએસ ડોલર બેલેન્સ દર્શાવેલી હતી.
પરંતુ તેણે રકમ વીથડ્રો કરવાનો પ્રયાસ કરતાં રકમ ઉપાડવા દેવામાં આવી ન હતી અને વીવિધ ચાર્જ, ટેક્સ અને વેરિફિકેશન ફી વગેરેનાં બહાનાં કરીને વધુ રકમ જમાં કરાવવાની માગણી કરવામાં આવતાં ફોડ થયાની જાણ થતાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમનાં એ.એસ.આઈ. વી.એન. કુછડીયાએ બે વોટ્સએપ નંબર ધારકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, ફ્રોડની રકમ પંજાબ, મહારાષ્ટ્ર,પ.બંગાલ અને રાજસ્થાનનાં બેન્ક ખાતામાં જમા થઈ હોવાની વિગતો સામે આવી છે.જે અંગે તપાસ શરૂૂ કરાઈ છે. બીજી તરફ કારખાને દારને કોલ કરનાર યુવતીસહિતનાં વોટ્સએપ નંબર અંગે તપાસ હાથ ધરાઈ છે.
