જય કનૈયા લાલકીના ગગનભેદી નાદ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી: લાખો ભાવિકોએ મહાઆરતી અને ગોમતી સ્નાન કર્યુ: ઠાકોરજીને 56 ભોગ મનોરથ ધરાયો: વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે શ્રાવણી અષ્ટમી એટલે કે જન્માષ્ટમી પર્વના પાવન અવસરે ગતરાત્રિએ હજારો ભાવિકોના ઘોડાપુરમાં જય મુરલીધર જય દ્વારકાધીશ જય રણછોડ માખણચોરના ગગનચુંબી જયઘોષ સાથે શ્રીકૃષ્ણ ભગવાનના પરપર માં જન્મોત્સવની ભકિતમય માહોલમાં ભવ્યાતિભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. વરસાદી માહોલમાં રાત્રિના 12ના ટકોરે શ્રી દ્વારકાધીશજીના ત્રૈલોકય સુંદર જગતમંદિરમાં જળહળતી રોશની વચ્ચે સમગ્ર દ્વારકા નગરી તેમજ બહારથી પધારેલ કૃષ્ણભકતોના માનવ મહેરામણની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. રાત્રિના 12 ના ટકોરે સર્વત્ર નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના ગગનભેદી નાદ સાથે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે પાવન અવસરે હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાનનો પણ લાભ લીધો હતો.
ભાવિકો માટે સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શહેરભરમાં વિવિધ સ્થળોએ નિ:શુલ્ક ચા-નાસ્તા-ફળાહારની સુંદર વ્યવસ્થાઓ પણ યોજવામાં આવી હતી. શ્રીકૃષ્ણ જન્મોત્સવનું લાઈવ ટેલીકાસ્ટ વિવિધ ચેનલો દ્વારા કરાયું હતું તેમજ દેશ વિદેશના ભાવિકોને જન્મોત્સવનો લહાવો મળી રહી તે હેતુ જગતમંદિરની ઓફીશીયલ વેબસાઇટ તેમજ ઓફીશીયલ સોશ્યલ મીડીયાના વિવિધ પ્લેટફોર્મસ પરથી લાઈવ ટેલીકાસ્ટ કરાયું હતું જેનો લાભ કરોડો ભાવિકોએ વિવિધ ઓનલાઈન માધ્યમથી લીધો હતો. જગતમંદિરે લાંબી લાઈનમાં પણ ઊભા રહી ભાવિકોએ કૃષ્ણ જન્મોત્સવના હોંશે હોંશે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જન્માષ્ટમી પર્વના બીજા દિવસે આજ રવિવારના રોજ શ્રાવણ વદ નૌમના સવારે ભગવાન દ્વારકાધીશના પારણા નૌમનો ઉત્સવ મનોરથ દ્વારકાધીશ જગતમંદિરમાં પરંપરાગત રીતે ઊજવવામાં આવ્યો હતો. ભગવાનના બાલસ્વરૂૂપને ઝુલામાં ઝુલાવવામાં આવ્યા હતા. બાદમાં ભગવાન દ્વારકાધીશને છપ્પનભોગ ધરાવતો અન્નકુટ મનોસ્થ દર્શન પણ યોજવામાં આવ્યો હતો જેના દર્શન મનોરથનો પણ હજારો ભાવિકોએ લાભ લીધો હતો. તેમજ ઓનલાઇનના માધ્યમથી પણ લાખો ભાવિકોએ નિહાળ્યો હતો.
દ્વારકા ખાતે છેલ્લાં આઠ વર્ષથી આહિર સમાજ આયોજિત કાન્હા વિચાર મંચના નેજા હેઠળ જન્માષ્ટમીના દિને વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગઈકાલે બપોરે ચાર વાગ્યે દ્વારકા ચરકલા હાઈવે માર્ગ પર આવેલ આહિર સમાજ ભવનના પરિસરથી વાજતે ગાજતે વિશાળ શોભાયાત્રા જય મુરલીધરના જયઘોષ સાથે નિકળી હતી.
જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર -ગુજરાતના આહિર સમાજના ભાઈઓ તથા બહેનો ભાતિગળ વેષભૂષા પરિધાન કરી આહિર સમાજની વર્ષોની પરંપરાના જીવન દર્શન શોભાયાત્રામાં જોવા મળ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના આહિર સમાજના આગેવાનો પણ શોભાયાત્રામાં જોડાયા હતા. આહિર સમાજની પરંપરાગત રાસમંડલીમાં ભાતિગળ રાસની ઝલક જોવા મળી હતી. આ શોભાયાત્રા આહિર સમાજથી પ્રારંભ થઈ ઈસ્કોન ગેઈટ, રબારી ગેઈટ અને ભદ્રકાલી ચોકના માર્ગથી પહોંચી હતી જયાં સુવર્ણ રથમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂૂપને દ્વારકાના અગ્રણીઓએ ભગવાન દ્વારકાધીશજીનો પ્રસાદરૂૂપે ફુલમાળા અર્પણ કરી યાત્રાધામમાં જોડાયેલ ભાવિક કૃષ્ણભકતોનું સ્વાગત સન્માન કર્યુ હતું.
