સ્નાન, દાન, શ્રાધ્ધ, તપ વગેરે ધર્મ-કર્મ માટે ઉતમ માસ
શ્રી ભગવાનની શાસ્ત્રની વિધિ પ્રમાણે કાર્ય કરવાની આજ્ઞા છે. (ગીતા 16:23, 16:24) તેથી વૈશાખ માસ વિશે શાસ્ત્રમાં શું કહેવાયું છે તે જાણવું જોઈએ. શ્રી સ્કંદ મહાપુરાણમાં બીજા વૈષ્ણવ ખંડમાં વૈશાખ માસનું વિસ્તૃત માહાત્મ્ય કુલ 25 અધ્યાયોમાં આપેલું છે. જેમાંથી સાવ થોડુંક, સરળ શબ્દોમાં અમારી અતિ અલ્પ સમજણ મુજબ, ભગવદ્ ભકતો અને શ્રદ્ધાળુઓને ઉપયોગી થાય ફકત તે હેતુથી જ અહીં આપ્યું છે. જેના વકતા શ્રી નારદજી છે અને શ્રોતા રાજા અંબરીષ છે.
સૂર્યોદય પહેલા અથવા પ્રાત:કાળે સ્નાન કરવું ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી. પૂજામાં પંચામૃતથી સ્નાન કરાવવું તથા તાજા પુષ્પો ભગવાનને અર્પણ કરવા પોતાની શકિત મુજબ દાન અવશ્ય કરવું. દાન બ્રાહ્મણોને તથા જરૂૂરીયાતવાળા લોકોને આપવું. આ મહિનામાં થોડાક દાનનું પણ ફળ મહાન થાય છે. જેથી પોતાની શકિત અને શ્રદ્ધા અનુસાર દાન અવશ્ય આપવું. તા. 19 એપ્રિલ 2026 રવિવારના રોજ અક્ષયતૃતીયા નો પાવનપર્વ છે. અક્ષય તૃતીયાના દિવસે ત્રેતા યુગનો પ્રારંભ થવાથી આ યુગાદિ તિથિ પણ છે.
વૈશાખ માસની ત્રીસેય તિથીઓ પુણ્યદાયિની છે. ઉપરોકત તિથીઓ ઉપરાંત શુકલ પક્ષની ત્રયોદશી, ચર્તુદશી અને પૂર્ણિમાં એ ખૂબ પૂણ્ય આપનારી છે. આમ વૈશાખ મહિનામાં યથાશકિત સ્નાન, દાન વગેરે ધર્મકાર્યો કરવા જોઈએ.
અક્ષયતૃતિયાનું શાસ્ત્રોકત મહાત્મ્ય
* વૈશાખ માસમાં તા. 19 એપ્રિલ 2026 રવિવારના દિવસે અક્ષયતૃતીયા છે. શાસ્ત્રોમાં કહ્યા મુજબ આ દિવસે સ્નાન, દાન, જપ, તપ વગેરે ધર્મ-કર્મનું પુણ્ય અક્ષય થાય છે.
* જે મનુષ્ય અક્ષય તૃતીયાના દિવસે પ્રાત:કાલમાં સૂર્યોદય સ્નાન કરે છે તે મનુષ્ય સર્વે પાપોથી મુકત થઈ શ્રી વિષ્ણુ ભગવાનના પરમ પદને પ્રાપ્ત થાય છે.
* જે મનુષ્ય અક્ષય તૃતીયાના દિવસે દેવતાઓ, પિતૃઓ અને ઋષિઓને ઉદ્દેશીને તપર્ણ કરે છે તે મનુષ્યએ બધા શાસ્ત્રો વાંચી લીધા, બધા યજ્ઞો કર્યાનું અને સો શ્રાધ્ધ કર્યાનું ફળ મેળવે છે.
* જે મનુષ્ય અક્ષય તૃતીયાના દિવસે શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરે છે તથા તે પછી શ્રીકૃષ્ણ ભગવાનની કથા સાંભળે છે તે મનુષ્ય મુકિતના ભાગીદાર બને છે.
* જે મનુષ્ય અક્ષયતૃતીયાના દિવસે જે કાંઈ સ્નાન, દાન, શ્રાધ્ધ, તપ વગેરે ધર્મ-કર્મ કરે છે તે બધુ ધર્મ-કર્મ શ્રીકૃષ્ણ ભગવાનની કૃપાથી અક્ષય થાય છે અને તેનાથી મનુષ્યના બળ, ધીરજ અને ઐશ્વર્યમાં વૃધ્ધિ થાય છે.
