કૂતરું કરડવા મામલે બે દિવસ પૂર્વે થયેલી માથાકૂટનું સમાધાન થયા છતાં મહિલા સહિતના શખ્સોનો હુમલો
જસદણ નગરપાલિકાના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ સોનલબેન વસાણી પર ગઈકાલે મોડી સાંજે તેમના ઘરમાં ઘુસી હુમલો કરવામાં આવ્યો હતો. નજીવી બાબતના મનદુ:ખમાં થયેલા આ હુમલામાં ઈજાગ્રસ્ત સોનલબેનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જસદણના ચિતલીયા કુવા રોડ પર રહેતા સોનલબેન વસાણી ગઈકાલે સાંજે પોતાના ઘરે હાજર હતા. આ દરમિયાન મનીષ ડાભી, તેમના પત્ની એકતાબેન ડાભી અને એક અન્ય અજાણી મહિલા સોનલબેનના ઘરે પહોંચ્યા હતા. આરોપીઓએ સૌપ્રથમ ઘરના દરવાજા પર ઈંટોના ઘા કરવાનું શરૂૂ કર્યું હતું. અવાજ સાંભળી સોનલબેન ઘરની બહાર આવતા જ આરોપીઓએ ઉશ્કેરાઈને દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. હુમલાખોરોએ સોનલબેન ઉપર ઈંટોના છુટા ઘા ઝીંક્યા હતા અને લાકડી વડે માર માર્યો હતો. હુમલાને પગલે થયેલી બૂમાબૂમ સાંભળી આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા અને વચ્ચે પડી ઝઘડો શાંત પાડ્યો હતો. ઈજાગ્રસ્ત સોનલબેનને તાત્કાલિક જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વિવાદના મૂળમાં બે-ત્રણ દિવસ પહેલા બનેલી એક ઘટના છે. આરોપી મનીષ ડાભીને સોનલબેનનું પાલતુ કૂતરું કરડવા દોડ્યું હતું. આ મામલે બંને પક્ષો વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઈ હતી. જોકે, તે સમયે ભાજપના આગેવાનો અને પોલીસ દ્વારા મધ્યસ્થી કરીને બંને પક્ષોને સમજાવી ઠપકો આપી મામલો થાળે પાડવામાં આવ્યો હતો. તેમ છતાં, આરોપીઓએ તે ઘટનાનો ખાર રાખી ગઈકાલે આયોજનબદ્ધ રીતે હુમલો કર્યો હોવાનું મનાય છે.
સોનલબેન વસાણી રામધામ ટ્રસ્ટ (ઝાલીડા)ના મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે પણ સેવા આપે છે. હુમલાની જાણ થતા જ હોસ્પિટલ ખાતે ભાજપના ટોચના આગેવાનો, કાર્યકરો અને લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સમાજના લોકોએ આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સોનલબેન વસાણીએ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મનીષ ડાભી અને અન્ય મહિલાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ આરોપીઓની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી રહી છે. બીજી તરફ, સામા પક્ષ દ્વારા પણ સોનલબેન સામે ફરિયાદ કરવાની હિલચાલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાએ જસદણમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે.
