મહાનગરપાલિકાની અન્ય આવક પૈકી શહેરના અલગ અલગ સ્થળો ઉપર હોર્ડિંગ્સ અને કિયોસ્ક બોર્ડ લાગવવામાંથી થઇ રહી છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન શહેરનો વ્યાપ નવી સાઇટો ઉભી કરવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. મનોરજંન સ્થળો તેમજ નવા બનેલા મુખ્યમાર્ગો ઉપર હોર્ડિંગ બોર્ડ અને કિયોસ્ક બોર્ડ કયા પ્રકારે લાગવી શકાય તેમજ સંખ્યા સહિતના મુદ્દે મહાપાલિકા દ્વારા ટૂંક સમયમાં સર્વે હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
રાજકોટ શહેરમાં 2020માં નવા પાંચ ગામો ભળ્યા બાદ વિસ્તાર વધતા હવે નવા વિસ્તારોમાં નવી હોર્ડિંગ સાઇટ્સ તેમજ જ્યાં આગળ નવા ડામર રસ્તા અને સેન્ટ્રલ ડિવાઇડરનું નિર્માણ થયું હોય ત્યાં આગળ કિઓસ્ક સાઇટ્સ ડેવલપ કરવા માટે એસ્ટેટ બ્રાન્ચ દ્વારા સર્વે શરૂૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં એસ્ટેટ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ, ન્યૂ રિંગ રોડ, મોટા મવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર, મનહરપુર સહિતના વિસ્તારોમાં હોર્ડિંગ સાઇટ્સ અને જ્યાં સેન્ટ્રલ ડિવાઇડર નિર્માણ થયા હોય ત્યાં કિઓસ્ક સાઇટ્સ ડેવલપ કરવામાં આવશે. તદઉપરાંત પ્રદ્યુમન પાર્ક ઝૂ, આજી ડેમ, ન્યારી ડેમ સહિતના પિકનિક પોઇન્ટ્સ કે જ્યાં મોટી સંખ્યામાં સહેલાણીઓની અવરજવર રહેતી હોય ત્યાં નવી હોર્ડિંગ સાઇટ્સ ઉભી કરવાનું વિચારાધિન છે.
