કટકીબાજોના પાપે ગરીબ દર્દીઓની સુવિધા છીનવાઇ, તબીબની મીલીભગતથી આચરવામાં આવેલા 20 કરોડના દવા કૌભાંડની તપાસ બાદ ગાંધીનગર આરોગ્ય વિભાગની મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી
રાજકોટમાં સરકારી દવાઓ બારોબાર વેચવાના કૌભાંડ મામલે આરોગ્ય વિભાગે તપાસ કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત જન ઔષધી કેન્દનો કોન્ટ્રાક્ટ રદ કરી તાળા મારી દેતા કટકીબાજ મેડીકલ સ્ટોરના કારણે ગરીબ દર્દીઓની સુવિધા છીનવાઈ ગઈ છે અને ગરીબ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દવા ખરીદી કૌભાંડમાં આરોગ્ય વિભાગે તપાસ કરતા હોસ્પિટલમાં દવા ખરીદીમાં ગેરરીતિ થઇ હોવાનું સામે આવ્યા અબળ કૌભાડ મામલે સ્ટોર ઇન્ચાર્જ અને તબીબની બદલી કરવામાં આવી હતી.
રાજ્યના આરોગ્ય કમિશનર ડો. હર્ષદ પટેલે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રૂૂ. 20 કરોડની દવા બારોબારથી ખરીદવામાં આવી હોવાનો મુદ્દો આ બેઠકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ અંગે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી અને દવા ખરીદીમાં નિયમોનું પાલન થયું છે કે નિયમોનો ભંગ થયો છે તેની તપાસ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, દવાઓ વધુ કિંમતે તો નથી ખરીદવામાં આવી તે ચકાસવા માટે ઓડિટ પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવા ખરીદી કૌભાંડમાં આરોગ્ય વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હોસ્પિટલમાં દવાનો કાળો કરનાર જન ઔષધી કેન્દ્ર સામે આરોગ્ય તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. અને જન ઔષધી કેન્દ્રનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દવા ખરીદીમાં ગેરરીતિ આચરનાર એક તબીબની બદલી કરવામાં આવી હતી. અને તપાસમાં જન ઔષધી કેન્દ્ર પણ શંકાના દાયરામાં હતું.
સિવિલ હોસ્પિટલમાં 20 કરોડ રૂૂપિયાના દવા ખરીદીના કૌભાંડની તપાસમાં હોસ્પિટલના સ્ટાફની સંડોવણી હોવાનું ખૂલ્યું હતું. સ્ટોર ઇન્ચાર્જ જે.કે. નથવાણી દવા ખરીદી કૌભાંડમાં મોટાપાયે સંડોવણી હોવાનું સામે આવતા બદલી કરવામાં આવી. સ્ટોર ઇન્ચાર્જ જે.કે. નથવાણીની દ્વારકા ખાતે બદલી કરવામાં આવી હતી.આરોગ્ય કમિશ્નર જયારે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે દવા ખરીદીનું કૌભાંડ સામે આવ્યું હતું. બાદમાં ડો.જે.કે. નથવાણી સહિતના જવાબદારોને બિલો ની ફાઇલ લઈ ગાંધીનગર બોલાવી તપાસ કરી હતી. તપાસમાં ગોટાળા નિકળતા બદલી કરવામાં આવી. અધિકારીઓ સાથે મળીને દવાનો કાળો કારોબારમાં સિવિલ હોસ્પિટલના જન ઔષધી કેન્દ્રના સંચાલકનું નામ પણ સામે આવ્યું હતું.
સરકારી દવાનું વેચાણ ઉપરાંત અન્ય કોઈ મેડીકલના સાધનો વેચવાની જન ઔષધી કેન્દ્રને મંજુરી નહી હોય છતાં કેટલાક મેડીકલના સાધનો તેમજ સ્ક્રુ અને હાથ કે પગમાં ફેકચર માટે ઉપયોગમાં લેવાતી પ્લેટ બજાર ભાવ કરતા 20 થી 30 ટકા નફો ચડાવી જન ઔષધી કેન્દ્રના સંચાલકો દ્વારા વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા બીજો હુકમ ન થાય ત્યાં સુધી આ જન ઔષધી કેન્દ્રને બંધ કરી દેવા હુકમ કરવામાં આવ્યો છે.
