RR પોઇન્ટ ટેબલમાં નંબર વન, હાર્દિક પંડયાની મુંબઇ ઇન્ડિયન્સની બીજી હાર
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 13મી મેચમાં રાજસ્થાન રોયલ્સ એ પોતાનો દબદબો જાળવી રાખતા મુંબઈ ઈન્ડિયન્સને 27 રને હાર આપી છે. વરસાદને કારણે વિલંબિત થયેલી આ મેચમાં રનનો એવો વરસાદ થયો કે મુંબઈના બોલરો પાસે કોઈ જવાબ નહોતો.
બીજી તરફ, હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સ માટે આ બીજી હાર છે, જે તેમને ટેબલમાં સાતમા સ્થાને ધકેલી દે છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ પર મેઘરાજાએ પહેલાથી જ પાણી ફેરવવાની કોશિશ કરી હતી. વરસાદને કારણે મેચ નિર્ધારિત સમય કરતા ઘણી મોડી શરૂૂ થઈ હતી. રાત્રે 10:10 કલાકે જ્યારે પ્રથમ બોલ ફેંકાયો, ત્યારે મેચની ઓવરમાં કાપ મૂકવામાં આવ્યો હતો. બંને ટીમો માટે રમતને 11-11 ઓવરની કરી દેવામાં આવી હતી. મુંબઈએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ રાજસ્થાનના બેટ્સમેનોએ આ નિર્ણયને ખોટો સાબિત કરવામાં જરાય વાર ન લગાડી. રાજસ્થાનની ઇનિંગ્સની શરૂૂઆત કોઈ વિસ્ફોટથી ઓછી નહોતી. સલામી બેટ્સમેન જયસ્વાલ અને યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ મેદાનના ચારેય ખૂણે ચોગ્ગા અને છગ્ગાની ઝડી લગાવી દીધી હતી. બંનેએ માત્ર 5 ઓવરમાં 80 રનની તોફાની ભાગીદારી કરીને મુંબઈને બેકફૂટ પર લાવી દીધું હતું.
વૈભવ સૂર્યવંશીએ માત્ર 14 બોલમાં 39 રન ફટકાર્યા હતા, જેમાં 5 આકાશી છગ્ગા અને 1 ચોગ્ગો સામેલ હતો. જયસ્વાલે એક છેડો સાચવી રાખીને આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 4 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકારીને સ્કોરબોર્ડને ગતિ આપી હતી. જોકે, મધ્યમાં ધ્રુવ જુરેલ માત્ર 2 રન બનાવી આઉટ થતા રાજસ્થાનને થોડો ઝટકો લાગ્યો હતો, પરંતુ તે બાદ રિયાન પરાગ અને શિમરોન હેટમાયરે જવાબદારી સંભાળી હતી. નિર્ધારિત 11 ઓવરમાં અંતે 3 વિકેટ ગુમાવીને 150 રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો. જેમાં રિયાન પરાગે કેપ્ટન જેવી જવાબદારી નિભાવતા 10 બોલમાં 20 રન (3 બાઉન્ડ્રી) અને શિમરોન હેટમાયરે છેલ્લી ઓવરોમાં જયસ્વાલ સાથે મળીને 13 બોલમાં 29 રનની અણનમ ભાગીદારી નોંધાવી.
151 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂૂઆત સારી રહી નહોતી. 11 ઓવરની મેચમાં પ્રતિ ઓવર લગભગ 14 રનની જરૂૂર હતી, જે કોઈપણ ટીમ માટે મુશ્કેલ પડકાર હતો. રાજસ્થાનના બોલરોએ ચુસ્ત લાઇન અને લેન્થ જાળવી રાખી હતી, જેના કારણે મુંબઈના મોટા હિટર્સ મુક્તપણે રમી શક્યા નહોતા. અંતે, મુંબઈની ટીમ નિર્ધારિત ઓવરોમાં લક્ષ્યાંક સુધી પહોંચી શકી નહોતી અને 27 રનથી મેચ ગુમાવી દીધી હતી. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ હવે અજેય રહીને નંબર 1 ના સ્થાને પહોંચી ગઈ છે. તેમની ટીમમાં જોવા મળતો આત્મવિશ્વાસ અને ખેલાડીઓનું ફોર્મ અન્ય ટીમો માટે ખતરાની ઘંટડી સમાન છે. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સે તેમની રણનીતિ પર ફરી વિચાર કરવો પડશે, કારણ કે સાતમા ક્રમે રહેલી આ ટીમ માટે પ્લેઓફની રેસ હવે કપરી બની શકે છે.
14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ બુમરાહની કરી ધોલાઇ
IPL 2026ની રોમાંચક મેચમાં મુંબઇ ઇન્ડીયન્સ સામે રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક અનોખો ક્ષણ જોવા મળ્યો, જ્યારે માત્ર 14 વર્ષનો યુવા ખેલાડી વૈભવે પ્રથમ વખત વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાંથી એક બુમરાહ સામે બેટિંગ કરવા ઉતર્યો. શરૂૂઆતથી જ આત્મવિશ્વાસભર્યા અંદાજમાં રમતા વૈભવે બતાવી દીધું કે તે માત્ર યુવા પ્રતિભા નથી, પરંતુ ભવિષ્યનો સ્ટાર બની શકે છે. બુમરાહ જેવા અનુભવી બોલર સામે પ્રથમ જ ઓવરમાં વૈભવે બે જબરદસ્ત છગ્ગા ફટકાર્યા. ખાસ કરીને 1.1 બોલ પરનો છગ્ગો ખૂબ જ શાનદાર હતો, જેમાં તેણે સ્લોટ બોલને સ્ટાઇલથી લોન્ગ-ઓન તરફ સ્ટેન્ડમાં પહોંચાડી દીધો. ત્યારબાદ 1.4 બોલ પર ફરી એકવાર શોર્ટ ડિલિવરીને પુલ કરીને ડીપ સ્ક્વેર લેગ તરફ ઊંચો છગ્ગો મારી દીધો. આ શોટ્સે દર્શાવ્યું કે યુવા ખેલાડી પાસે સમય, ટેકનિક અને હિંમત ત્રણેય છે. આ ક્ષણ માત્ર એક ઇનિંગ્સ નહોતી, પરંતુ IPL જેવા મોટા મંચ પર નવી પેઢીના આત્મવિશ્વાસ અને ટેલેન્ટનો પ્રદર્શન હતો. અનુભવી અને યુવા ખેલાડીઓ વચ્ચેનો આ મુકાબલો ક્રિકેટપ્રેમીઓ માટે ખાસ આકર્ષણ બન્યો. વૈભવ સૂર્યવંશીનું આ પ્રદર્શન દર્શાવે છે કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ખુબ જ ઉજ્જવળ છે. વૈભવ 14 બોલમાં 39 રન બનાવી આઉટ થયો હતો.
