ભારતીય પરમાણુ ક્રાન્તિના ભીષ્મ પિતા ડો.હોમી ભાભા વિસરાઇ ગયા

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઊર્જાના કકળાટ વચ્ચે હમણાં ભારતે એક મહત્ત્વની સિદ્ધિ મેળવી તેની બહુ નોંધ નથી લેવાઈ. બે દિવસ પહેલાં તમિળનાડુના કલપક્કમ…

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઊર્જાના કકળાટ વચ્ચે હમણાં ભારતે એક મહત્ત્વની સિદ્ધિ મેળવી તેની બહુ નોંધ નથી લેવાઈ. બે દિવસ પહેલાં તમિળનાડુના કલપક્કમ ખાતે આવેલા ’પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર’ પીએફબીઆર એ ક્રિટિકાલિટી પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી દીધો. સામાન્ય માણસને આ ટેકનિકલ ભાષામાં સમજ પડે એટલા માટે તેને થોડીક સરળ ભાષામાં સમજાવી દઈએ. રિએક્ટરનું કામ પરમાણુ ઊર્જા પેદા કરવાનું છે કે જેનો ઉપયોગ વીજળી પેદા કરવા માટે કરી શકાય છે. કલપક્કમમાં આવેલા 500 મેગાવોટના રિએક્ટરે ક્રિટિકાલિટી હાંસલ કરી તેનો અર્થ એ થયો કે, આ રિએક્ટરમાં પરમાણુ ચેઈનમાં રીએક્શન્સ આપમેળે અને નિયંત્રિત રીતે શરૂૂ થઈ ગયાં છે.

તેના કારણે રિએક્ટર બહાર ઉપયોગમાં લઈ શકાય એવી ઉર્જા તો પેદા કરશે જ પણ પોતાના માટે જરૂૂરી ઊર્જા પણ પેદા કરશે. મતલબ કે, રિએક્ટરને ચલાવવા માટે બહારથી કોઈ ફ્યુઅલની જરૂૂર નથી. મતલબ કે, રિએક્ટર જેટલી ઊર્જા ખાશે તેના કરતાં વધારે ઊર્જા ઉત્પન્ન કરશે. ભારત સિવાય રશિયાનાં રિએક્ટર્સ આ રીતે કામ કરે છે તેથી ભારતની આ સિદ્ધિ બહુ મોટી છે. આ સિદ્ધિ માટે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્ઞાનીઓ અને એન્જિનિયર્સને અભિનંદન આપ્યા પણ કમનસીબે આ સિદ્ધિના મૂળમાં જે માણસ છે એ ડો. હોમી જહાંગીર ભાભાને યાદ ના કર્યા. ડો. હોમી ભાભા ભારતના ફરગોટન હીરો છે. ભારત પરમાણુ મહાસત્તા બન્યું તેની વાત નિકળે ત્યારે ડો. અબ્દુલ કલામ જેવા બહુ પાછળથી આવેલા અને નગણ્ય યોગદાન આપનારા લોકોને શ્રેય આપી દેવાય છે કેમ કે લોકોને ઈતિહાસનું જ્ઞાન નથી.

આ કારણે ડો. ભાભા પણ ભુલાઈ ગયા પણ વાસ્તવમાં ભારતીય પરમાણુ વિજ્ઞાનના દાદા ડો. હોમી ભાભાના પ્રતાપે ભારતમાં ન્યુક્લિયર રિસર્ચ શરૂૂ થયું, બાકી આપણે તો હજુય આત્મા ને પરમાત્માની વાતોમાંથી ઉંચા ના આવતા હોત. ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ ટીઆઇએફઆર અને એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ, ટ્રોમ્બે (હવે બીએઆરસી) ની સ્થાપના કરીને ભારતમાં પરમાણુ સંશોધનના સુવર્ણ પ્રકરણની શરૂૂઆત કરી હતી. ભારતે પરમાણુ મહાસત્તા બનીને પાકિસ્તાન ને ચીન જેવાં હલકટ પાડોશીઓની બોલતી બંધ કરી દીધી ને તેમનામાં ડર પેદા કર્યો તેનો યશ ડો. ભાભાને જાય છે. ડો. ભાભા પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગના હિમાયતી હતા તેથી ભારત પરમાણુ ઊર્જાનો ઉપયોગ કરીને વીજળી પેદા કરી શકે છે તેનું શ્રેય પણ ડો. ભાભાને જાય છે. ડો. ભાભા પરમાણુ ઊર્જાનો દેશની રક્ષા કરવામાં ઉપયોગ કરવામાં પણ માનતા તેથી તેમણે પરમાણુ બોમ્બ બનાવવા માટેનું સંશોધન પણ શરૂૂ કરાવેલું. અમેરિકા સહિતના દેશો ડો. ભાભાની તાકાતને જાણતા તેથી તેમણે ડો. ભાભાની હત્યા કરાવી દીધી હોવાનું કહેવાય છે.

ડો. ભાભાનું 24 જાન્યુઆરી 1966ના રોજ, વિમાની દુર્ઘટનામાં મોત થયેલું. ડો. ભાભા એર ઇન્ડિયા ફ્લાઇટ 101માં જિનીવા જઈ રહ્યા હતા. જિનીવા એરપોર્ટ પર ઉતરવાનો પ્રયત્ન કરતી વખતે આલ્પ્સની પર્વતમાળામાં મોન્ટબ્લેન્ક નજીક પ્લેન ક્રેશ થયું તેમાં ભાભા સહિત તમામ 106 મુસાફરો અને 11 ક્રૂ સભ્યોનાં મોત થયેલાં. જિનીવા એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) અને પાઇલટ્સ વચ્ચે પર્વત પાસે પ્લેનની સ્થિતિ અંગેની ગેરસમજને કારણે વિમાન તૂટી પડ્યું એવું સત્તાવાર કારણ આપવામાં આવ્યું હતું પણ વાસ્તવમાં ભાભાની હત્યા અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએએ કરાવી હોવાનું કહેવાય છે.

યોગાનુયોગ ડો. ભાભા અને લાલ બહાદુર શાસ્ત્રીના મોત વચ્ચે 13 દિવસનો જ ગાળો હતો અને બંનેના મોતનાં રહસ્ય કદી બહાર ના આવ્યાં. ડો. ભાભાના ત્રણ તબક્કાના પહેલા તબક્કામાં યુરેનિયમ આધારિત પરંપરાગત પરમાણુ રિએક્ટર બનાવવાનો સમાવેશ થતો હતો. ભારતે ગુજરાતના કાકરાપાર સહિતનાં સ્થળે યુરેનિયમ આધારિત પરમાણુ રિએક્ટર્સ સફળતાપૂર્વક સ્થાપી દીધાં છે. બીજા તબક્કામાં ફાસ્ટ બ્રીડર ટેકનોલોજી વિકસાવીને થોરિયમનો ઉપયોગ કરીને રિએક્ટર્સ બનાવવાનાં છે અને ત્રીજા તબક્કામાં આ રિએક્ટર્સને કામ કરતાં કરીને વીજળી પેદા કરવાની છે.

દુનિયાના વિકસિત દેશો આ ટેકનોલોજી પર કામ કરતા નથી કેમ કે તેમાં જોખમ છે પણ ભારત આ ટેકનોલોજીમાં આગળ વધ્યું કેમ કે ભારત પાસે બીજા વિકલ્પ નથી. યુરેનિયમ આધારિત રિએક્ટર્સ માટે અમેરિકા સહિતના પશ્ચિમના દેશો પર નિર્ભર રહેવું પડે જ્યારે ફાસ્ટ બ્રીડર ટેકનોલોજીમાં થોરિયમ અને પ્લુટોનિયમનો ઉપયોગ થાય છે. ભારત પાસે આ બંને મોટા પ્રમાણમાં છે તેથી ભારત માટે જોખમી હોવા છતાં આ ટેકનોલોજી વધારે કારગત છે. આશા રાખીએ કે, ત્રીજા તબક્કા સુધી પહોંચવામાં બહુ મોડું ના થાય ને ઊર્જા ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *