મુંબઈ ક્રિકેટ અસોસિયેશન દ્વારા વાનખેડે સ્ટેડિયમમાં એક સ્ટેન્ડને રવિ શાસ્ત્રી નું નામ આપવામાં આવ્યું છે અને આવતીકાલેએ સ્ટેન્ડની નામકરણ વિધિ યોજાશે. સ્ટેડિયમના ત્રણ ગેટને ત્રણ મહાન ખેલાડીઓ દિલીપ સરદેસાઈ, એકનાથ સોલકર તેમ જ ડાયેના એદલજીના નામ મળ્યા છે અને એની પણ નામકરણ વિધિ કરવામાં આવશે. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, એમસીએ પ્રમુખ અજિંક્ય નાઇક તેમ જ ઍપેક્સ કાઉન્સિલના મેમ્બર્સ, હોદ્દેદારો તેમ જ ક્રિકેટરોના સમુદાયના અન્યો ઉપસ્થિત રહેશે.
પ્રેસ બોક્સની નીચે લેવલ-1 સ્ટેન્ડને ભૂતપૂર્વ ભારતીય સુકાની તથા કોમેન્ટેટર રવિ શાસ્ત્રીનું નામ મળશે. ગેટ નંબર 3, 5 અને 6ને અનુક્રમે સરદેસાઈ, એદલજી, સોલકરના નામ અપાશે. અજિંક્ય નાઇકે કહ્યું હતું કે ‘અમે આ આઇકોનિક ખેલાડીઓની વિરાસતને વાનખેડેમાં સેલિબે્રટ કરવાની સાથે ભાવિ પેઢીના ખેલાડીઓને આવા જ મૂલ્યો જાળવીને મહાન બનવા માટે પ્રેરણા આપવા માગીએ છીએ.’
