સુરતમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં ‘અરિસો’ બતાવતા સાંસદ પરસોત્તમ રૂપાલા
ભવનો બનાવવા સાથે સમાજનું ઘડતર કરવાની પણ જરૂર, નીતિ-નિયમો અંગે ગંભીરતાથી વિચારવા ટકોર
સુરતમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના કાર્યક્રમમાં લોકસભા સાંસદ પરષોત્તમ રૂૂપાલાએ સમાજની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના પડકારો અંગે ગંભીર અને મનનીય વિચારો વ્યક્ત કર્યા હતાં. આ સાથે જ જાહેર મંચ પરથી પાટીદાર સમાજને આકરી ટકોર કરી હતી.
રૂૂપાલાએ પોતાના વક્તવ્યમાં સમાજમાં આવતા પરિવર્તનો, કુરિવાજો અને આંતરિક અનુશાસન પર વિશેષ ભાર મૂક્યો હતો. પરસોતમ રૂૂપાલાએ કહ્યું હતું કે, છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેસે છે એ સમાજ માટે શરમજનક છે. બહુ મોડુ થઈ ગયું છે, આપણો સમાજ પાછળ રહી ગયો છે.
રૂૂપાલાએ જણાવ્યું હતું કે, આપણે ભવનો બનાવવાના છે, સાથે સાથે સમાજનું પણ ઘડતર કરવાની જરૂૂર છે. હવે આપણે સમાજમાં કોઈ નિયમો રાખ્યા છે? આપણું કોઈ બંધારણ છે? આપણે કોઈ નીતિ-નિયમ પ્રમાણે ચાલવું છે? એમાં હવે ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે અને અન્ય સમાજો આપણા કરતા આગળ થઈ ગયા છે. પાંચ-પચ્ચીસ વર્ષ પહેલા એવો સમય હતો કે, આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો. આજે બીજા સમાજોએ નિર્ણય કરી નાખ્યા અને આપણે તો હજી વિચારણા પણ નથી શરૂૂ કરી.
આ ખૂબ ગંભીર મુદ્દો છે, એમાં આપણે વિચારવાની આવશ્યકતા છે. કેટલાય સમાજે નિર્ણય કર્યા. એક સમાજે તો એવો નિર્ણય કર્યો કે સોનાના દાગીના દેવાના જ નહીં. સામાજિક નિર્ણય છે, નિર્ણય થઈ ચૂક્યો છે. ઘણા સમાજની અંદર સમૂહ લગ્નોના નિર્ણય થઈ ગયેલા છે કે આખા સમાજના એક જ તારીખે લગ્ન થાય – કચ્છ આહીર સમાજ, એની એક જ તારીખ, એ તારીખે જ બધાના લગ્ન થાય.
રૂૂપાલાએ વધુમાં કહ્યું કે, આપણા સમાજે આવું કાંઈ વિચારવાની આવશ્યકતા છે? અને એટલું લગ્ન પૂરતું જ નહીં બીજા ખૂબ આપણા વ્યવહારો જાત-ભાતના વધી ગયા છે. એમાંથી જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ ભવનો એ સગવડતા આપણી વધારશે પણ સામાજિક પોત જે આપણું હતું, એ પોત ઘસાતું જાય છે.
સાંસદે જણાવ્યું કે, આપણે પ્રસંગોપાત એકત્રિત થઈએ છીએ અને પછીની આપણી કોઈ ગતિવિધિ નથી, એટલે આપણામાં હમણાં થોડીક સુષુપ્તતા આવી ગઈ છે. અને એને લીધે સામાજિક નિયંત્રણો રહ્યા નથી. હજી હું એવા કાર્યક્રમોમાં જાઉં તો નેતાનું ભાષણ ચાલતું હોય, પાછળથી હરિહરની થાળી પડી જાય તે પાછળનું પડાળ ખાલી થઈ જાય. નેતા ઊભા ઊભા ભાષણ કરતા હોય પણ પાછળ કોઈ વધ્યું ન હોય! આપણે પૂછીએ કે કેમ આમ થયું? તો કે જમણવાર ચાલુ થઈ ગયો! પણ તમે સમાજના કાર્યક્રમમાં આવ્યા છો, તો સમાજનો કાર્યક્રમ એને પણ સાયન્ટિફિક રીતે બનાવો. 4 વાગ્યે શરૂૂ થશે, 6 વાગ્યે પૂરો થઈ જશે. મહેમાન આવવાના હશે એ આવશે, નહીં આવવાના હોય મોડા આવે એ 6 વાગ્યે.
રૂૂપાલુએ કહ્યું કે, કાર્યક્રમો હવેના સમય પ્રમાણે આપણે કરવા જોઈએ. ગમે ત્યારે શરૂૂ કરીએ, ભાઈ ગમે ત્યારે પૂરા કરીએ, એને લીધે આ બધા પ્રશ્નો થાય છે અને એને લીધે મંચની ગરિમા નથી રહેતી, સમાજની ગરિમા નથી રહેતી. આપણી ધાક હોવી જોઈએ કે ભાઈ આ સમાજનો કાર્યક્રમ છે એમાં ટાઈમસર પોગો, પછી ન્યા કંઈ નહીં હોય.વધુમાં સાંસદે જણાવ્યું હતું કે, પહેલા આપણા લગ્નમાં એવું થતું કે 12 વાગ્યા પછી કોઈ જમવાવાળા આવે તો પીરસનારા સામા મળે! એ આપણા સમાજની શાખ હતી, એ આબરૂૂ હતી. તે દી હારથીયા આપણે આ કરતા હતા, તે દિવસે આપણી આ શાખ હતી. હવે આ કેટરિંગ વાળાને સોંપ્યું છે એટલે ચાલ્યા રાખે છે! અને બગાડ પણ એટલો થાય છે. થાળીઓ એમ ને એમ ભરેલી ને એમ ને એમ ચાલ્યા રાખે બધું.
આ બધી ચીજોમાં આપણા સમાજની શાખ ખોવાઈ રહી છે. મૂળ વિષય આ છે. અને એ શાખ ઘવાતી ઘવાતી પછી ત્યાં સુધી ગઈ છે કે હવે દીકરા-દીકરી માનતા નથી! પણ મારો બહુ સ્પષ્ટ મત છે કે એમાં દીકરા કે દીકરીઓનો વાંક નથી, આપણો વડીલોનો વાંક છે. આપણે એને ઘડતા નથી.
રૂૂપાલાએ કહ્યું કે, આપણે હવે બધા બોલીએ છીએ કે સંગઠિત થવું જોઈએ, સંગઠન કરવું જરૂૂરી છે, તમે સંગઠિત નહીં હોવ તો આમ થશે ને તેમ થશે… અને પછી છેક અમારા સુધી ચાલે ’બટોગે તો કટોગે’. ત્યાં સુધી ચાલે અને એમાં તથ્ય છે. પણ ખરેખર સંગઠનની જરૂૂર છે ક્યાં? એવું તો કોઈક દિવસ પૂછો. સંગઠનની જરૂૂર છે આપણા ઘરમાં, આપણા કુટુંબમાં.
સમાજનું બંધારણ ઘડવાનો સમય આવી ગયો છે, હવે પરવડે તેમ નથી
પરષોતમભાઈએ કહ્યું હતું કે, કેટલી મોટી ગાંઠો આપણે હાથે કરીને ઉભી કરી રહ્યા છીએ. આખા જનરેશનો કપાઈ ગયા છે, એ સમાજના અસ્તિત્વ સામે પ્રશ્નો ઉભા થઈ ગયા છે. આ બધી બાબતોને સમાજે ગંભીરતાથી વિચારવી જોઈએ અને એ દિશામાં પ્રયાસો કરવા પડશે. એટલે મારી સમાજને વિનંતી છે કે આપણે આ મોટા કાર્યક્રમો ખૂબ સફળતાપૂર્વક કરીએ છીએ, કારોબારીઓ પણ આપણી છે, પણ હવે સમાજના શ્રેષ્ઠીઓએ ભેગા મળીને સમાજના થોડાક ધારા-ધોરણ નવા સમય પ્રમાણેના વિચારીને સમાજમાં અમલમાં આવે એના માટેના પ્રયાસો હવે કરવા પડશે. તેને વધુમાં કહ્યું કે, હવે તમે જો નહીં કરો તો મોડું બહુ થઈ જશે. ઘણું મોડું થઈ ગયેલું જ છે ઓલરેડી. એવા સંજોગોમાં જો આપણે બધા સાથે મળીએ અને સમાજને નવી દિશા એની જરૂૂરિયાત પ્રમાણેની આપીએ. તક એવી સરસ ઉભી થઈ છે, વાતાવરણ એવું સરસ ઉભું થયું છે, વિશ્વમાં ભારતનો વટ પડી રહ્યો છે. ગ્લોબલ થઈ ગઈ છે દુનિયા, ગ્લોબલ વિલેજ બની ગયું છે અને આવી જ્યારે ઉમદા તકો ઉભી થઈ હોય ત્યારે આપણા સમાજનું કોઈ માળખું જ ન હોય અને મન ફાવે એવી રીતે આપણો સમાજ હાલે એ આપણા સમાજને પરવડે નહીં. સાંસદે કહ્યું કે, રાજકોટ જિલ્લાના કોઈક સમાજે નિર્ણય લીધો અને પ્રી-વેડિંગ બંધ કરી દીધું, એવો હમણાં ઠરાવ કર્યો.હવે હું એવું નથી કહેતો કે આ બધું બંધ કરો. પોસાય એમ હોય એ ભલે બધું કરે, પણ કંઈક સમાજની તો કોઈ દોરી હોવી જોઈએ ને? કે ભાઈ આ બાઉન્ડ્રીની બહાર નહીં જવાનું. પછી એમાં હું હોય તો પણભલે અને મારો ડ્રાઈવર હોય તો પણ ભલે. બંને જણા એક લાઈનમાં રહે, એનું નામ તો સમાજ કહેવાય. નહિતર તો સમાજનો મતલબ જ શું છે? એટલે સમાજને નવેસરથી આપણાં મકાનો અને સંસ્થાઓ તો આપણે ઘડીએ, પણ સાથે સાથે સમાજને પણ બંધારણની નવી તાકાત આપવાનો પ્રયાસ નવેસરથી કરવાની જરૂૂર છે.
