બગદાણા વિવાદને લઈને કોળી સમાજમાં પ્રવર્તતા રોષ વચ્ચે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. દેવગઢ બારિયા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં સમાજને એક નવી દિશા ચીંધતા ઋષિ ભારતી બાપુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “ભવિષ્યમાં આપણો સમાજ પોઝિશનમાં નહીં, પરંતુ પાવરમાં આવે તે જરૂૂરી છે”.
દેવગઢ બારિયા ખાતે સમસ્ત દેવગઢ બારીયા કોળી સમાજ દ્વારા માંધાતા મહારાજના પ્રાગટ્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે ઋષિ ભારતી બાપુએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં કોળી સમાજની વસ્તી 3 કરોડ જેટલી છે અને વિશ્વભરમાં તે એક મોટો સનાતની વર્ગ છે.
ઋષિ ભારતી બાપુએ સમાજ સુધારણા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સમાજને ટકોર કરતા કહ્યું કે, ગુજરાત કો ઢોંગી ભલા જેવી કહેવતો પ્રચલિત છે, ત્યારે સમાજે પાખંડીઓ અને અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ.
ડાકલા, ડમરુ અને દોરા-ધાગા જેવી અંધશ્રદ્ધાઓ પાછળ સમાજને અંદાજે 20 હજાર કરોડ રૂૂપિયાનું નુકસાન જાય છે. દારૂૂ અને અન્ય વ્યસનના કારણે બરબાદ થતા પરિવારની ચિંતા વ્યક્ત કરી ભારતી બાપુએ યુવાનોને શિક્ષણ તરફ વળવા હાકલ કરી હતી.
ઘણા લોકો માંધાતા મહારાજને કાલ્પનિક ગણાવે છે તે વાતનો છેદ ઉડાડતા ઋષિ ભારતી બાપુએ પ્રત્યક્ષ પ્રમાણ રજૂ કર્યું હતું. તેમણે ઓમકારેશ્વર સ્થિત માંધાતા સ્ટેટના વર્તમાન ગાદીપતિ રાજા રાવ પુષ્પેન્દ્રસિંહજીનો પત્ર વાંચી સંભળાવ્યો હતો. જેમાં પુષ્પેન્દ્રસિંહજીએ કોળી સમાજને સંગઠિત થવા અને કુરિવાજો ત્યાગવા સંદેશ પાઠવ્યો હતો.
