શહેરની ભાગોળે કુવાડવા હાઈવે પર આવેલા હિરાસર એરપોર્ટ નજીક પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે રીક્ષાને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા સ્વાર માતાની નજર સામે જ તેના 13 મહિનાના માસુમ બાળકનું ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે માતાને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. કુવાડવાના સાયપર ગામે રહેતી પરિણીતા તેના એકના એક પુત્રને લઈ ભીમઅગિયારસ કરવા માવતરે જતી હતી ત્યારે અકસ્માતમાં માસુમ પુત્ર ગુમાવતાં પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે.જાણવા મળતી વિગત મુજબ, કુવાડવાના સાયપર ગામે રહેતી કૈલાસબેન અશવંતભાઈ ભલગામડીયા (ઉ.28) નામની પરિણીતા તેના 13 મહિનાના પુત્ર ધ્રુપાલને લઈ મોટી મોલડી ગામે તેના ભાઈ જિતેશભાઈ વિહાભાઈ મેઘાણીના ઘરે ભીમઅગિયારસ કરવા રીક્ષામાં બેસી જતી હતી ત્યારે હિરાસર એરપોર્ટ નજીક પહોંચતાં પાછળથી પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે રીક્ષાને ઠોકર મારતાં રીક્ષા બે ગોથા ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કૈલાસબેનની નજર સામે જ તેના પુત્ર ધ્રુપાલનું ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું.
અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસ મથકના યોગેશ ચૌહાણ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઈજાગ્રસ્ત કૈલાસબેનને 108 મારફત સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે પોલીસે જરૂરી કાર્યવાહી કરી માસુમ બાળકના મૃતદેહને પીએમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ધ્રુપાલના પિતા મજુરી કામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે. એકના એક પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ છવાઈ જવા પામ્યો છે. આ અંગે એરપોર્ટ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
