ચારકોટ સોલ્ડરની ભારતની પ્રથમ સર્જરી રાજકોટ સિવિલમાં કરાઇ

ડો.જય તુરખિયા અને ટીમે કરી કમાલ, બે વર્ષથી શેરિંગો માઇલ્યા બીમારીથી પીડાતી મહિલાની સર્જરી કરી ખાનગી હોસ્પિટલમાં રૂા.6 લાખના ખર્ચે થતી સર્જરી સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે…

ડો.જય તુરખિયા અને ટીમે કરી કમાલ, બે વર્ષથી શેરિંગો માઇલ્યા બીમારીથી પીડાતી મહિલાની સર્જરી કરી

ખાનગી હોસ્પિટલમાં રૂા.6 લાખના ખર્ચે થતી સર્જરી સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરી દર્દીના મોં ઉપર સ્મિત પાથર્યુ

આરોગ્ય ક્ષેત્રે ભારત વિશ્ર્વની સમકક્ષ બની રહ્યું છે. અગાઉ જટીલ રોગોની સર્જરી કરાવા માટે વિદેશ જવુ પડતુ હતુ જો કે, હવે સમય બદલાયો છે. ભારતમાં અનેક એવા જટીલ રોગોની સફળ સર્જરી કરવામાં આવી રહી છે. ત્યારે આવા જ એક ચારકોટ સોલ્ડર નામની સર્જરી ભારતમાં પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સફળતા પૂવર્ક પાર પાડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક તબીબ ડો. જય તુરખીયા અને ટીમે કમાલ કરી બે વર્ષથી શેરિંગો માઇલ્યા નામની બીમારીથી પીડાતી મહિલાની લટકતા ખભાની જટીલ સર્જરી કરી મહિલા દર્દીને પીડા માથી મુકત કરી હતી. આ જટીલ સર્જરી ખાનગી હોસ્પિટલમાં કરાવવામાં આવેતો રૂા.6 લાખ જેટલો તોતીંગ ખર્ચ થાય છે. જયારે સિવિલ હોસ્પિટલમાં મહિલાને વિના મૂલ્યે આ સર્જરી થઇ જતા તેના મો ઉપર સ્મિત ફેલાયુ હતુ.

રાજકોટમા ભગવતી પરા વિસ્તારમાં રહેતા મંજુલાબેન ડાંગર નામના 50 વર્ષિય મહિલાને ખભામાં બીમારી થઇ હતી અને ધીમેધીમે ખભામાં થતો દુખાવો વધાવા લાગ્યો હતો. રોજબરોજની દૈનિક ક્રીયાઓ કરવામાં પણ તકલીફ ઉભી થતી હતી. આ દુખાવો દીન પ્રતિદીન વધાવા લાગતા પેરેલીસીસ જેવી સ્થિતી ઉભી થઇ હતી અને હાથ ઉચો થવાનો બંધ થઇ ગયો હતો. જેથી મહિલાને અસહ્ય દુખાવો થવા લાગતા પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા તેમને ગંભીર બીમારી હોવાનું જાણવા મળ્યુ હતુ. જેથી ખભાની સર્જરી માટે છ લાખ જેટલો ખર્ચ જણાવવામા આવતા ગરીબ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. મહિલા દર્દીના પતિ રીક્ષા ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવતા હોય આટલો મોટો ખર્ચ કેમ કરી શકશે તે અંગે ચીંતા સર્જાઇ હતી.

જેથી મહિલા દર્દીને છ મહિના અગાઉ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવતા તેમને ઓર્થોપેડીક વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. જય તુરખીયા દ્વારા મહિલા દર્દીનુ ચેકઅપ કરી તેના રીર્પોટ કરાવામા આવતા મહિલા દર્દીને શેરિંગો માઇલ્યા નામની ગંભીર બીમારી હોવાનુ જણાય આવ્યુ હતુ. આ બીમારી ગળાની નસમાં દબાણ થવાથી થાય છે. જે ધીમેધીમે ખભા સુધી પહોંચતા હાથ કામ કરતો બંધ થઇ જાય છે. જેથી આ કેસમાં ચારકો સોલ્ડરમાં સર્જરી કરવી પડે છે. જેને રીવર્સ સોલ્ડર જોઇન્ટ રીપ્લેશમેન્ટ સર્જરી એટલે કે ઉંધા સાધા બદલાવવાની પ્રક્રિયા કેહવાય છે. જેથી ડો. જય તુરખીયા અને તેમની ટીમ દ્વારા તમામ રીર્પોટ પૂર્ણ કરી આ જટીલ સર્જરી કરવાનું નકી કરવામાં આવ્યુ હતુ. અને આખરે ગત શનિવારે ઓર્થોપેડીક વિભાગના ઓપરેશન થીયેટરમાં સર્જરી ચાલુ કરવામાં આવી હતી. પાંચ કલાક સુધી ચાલેલી પ્રક્રિયા બાદ સફળતા પૂર્વક સર્જરી પાડ પડતા તબીબો અને મહિલા દર્દીના પરિવારજનોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

આ સર્જરી અંગે સિવિલના ડો.જય તુરખીયાએ ‘ગુજરાત મિરર’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ચારકોટ સોલ્ડરની સર્જરી ભારતમાં અગાઉ કયારે કરવામાં આવી નથી. રાજકોટમાં પ્રથમવાર ચારકોટ સોલ્ડરની સફળ સર્જરી કરવામાં આવી છે. આ સર્જરી એટલી જટીલ હોય છે. કે,ખભાની બાજુ માંથી પસાર થતી લોહીની નળીમા જો ઇજા થાયતો દર્દીનો હાથ કાપવો પડે તેવી સ્થિતી ઉભી થાય છે. જેથી ઓપરેશન વેળાએ પૂરતી કાળજી રાખવી જરૂરી બને છે. આ સર્જરીમાં ડો. જય તુરખીયા તેમની સાથે આસિ. તરીકે રેસિડેન્ટ તબીબ અને નર્સિગ સ્ટાફ જોડાયો હતો. ચારકોટ સોલ્ડર સર્જરીમાં જે સાધા બનાવવામાં આવે છે. તે અમેરિકા અને જર્મનીની કંપની દ્વારા બનાવવામાં આવે છે.

સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડયા બાદ હાલમાં મહિલા દર્દી તબીબોની દેખરેખ હેઠળ છે. અગામી એક બે દિવસમાં તેમને ડિસ્ચાર્જ કરવામા આવશે અને ત્યારબાદ દોઢથી બે મહિના સુધી આ દર્દીને સિવિલ હોસ્પિટલમાં જ ફીઝીયોથેરાપી ટ્રેનિંગ ટીમ દ્વારા આપવામાં આવશે ડો. જય તુરખીયાએ જણાવ્યુ કે આ કેસમાં બે મહિનામા 90 ટકા સુધી મુવમેન્ટ લઇ આવાનો તેમનો ધ્યેય છે. આ ઉપરાંત તેમણે વધુમાં વધુ ગરીબ દર્દીઓ સિવિલના અનુભવી તબીબોના હુનરનો લાભ મેળવે તેમ જણાવ્યુ હતુ.

ડો. જય તુરખિયાનો પરિચય

શેરીંગો માઇલ્યા નામની ગંભીર બીમારીમાં ચારકોટ સોલ્ડરની ભારતમાં પ્રથમ જટીલ સર્જરી કરનાર રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડો. જય તુરખીયા છેલ્લા છ વર્ષથી રાજકોટ સિવિલમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓ મુંબઇની પ્રખ્યાત કોકીલાબેન અંબાણી હોસ્પિટલમાં ડોકટર દીનર્શા પારડીવાલા સાથે કામ કરી ચૂકયા છે. ડોકટર પારડીવાલા દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના ધુરંધર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની સહિતના અનેક ખેલાડીઓની સર્જરી કરી ચૂકયા છે. જયારે અપોલો હોસ્પિટલમાં ડોકટર આશિષ બાબુલકર સાથે પણ ડો. જય તુરખીયાએ કામ કર્યુ છે.

PMJAY  યોજનામાં આ સર્જરીનું પેકેજ ન હોવાથી તબીબો દ્વારા રજૂઆત કરી સારવાર કરી
આ સર્જરીનુ પેકેજ PMJAY  (મા) યોજનામાં સામેલ ન હોવાથી સરકારી હોસ્પિટલમાં ચારકોટ સોલ્ડરની સર્જરી થઇ શકતી ન હોયથી ડો.જય તુરખીયાએ ગરીબ દર્દીની મદદ આવી આ કેસ અંગે ઓર્થોપેડીક વિભાગના વડા અને સિવિલ સર્જન ડો. મોનાલી માકડીયાને વાત કરતા તેમણે સરકારમાં રજૂઆત કરી હતી. જેથી સરકાર દ્વારા આ ઓપરેશન માટે ગ્રાન્ટ ફાળવવામા આવતા સિવિલ હોસ્પિટલમાં મહિલા દર્દીની વિનામૂલ્યે સર્જરી કરવામાં આવી હતી. આ ઓપરેશન જો ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો રૂા.6 લાખનો ખર્ચ થાય છે. તેના બદલે સિવિલમાં એક પણ રૂપિયો ખર્ચ્યા વગર ઓપરેશન થઇ જતા દર્દીઅને તેના પરિવારના મો ઉપર સ્મિત ફેલાયુ હતુ અને તબીબો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *