વિકટ કાળે ભારતને રશિયાથી ક્રૂડ આયાત કરવા ટ્રમ્પની મંજૂરી

ત્રીસ દિવસ સુધીની વિશેષ છૂટ આપતા સૂચિતાર્થ એ પણ છે કે યુધ્ધ અને ઉર્જા સંકટ એક મહિનો લાંબુ ચાલશે : મધદરિયે અટકેલા ઓઈલ ટેન્કરો રશિયા…

ત્રીસ દિવસ સુધીની વિશેષ છૂટ આપતા સૂચિતાર્થ એ પણ છે કે યુધ્ધ અને ઉર્જા સંકટ એક મહિનો લાંબુ ચાલશે : મધદરિયે અટકેલા ઓઈલ ટેન્કરો રશિયા ભણી રાવાના

દુનિયાભરના દેશો માટે પેટ્રોલિયમ પુરવઠા લાઈનને ખોરવી નાંખનારા મધ્ય પૂર્વ સંગ્રામને કારણે અમેરિકાએ રાતોરાત ભારતને રશિયન ક્રુડ ઓઈલ ખરીદવા માટે રાતોરાત એક મહિના માટે મંજુરી આપવી પડી છે. અમેરિકાએ ભારત પર રશિયન ક્રુડ આયાત ઘટાડવા અને ક્રમશ: બંધ કરવા માટે કરેલો હુકમ અને પ્રતિબંધ ઉઠાવી લેતા ભારત માટે વૈશ્ર્વિક પેટ્રોલિયમ પુરવઠા સંકટ વચ્ચે સ્થિતિ હળવી થઈ છે. જો કે ગઈકાલે જ રશિયાએ સામેથી મિત્ર ભાવે ભારતને વર્તમાન કટોકટીમાં પેટ્રોલિયમ પુરવઠો મોકલવા દરખાસ્ત કરી હતી.

યુક્રેન યુધ્ધને કોઈપણ રીતે અંકુશમાં લેવા અને રશિયન તાકાત ઘટાડવા માટે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના અનેક દેશો પર રશિયન આયાતો સ્થગિત કરવાના પ્રતિબંધો ફટકાર્યા હતાં. ભારત સરકાર સાથે પારસ્પરિક ટેરિફ અંગેના દ્વિપક્ષીય વાર્તાલાપોમાં ટોચનો મુસદ્દો રશિયન ક્રુડ આયાત અટકાવવાનો હતો, ત્યારથી ભારત અમેરિકા સહિતના વિકલ્પો દ્વારા પેટ્રોલિયમ પેદાશો આયાત કરતું હતું. અમેરિકી પ્રતિબંધ એક મહિના માટે ઉઠાવી લેવાતા ભારત-રશિયા ક્રુડ વ્યાપાર પૂર્વવત રાબેતા મુજબ શરૂ થઈ જશે.

આંતરરાષ્ટ્રીય તખ્તા પર અમેરિકાએ ભારતને એક મહિના માટે રશિયન ક્રુડ આયાત કરવાની જે છુટ આપી છે તેને અલગ સુચિતાર્થ તરીકે પણ જોવામાં આવે છે. જેનો એક ઈતર અર્થ એ થાય છે કે અમેરિકા ખુદ માને છે કે અખાતી સંઘર્ષ એક મહિનો લાંબો ચાલવાની પુરી શકયતા છે.

ઈરાન યુદ્ધને કારણે સર્જાયેલા તેલ સંકટ વચ્ચે, અમેરિકાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેણે રશિયાને 30 દિવસ માટે ભારતને તેલ વેચવાની કામચલાઉ છૂટ આપી છે. આનાથી મહિનાઓથી દરિયામાં ફસાયેલા રશિયન તેલ જહાજોને રાહત મળશે, જે ખરીદદારો શોધી શકતા નથી. અહેવાલ છે કે ઈરાન યુદ્ધ દરમિયાન વૈશ્વિક તેલ બજાર પર દબાણ ઓછું કરવા માટે અમેરિકાએ દરિયામાં ફસાયેલા રશિયન તેલનું ભારતને વેચાણ કરવાની મંજૂરી આપી છે. આ 30 દિવસની કામચલાઉ છૂટ છે.

યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોર બેસન્ટે આ જાહેરાત કરી હતી. વરિષ્ઠ અમેરિકન અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે રશિયાના ઉર્જા ક્ષેત્ર પર લાદવામાં આવેલા પ્રતિબંધો સંબંધિત હાલના પ્રતિબંધો છતાં શિપમેન્ટ આગળ વધવા માટે વોશિંગ્ટને 30 દિવસની છૂટ મંજૂર કરી છે.

યુક્રેન યુદ્ધ શરૂૂ થયા પછી અમેરિકાએ વિવિધ દેશોને રશિયન તેલ ન ખરીદવાની ધમકી આપી હતી. પશ્ચિમી દેશોએ પણ મોસ્કો પર પ્રતિબંધો લાદ્યા હતા. પરંતુ ભારત રશિયન તેલના સૌથી મોટા ખરીદદારોમાંના એક તરીકે ઉભરી આવ્યું હતું. ટ્રમ્પની ધમકીઓ છતાં, ભારતે રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું. તેનાથી એ સ્પષ્ટ સંદેશ પણ મળ્યો કે ભારત નક્કી કરશે કે તેલ ક્યાંથી ખરીદવું.

ખરેખર, રશિયન તેલ ટેન્કરો સમુદ્રમાં ફસાયેલા હતા કારણ કે નવા યુએસ પ્રતિબંધો અને ચુકવણી અને વીમા અંગેની અનિશ્ચિતતાને કારણે તેમનું તેલ તાત્કાલિક ઉતારવામાં આવી રહ્યું ન હતું. યુએસએ રશિયન તેલમાં સામેલ કેટલીક શિપિંગ કંપનીઓ અને ટેન્કરો પર કડક પ્રતિબંધો લાદ્યા હતા. આનાથી ઘણા જહાજો માટે વીમા, ચુકવણી અને બંદર પ્રવેશ અંગે પ્રશ્નો ઉભા થયા.

નવીનતમ માહિતી અનુસાર, રાજ્ય માલિકીની રિફાઇનરીઓ – ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને મેંગલોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ લિમિટેડ – વહેલી ડિલિવરી માટે રશિયન ક્રૂડ તેલ ખરીદવા માટે વેપારીઓ સાથે વાટાઘાટો કરી રહી છે.

ભારતીય કેન્દ્ર સરકારની માલિકીની તેલ રિફાઇનરીઓએ પહેલાથી જ વેપારીઓ પાસેથી આશરે 20 મિલિયન બેરલ રશિયન તેલ ખરીદ્યું હોવાનું કહેવાય છે. કેટલીક રિફાઇનરીઓ માટે, આ પગલું રશિયન પુરવઠાના વળતરનો સંકેત આપે છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ઇંઙઈક અને ખછઙક ને છેલ્લે નવેમ્બરમાં રશિયન ક્રૂડ ઓઇલ શિપમેન્ટ મળ્યું હતું.

ઈરાન-ઈઝરાયેલ યુધ્ધ જલ્દી ખતમ કરો : વડાપ્રધાન મોદી
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું ઈરાન અને ઈઝરાયેલનું યુદ્ધ હવે અત્યંત વિનાશક વળાંક પર પહોંચ્યું છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે ભારત હંમેશા શાંતિનો પક્ષધર રહ્યો છે. ફિનલેન્ડના નેતાઓ સાથેની દ્વિપક્ષીય વાતચીત દરમિયાન પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આ યુદ્ધ જલ્દી ખતમ થવું જોઈએ કારણ કે હિંસા અને સૈન્ય સંઘર્ષ ક્યારેય કોઈ કાયમી ઉકેલ લાવી શકતા નથી. રશિયા-યુક્રેન યુદ્ધ વખતે પણ પીએમ મોદીએ કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી. હવે મિડિલ ઈસ્ટ સંકટમાં પણ ભારતની ભૂમિકા ખૂબ જ મહત્વની બની ગઈ છે, કારણ કે ભારત ઈરાન અને ઈઝરાયેલ બંને સાથે મજબૂત સંબંધો ધરાવે છે. વૈશ્વિક સમુદાય ભારત તરફ એક એવા મધ્યસ્થી તરીકે જોઈ રહ્યો છે જે આ જંગને અટકાવી શકે. વડાપ્રધાન મોદીની આ અપીલ એવા સમયે આવી છે જ્યારે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે ઊભી છે. ભારતની આ શાંતિ મંત્રણા જો સફળ થાય, તો તે લાખો લોકોના જીવન બચાવી શકે છે.

 

અમેરિકા-ઇઝરાયેલ ને એના બધા ટેકેદારો માટે જ હોર્મુઝ બંધ: ઇરાન
મધ્ય પૂર્વના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાન દ્વારા તાજેતરમાં કરાયેલું એલાન ભારત માટે પણ સૌથી મોટો અને રાહતના સમાચાર માની શકાય છે. હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાને નવો ફતવો જાહેર કર્યો છે, જેમાં ભારતને મોટી છૂટ મળવાના સંકેત દેખાય રહ્યા છે. ઈરાની સેનાના સત્તાવાર નિવેદન મુજબ, આ દરિયાઈ રસ્તો માત્ર અમેરિકા-ઈઝરાયલ અને તેમના સહયોગી દેશો માટે જ બંધ કરવામાં આવ્યો છે. ભારત માટે હોર્મુઝની સામુદ્રધુની લાઇફ લાઇન છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ગુરુવારે સ્પષ્ટ કર્યું છે કે તેમણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર પર જે પ્રતિબંધ મૂક્યો છે તે માત્ર અમેરિકા, ઈઝરાયલ, યુરોપ અને તેમના સહયોગીઓ માટે જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *