બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) એ ટીમ ઈન્ડિયા (સીનિયર પુરુષ)ની આગામી ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય સીઝન 2026-27ના ફિક્સ્ચરનું અનાવરણ કર્યું છે. આ સીઝનમાં ચાર વિદેશી ટીમો વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા ની મુલાકાત લેવાની છે. મલ્ટી-ફોર્મેટ સિડ્યુલમાં કુલ 22 આંતરરાષ્ટ્રીય મેચો 17 વિવિધ શહેરોમાં રમાશે, જે દેશભરના ક્રિકેટ પ્રેમીઓને ટોપ-ક્લાસ ક્રિકેટનો આનંદ માણવાની તક આપશે.
સીઝનની શરૂૂઆત વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસથી થશે, જે 27 સપ્ટેમ્બર 2026થી શરૂૂ થશે. આ પ્રવાસમાં ત્રણ વનડે મેચો અને પાંચ ટી-20 મેચોનો સમાવેશ છે. વનડે સિરીઝ તિરુવનંતપુરમ (ત્રિવેન્દ્રમ), ગુવાહાટી અને નવી ચંડીગઢમાં રમાશે. ત્યારબાદ ટી-20 સિરીઝ લખનઊ, રાંચી, ઈન્દોર, હૈદરાબાદ અને બેંગ્લોરમાં યોજાશે.
ડિસેમ્બર 2026માં શ્રીલંકા ભારતની મુલાકાતે આવશે, જ્યાં ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની સફેદ બોલની સિરીઝ રમાશે. વનડે મેચો દિલ્હી, બેંગ્લોર અને અમદાવાદમાં થશે, જ્યારે ટી-20 મેચો રાજકોટ, કટક અને પુણેમાં યોજાશે.
નવા વર્ષની શરૂૂઆતમાં જાન્યુઆરી 2027માં ઝિમ્બાબ્વે ત્રણ વનડે મેચોની સિરીઝ માટે ભારત આવશે. આ મેચો કોલકાતા, હૈદરાબાદ અને મુંબઈમાં રમાવાની છે.સીઝનની સૌથી આકર્ષક અને પ્રતિષ્ઠિત સિરીઝની સમાપ્તિ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સાથે થશે. ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ 21 જાન્યુઆરી 2027થી નાગપુરમાં શરૂૂ થશે. ત્યારબાદ મેચો ચેન્નઈ, ગુવાહાટી, રાંચી અને અમદાવાદમાં રમાશે. વિશ્વ ક્રિકેટની બે મહાન ટીમો વચ્ચેની આ લડાઈ ખૂબ જ જોરદાર અને યાદગાર બનવાની અપેક્ષા છે.
