અરૂણ જેટલી સ્ટેડિયમમાં નિર્માણકાર્ય ચાલી રહ્યું છે
ભારત અને શ્રીલંકા વચ્ચે આગામી ડિસમ્બર માસમાં ત્રણ વન-ડે મેચની શ્રેણી યોજાનાર છે. જેમાં અગાઉ પ્રથમ વન-ડે મેચ નવી દિલ્હીને ફાળવવામાં આવી હતી. બીજી મેચ બેંગ્લુરુમાં અને ત્રીજી મેચ અમદાવાદ ખાતે રમાનાર છે. જોકે, મળતી માહિતી મુજબ પ્રથમ વન-ડે દિલ્હીના સ્થાને અમદાવાદ ખસેડાય તેવી શક્યતાઓ છે. ઓક્ટોબર-નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસ બાદ ભારતીય ટીમ પરત ફરશે ત્યારે ડિસેમ્બરમાં શ્રીલંકાની યજમાની કરનાર છે.
બંને વચ્ચે વન-ડે મેચની સિરીઝ બાદ 3 મેચની ટી-20 સિરીઝ પણ રમાનાર છે. બીસીઆઈ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ પ્રથમ મેચ નવી દિલ્હીના અરુનણ જેટલી સ્ટેડિયમમાં રમાનાર હતી. જોકે, અરુણ જેટલી સ્ટેડિયમમાં ચાલી રહેલા નિર્માણ કાર્યને કારણે બીસીસીઆઈ દ્વારા બંને વચ્ચેની પ્રથમ વન-ડે અમદાવાદ ખસેડાય તેવી શક્યતાઓ છે. ભારત-શ્રીલંકા વચ્ચે ત્રીજી વન-ડે અમદાવાદમાં રમાનાર છે. હવે જો પ્રથમ વન-ડે અમદાવાદમાં ખસેડાય તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શ્રીલંકા સામે બે મેચની યજમાની મળી રહેશે. બંને દેશો વચ્ચેની મેચના કાર્યક્રમ મુજબ, ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ વન-ડે 13મી ડિસેમ્બરે, બીજી વન-ડે 16મી અને ત્રીજી વન-ડે 19મી ડિસેમ્બરના રોજ રમાનાર છે.
