ભારત-પાક. યુધ્ધ બંધ કરાવ્યાનો ટ્રમ્પ પછી ચીનનો દાવો: મોટાભા થવાની સૌને ઘેલછા

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ઓછા પડતા હતા તે હવે ઓપરેશન સિંદૂરના મામલે ચીન પણ મેદાનમાં આવ્યું છે. ટ્રમ્પ 8 મહિનાથી રેકર્ડ વગાડ્યા કરે છે કે,…

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ઓછા પડતા હતા તે હવે ઓપરેશન સિંદૂરના મામલે ચીન પણ મેદાનમાં આવ્યું છે. ટ્રમ્પ 8 મહિનાથી રેકર્ડ વગાડ્યા કરે છે કે, પહલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન પર હુમલો કરાવ્યો ત્યારે પોતે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો હતો. ટ્રમ્પ અત્યાર લગીમાં 50થી વધુ વાર પોતે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યાની ફિશિયારી મારી ચૂક્યા છે. હવે ચીને પણ એ જ સૂર છેડીને કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને બંધ કરાવવામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી.

ચીનના વિદેશ મંત્રી વાંગ થીએ દાવો કર્યો છે છે. કે, એપ્રિલ-મેમાં બંને દેશો સામસામે આવી ગયેલા અને યુદ્ધની નોબત આવી ગયેલી ત્યારે પોતે વચ્ચે પડીને તણાવ ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો. વાંગ ચીએ એવી ડંફાશ પણ મારી છે કે, ચીન દુનિયામાં ઘણે ઠેકાણે સંઘર્ષો ટાળવામાં અને યુદ્ધોને રોકવામાં મદદ કરતું રહ્યું છે તેથી ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઘટાડવા ચીને મધ્યસ્થી કરી હતી તેમાં કંઈ નવાઈ નથી. ચીનના વિદેશ મંત્રાલયે તેમના આ નિવેદનને સોશ્યલ મીડિયા પર મૂક્યું છે તેનો અર્થ એ થયો કે, ચીન સરકારનું આ સત્તાવાર વલણ છે.

ભારત સરકારે રાબેતા મુજબ જ ચીનના દાવાને નકારી કાઢ્યો છે. ટ્રમ્પની ફિશિયારી વખતે જ ભારતે ચોખવટ કરી દીધેલી કે, યુદ્ધવિરામમાં કોઈ પણ ત્રીજા દેશ કે પક્ષકારની કોઈ ભૂમિકા નહોતી. સીધો ભારત અને પાકિસ્તાની લશ્કરના ડીજીએમઓની ટેલીફોનિક વચ્ચેની વાતચીતથી જ યુદ્ધવિરામ થયો હતો. ત્રીજા દેશ કે પક્ષકારની કોઈ ભૂમિકા નહોતી એવું ભારતે કહેલું તેમાં બધું જ આવી ગયેલું. તેમાં ચીન પણ આવી ગયું ને અમેરિકા પણ આવી ગયું ને કાલે કોઈ બીજો દેશ કે સંસ્થા ઊભી થઈને આ દાવો કરે તો એ પણ આવી ગયાં. અલબત્ત મોદી સરકારે ઓપરેશન સિંદૂર મુદ્દે કેટલાક સવાલોના જવાબ પણ આપવા જોઈએ કેમ કે ઘણા સવાલોના સંતોષકારક જવાબ નથી મળ્યા.

પહેલો સવાલ એ છે કે, ડોનલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયાં છે તેની જાહેરાત ભારત કે પાકિસ્તાન પહેલાં કેમ કરી ? ભારતે સત્તાવાર રીતે યુદ્ધવિરામ સ્વીકાર્યો તેના 4 કલાક પહેલાં ટ્રમ્પે એલાન કરી દીધેલું. ટ્રમ્પને યુદ્ધવિરામની ખબર પહેલાં કઈ રીતે પડી ગઈ તેનો સંતોષકારક જવાબ નથી મળતો. ભારતે યુદ્ધવિરામ સ્વીકાર્યાની આગોતરી જાણ અમેરિકાને કરી હોય ને ટ્રમ્પ જશ ખાટવા પોતે મોટા ભા બની ગયા હોય એ શક્ય છે પણ સરકારે સ્પષ્ટતા નથી કરી એ હકીકત છે. આતંકવાદ સામેની લડાઈમાં આપણી સરકાર જે કંઈ કરે તેને આખા દેશનો ટેકો હોય જ એ કહેવાની જરૂૂર નથી પણ સામે સરકારે પણ દેશનું ગૌરવ જળવાય એ રીતે વર્તવું જરૂૂરી છે. પારદર્શક બનીને લાકો સામે હકીકતને મૂકવી જરૂૂરી છે પણ કમનસીબે સરકાર એવી પારદર્શિતા નથી બતાવી શકી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *