હિંસક કૂતરાઓને ઇન્જેકશન આપીને મારી નાખવા સુપ્રીમ કોર્ટે પણ રજા મંજૂરી આપી દીધી, હવે તો રાજકોટ મનપા તંત્ર જાગો
શહેરમાં અમુક વિસ્તારમાં રાત્રે તો ઠીક, ધોળા દિવસે નીકળવું હોય તો પણ રઘવાયા કૂતરાઓ ત્રાસવાદી બનીને તૂટી પડે છે
RMCની કહેવાતી ખસીકરણ ઝૂંબેશ વચ્ચે પણ શહેરમાં શ્વાનના વસતી વિસ્ફોટ અટકાવવામાં મનપાને ‘હડકવા’ લાગી ગયો!!
રાજકોટમાં મહાપાલિકાની કહેવાતી ખસીકરણ ઝૂંબેશ વચ્ચે પણ કુતરાઓનો વસ્તી વિસ્ફોટ બેકાબૂ બની ગયો છે. ડાઘિયાઓ રિતસર કાળો કેર વર્તાવે છે. અમુક વિસ્તારમાં રાત્રે તો ઠીક, ધોળા દિવસે નીકળવુ હોય તો પણ રઘવાયા કૂતરાઓ ત્રાસવાદી બનીને તૂટી પડે છે. ડોગ બાઇટના કેસ સતત વધતા જાય છે. ચાલુ વર્ષ 2026માં જાન્યુઆરીથી એપ્રિલ આ ચાર મહિનામાં 6 હજારથી વધુ રાહદારીઓને કુતરાઓએ બટકા તોડી લેતા હોસ્પિટલે ઇન્જેકશન લેવા પડ્યા હોવાના સતાવાર ચોંકાવનારા આંકડા મળ્યા છે. સુપ્રિમ કોર્ટે આજે એવી સ્પષ્ટ રજા મંજૂરી આપી છે કે, શેરી-ગલ્લી-લતાઓમાં હિંસક કુતરાઓને ઇન્જેકશન મારીને મારી નાંખો. રાજકોટમાં શ્વાસનો જે રીતે વસતિ વિસ્ફોટ બેકાબૂ છે તે જોતા સુપ્રિમ કોર્ટની રજા મંજૂરીની કોઇની બીક રાખ્યા વગર અમલ કરવામા આવે તેવી તાતી જરૂૂર છે.
સુપ્રિમ કોર્ટ દ્વારા રખડતાં કુતરાઓનો જાહેરસ્થળોએથી ત્રાસ દુર કરવા માટે આદેશ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા આ માટેની જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવામાં મહાનગરપાલિકા ઉણી ઉતરી છે. અને શહેરમાં રખડતાં કુતરાઓનો ત્રાસ યથાવત છે. ત્યારે 2026ના જાન્યુઆરી થી એપ્રિલ મહિના સુધીમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં 6 હજાર નાગરિકોને રખડતાં કુતરાઓએ બટકાં ભર્યાનું સત્તાવાર રીતે નોંધાયું છે.
સુપ્રિમ કોર્ટ દ્વારા જાહેર સ્થળોએ રખડતાં કુતરાઓનો ત્રાસ દુર કરવા થોડા સમય પહેલા પણ આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશના પગલે રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. પણ મહાનગરપાલિકા દ્વારા તેનો યોગ્યરીતે અમલ થયો નથી. આ કારણે રાજકોટમાં રખડતાં કુતરાઓનો ત્રાસ યથાવત છે. આજે ફરીથી સુપ્રિમ કોર્ટે ખતરનાર અને બીમાર કુતરાઓને ઇન્જેકશ્ન આપી મારી નાખવા અને જો કોઇ અધિકારી આ આદેશનો પાલન ન કરે તો તેની સામે અવમાનનો કેસ કરવા માટે આદેશ કરતાં મહાનગરપાલિકા તંત્ર ફરીથી દોડતું થયું છે.
સુપ્રિમ કોર્ટ દ્વારા લાંબા સમય પહેલા કરાયેલા આદેશનો મહાનગરપાલિકા દ્વારા અમલ ન થતાં શહેરમાં રખડતાં કુતરાઓ અને શેરી કુતરાઓ (સ્ટ્રીટ ડોગ)નો ત્રાસ વધી રહ્યો છે. શ્ર્વાન વ્યંધીકરણના પોકળ દાવાઓ વચ્ચે 2026ના જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધીમાં મહાનરપાલિકાના આરોગ્ય કેન્દ્રો, સરકારી પીડીયુ હોસ્પિટલ અને પદ્યકુંવરબા હોસ્પિટલમાં કુતરાં કરડવાના 6 હજાર કેસ સત્તાવાર રીતે જાહેર થયા છે. જ્યારે 2025ના જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના સુધીમાં 17634 કેસ જાહેર થયા હતા.
સુપ્રિમ કોર્ટના આદેશ છતાં પણ મહાનગરપાલિકા કુતરાનો ત્રાસ કાબુમાં અને શ્ર્વાન વ્યંધીકરણમાં નિષ્ફળ રહી છે. ગત વર્ષની વાત કરીએ તો જાન્યુઆરી માસમાં મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં 692, પીડીયુ સરકારી હોસ્પિટલમાં 603 અને પદ્મકુંવરબા હોસ્પિટલમાં 349 મળીને કુલ 1644, ફેબ્રુઆરી માસમાં અનુક્રમે 527, 575, અને 261 સહિત કુલ 1363, માર્ચ મહિનામાં 495, 578, 304 સહિત કુલ 1377, એપ્રિલ મહિનામાં 490, 571,325 સહિત કુલ 1386, મે મહિનામાં 552, 541, 294 સહિત કુલ 1387, જૂન મહિનામાં 513, 529,260 સહિત કુલ 1302, જૂલાઇ માસમાં 586, 586 અને 300 સહિત કુલ 1475, ઓગસ્ટ મહિનામાં 373, 717, 268 સહિત કુલ 1358, સપ્ટેમ્બર મહિનામાં 490, 565 અને 267 સહિત કુલ 1322, ઓક્ટોબર મહિનામાં 512, 667 અને 313 સહિત કુલ 1492, નવેમ્બર મહિનામા 653, 665 અને 346 સહિત કુલ 1664, અને ડિસેમ્બર મહિનામાં 769, 716 અને 379 સહિત કુલ 1864 કેસ જાહેર થયા હતા. આમાં મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં 6652 સરકારી પીડીયુ હોસ્પિટલમાં 7313 અને પદ્મકુંવરબા હોસ્પિટલમાં 3669 સહિત આખા વર્ષ દરમિયાન 17,634 કેસ જાહેર થયા હતા.
કૂતરાઓ ધોળા હાથી જેવા પડે છે, ખસીકરણ પાછળ પ્રતિ ડોગ રૂા.1850થી વધુ ખર્ચ
છેલ્લા 10 વર્ષમાં રસીકરણ પાછળ થયેલા કરોડોના ખર્ચમાં મોટાભાગનો કાગળ પર થયો કે શું?
અત્યાર સુધી સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ જે વિસ્તાર, જે શેરીમાંથી કુતરાને પકડવામા આવ્યું હોય એ જ વિસ્તારમાં ઓપરેશન બાદ છોડવુ ફરજિયાત છે. ઓપરેશન બાદ ત્રણ દિવસ સુધી ઓપરેશનના કેમ્પ સ્થળે જ દેખરેખ હેઠળ રાખવુ પડે છે. વિસ્તારમાંથી લઇ આવવુ, ઓપરેશન બાદ ત્રણ દિવસ સારસંભાળ અને ફરી એ જ વિસ્તારમાં છોડવા જવા સુધીનો પ્રતિ ડોગ રૂૂ.1850નો ખર્ચ મનપાને થાય છે.
શા માટે શ્વાનની વસતી નિયંત્રણમાં નથી આવતી? આ છે કારણ
કૂતરાના વસતી વધારાને નિયંત્રણમાં ન રાખી શકવા પાછળાના અનેક કારણો છે. એ પૈકી સૌથી મોટુ પરિબળ એ છે કે, એક સાથે ધોંસ બોલાવવાના બદલે છૂટક કૂતરાઓને પકડીને ખસીકરણ થાય છે. પરિણામે જે તે વિસ્તારમાં બાકી રહી જતા કૂતરાથી વસતી વધારો સતત થતો રહે છે. બીજુ એક કારણ એ પણ છે કે, જીવદયાપ્રેમીઓનો હસ્તક્ષેપ વધુ રહે છે. મનપાનો સ્ટાફ શ્વાનને ખસીકરણ માટે લઇ જવા આવે એટલે પાલતુ શેરી શ્વાનને લતાવાસીઓ સંતાડી દે છે. કાં તો મનપાના સ્ટાફ સાથે માથાકૂટ કરે છે.
ગત વર્ષે 2025માં અધધધ..
17634 રાહદારીઓ બન્યા ડોગ બાઇટના શિકાર
મહિનો ડોગ બાઇટ કેસ
જાન્યુઆરી 1644
ફેબુઆરી 1363
માર્ચ 1377
એપ્રિલ 1386
મે 1387
જૂન 1302
જુલાઇ 1475
ઓગસ્ટ 1358
સપ્ટેમ્બર 1322
ઓક્ટોબર 1492
નવેમ્બર 1664
ડિસેમ્બર 1864
