ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે હોદ્દેદારોની વરણી થઈ રહી છે. ત્યારે ચૂંટણી વખતનું મનદુ:ખ હજી સમાયું નથી. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી પહેલા જ કહ્યું હતું કે, આ ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે. તેમના આ નિવેદન પ્રમાણે ક્યાંક એ પ્રમાણેના પરિણામો પણ જોવા મળ્યા છે. ત્યારે તેમણે ફરીવાર એક નિવેદન આપીને વિવાદ ઉભો કર્યો છે. તેઓ નર્મદાના ડેડિયાપાડા ખાતે ભાજપની એક બેઠકમાં પહોંચ્યા હતાં અને જિલ્લા પ્રમુખ સામે પરાજયનો આરોપ લગાવ્યો હતો.
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લામાં જે જગ્યાએ ભાજપનો પરાજય થયો છે તેનો દોષનો ટોપલો જિલ્લા પ્રમુખ પર નાંખતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના જિલ્લા પ્રમુખ મળેલા છે. તેઓ પ્રમુખનો હોદ્દો મળ્યો છે એટલે મન ફાવે તેવું કરે છે. ભાજપના કાર્યકરોએ નીલ થી ડરવાની જરૂૂર નથી. ચૂંટણીમાં ખોટો પ્રચાર કરી રહેલા ચૈતર વસાવા સામે કાઉન્ટર કરવાની જગ્યાએ ભાજપના પ્રમુખ નીલ રાવ ઓફિસમાં બેસી રહે છે.
મનસુખ વસાવાએ એવો આરોપ લગાવ્યો હતો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના મહામંત્રી કે જિલ્લા પ્રમુખ કોઈ જગ્યાએ પ્રચારમાં નીકળ્યા નહીં એટલે પરાજય થયો છે. આ ભાજપ છે કોઈનું પણ આ પ્રકારનું વલણ ચલાવી નહીં લેવાય. નર્મદા જિલ્લામાં હાર પાછળનું મુખ્ય કારણ જિલ્લા પ્રમુખ નીલ રાવ છે.
તેમણે ભાજપના સિનિયર નેતાઓને પૂછ્યું જ નહીં તેનું આ પરાજયનું પરિણામ આવ્યું છે. મનસુખ વસાવાના નિવેદનને લઈને નર્મદા જિલ્લામાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
