પોલીસ હેડ કર્વાટરમાં આવેલી લાયબ્રેરીમાં વાચવા ગયો ત્યારે આરોપીએ પગ અડાડતા ડખ્ખો: ઇજાગ્રસ્ત સારવારમાં
શહેરના પોલીસ હેડ કર્વાટરમાં આવેલી લાયબ્રેરીમાં વાચવા ગયેલા પોલીસ ભરતીની તૈયારી કરતા લાઇનબોય યુવાન પર પાંચ શખ્સો ધોકા વડે હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આરોપી પગ અડાડતો હોય જેથી યુવાને ના પાડતા ડખ્ખો કરી બહાર બોલાવી હુમલો કર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ પોલીસ હેડ કર્વાટરમાં રહેતો લાઇનબોય હર્ષિતસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉંમર વર્ષ 21) આજે બપોરે 12 વાગ્યા આસપાસ પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલી લાઇબ્રેરીમાં વાંચતા હતા ત્યારે તેમની પાસે બેઠેલા પૂર્વદિપસિંહે હર્ષિતસિંહને પગ અડાતા તેને પગ અડાડવાની ના પાડતા તેણે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ તેણે બહાર બોલી અન્ય શખ્સો સાથે મળી ધોકા વડે હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
હર્ષિતસિંહએ જણાવ્યા મુજબ, તેમણે હાલમાં જ કોલેજનો અભ્યાસ ગ્રેજ્યુએટ પૂરું કર્યું છે. હાલ તેઓ પોલીસની ભરતી અંગેની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે. સવારે તેઓ લાઇબ્રેરી ગયા હતા અને ત્યાં વાંચન કરી રહ્યા હતા. ત્યારે જ પાસે આવીને અન્ય એક પોલીસ લાઈનના પૂર્વદિપસિંહ વાંચન કરવા માટે બેઠો હતો.
તેણે બે ત્રણ વખત હર્ષિતસિંહને પગ અડાડ્યો હતો. હર્ષિતસિંહએ પગ નહીં અડાડવા માટે સમજાવતા ઉશ્કેરાઈ ગયો હતો અને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. તેણે ઝઘડો કરવો હોય તો બહાર આવ. તેમ કહેતા હર્ષિતસિંહ બહાર ગયા હતા. જયા પૂર્વદિપસિંહ સહિત પાંચ શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હોવાનુ જણાવ્યુ હતું. હર્ષિતસિંહના પિતા એએસઆઈ શક્તિસિંહ ચુડાસમા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના બંગલે ફરજ બજાવે છે.
