મોરબીમાં રફાળીયા રોડ પર આવેલ કારખાનામાં કામ કરતા શ્રમિક દંપતિ વચ્ચે બે દિવસ ચાલતા ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો હોય તેમ પુત્રી સાથે કામે ગયેલા પ્રૌઢા મધરાત્રીના કામ કરી સુઇ ગયા હતા. ત્યારે નસેડી પતિએ નિદ્રાધીન પત્નીને માથામાં ઘણનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ હતું. પ્રૌઢાના મોતથી શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને મોરબીમાં રફાળીયા રોડ પર આવેલ આધ્યાશક્તિ પેપરમીલ નામના કારખાનામાં કામ કરતા શાંતાબેન ભુરાભાઇ કટારા નામના 45 વર્ષના પ્રૌઢા રાત્રીના એકાદ વાગ્યાના અરસામા કારખાનામાં સુતા હતા. ત્યારે દારૂના નશામાં પતિ ભુરા કટારાએ નિદ્રાધીન શાંતાબેન કટારાને માથામાં ઘણનો ઘા ઝીંકી દીધો હતો.
પ્રૌઢાને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા શાંતાબેને હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. પ્રૌઢાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી પ્રૌઢાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક શાંતાબેન કટારા મૃળ મધ્યપ્રદેશના વતની હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. શાંતાબેન કટારા પરિવાર સાથે કારખાનામા કામ કરતા હતા. ગઇકાલે રાત્રીના સમયે શાંતાબેન કારખાનામાં કામ કરતા હતા. ત્યારે લોહી લુહાણ હાલતમાં મળી આવતા પુત્રએ કોલસાની ચકરડીમાંથી પથ્થર લાગતા મોત નીપજ્યુ હોવાની પુત્રએ પોલીસ ચોપડે નોંધ કરાવી હતી.
પરંતુ શાંતાબેન કટારા સાથે રાત્રીના સમયે કામે ગયેલી પુત્રીએ સત્ય હકીકત જણાવી હતી કે, તેની માતા શાંતાબેન અને પિતા ભુરાભાઇ કટારા વચ્ચે બે દિવસથી નજીવા પ્રશ્ર્ને ઝઘડો ચાલતો હતો. ગઇકાલે માતા પુત્રી કારખાનામાં કામ કરી મધરાત્રે સુઇ ગયા હતા. ત્યારે પિતા ભુરાભાઇ કટારાએ દારૂના નશામાં માતા શાંતાબેન કટારાને માથાના ભાગે ઘણનો ઘા ઝીંકી દેતા મોત નીપજ્યુ હોવાનુ જણાવ્યુ હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસે પત્નીની હત્યા કરી નાશી છૂટેલા પતિ ભુરા કટારાને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.
