જેતપુરમાં જુગાર કલબ ચલાવતી મહિલા સામે પ્રથમ વખત પાસા

રાજકોટ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને વારંવાર ગુના આચરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. જેતપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં જુગાર ક્લબ ચલાવતી મહિલા સામે પ્રથમ વખત…

રાજકોટ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને વારંવાર ગુના આચરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. જેતપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં જુગાર ક્લબ ચલાવતી મહિલા સામે પ્રથમ વખત પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવામાં આવી છે.

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય તથા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા કડક અટકાયતી પગલાં લેવાની સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત જેતપુર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયાના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ઇ-ગુજકોપ એપ્લિકેશન દ્વારા સંચાલિત ડેટાના આધારે આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસ્યો હતો. જેમાં ધોરાજી રોડ, જલારામ નગર-1 માં રહેતી રેખાબેન જગદીશભાઈ વાઘેલા (ઉં.વ. 37) નામની મહિલા અવારનવાર જુગારનો અખાડો ચલાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોવાનું ખુલ્યું હતું.

મહિલા સામે અગાઉ પણ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ બે ગુના નોંધાયેલા છે. આ ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખીને જેતપુર ઉદ્યોગનગર પોલીસ દ્વારા મહિલા વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેકટરને મોકલાતા કલેકટર ડો. ઓમ પ્રકાશે પાસા હુકમ મંજૂર કરી મહિલાને પાસા હેઠળ અટકાયતમાં લઈ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે મોકલવાનો આદેશ કર્યો હતો.જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ બાદ જેતપુર ઉદ્યોગનગરના પી.આઈ એસ. એચ. શર્મા તથા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે. પી. રાવ અને તેમની ટીમે સંયુક્ત કામગીરી કરી મહિલાને હુકમની બજવણી કરી અમદાવાદ જેલ હવાલે કરવાની તજવીજ કરી હતી. પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફાળ પડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *